ગુજરાતી લોકસાહિત્યની અમર પ્રેમકથાઓ
પ્રેમમાં કોઈ માટે જીવ દઈ શકાય? હીર રાંઝા, રોમિયો જુલીયટ, લૈલા મજનું જેવા મહાન પ્રેમીઓની પંગતમાં મૂકી શકાય એવાં પ્રેમીઓ આપણી જ આજુબાજુ જીવી ગયા છે. સૌરાષ્ટ્રની ખડતલ અને બળકટ પ્રજાતિઓના ફરજંદની આ કથાઓ છે, હાડ અને હૈયાની એક એક કણી કોઈ ઉપર ઢોળાઈને ઓળઘોળ થઈ જવા ઈચ્છતી હોય એવું એક જણ જીવતરમાં જડી જાય અને વિખૂટું પડી જાય એ ચિરવિરહની અને ચિક્કાર પ્રેમની આ કથાઓ છે.
લોક હૈયે ચિરંજીવ બનેલી શેણી વિજાણંદની પ્રેમકથા કદાચ આપણી બુદ્ધિના માપથી પરે છે. પહેલી નજરે જે વિજાણંદ શેણીને જોવો ય નહોતો ગમ્યો એનાં જ જંતર ઉપર મોહી પડી અને વળી કૌતુક તો એ કે વગર કહ્યે વિજાણંદ જાણી પણ ગયો. શેણીના પિતાએ એક સો ને આઠ નવચાંદરી ભેંહુ સાથે આ પ્રીતની તુલના કરી અને અંતે વિજાણંદની પ્રીતમાં વિજોગણ બની ગયેલી શેણીએ હેમાળે દેહ ત્યાગ કર્યો.
વિજાણંદની વરમાળ, બીજાને બાંધુ નહિ
ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ
નાગ નાગમદેની પ્રેમકથામાં નાત જાતના બંધનો અને એક રાજ કુંવર તો બીજું સામાન્ય ખોરડાનું ફરજંદ. આ કથાઓ બળકટ ભાવો સાથે બળકટ શબ્દ ભંડોળ પણ ધરાવે છે. નાગમતી જયારે પોતાની તાવણનું ઘી વેચવા બજારે જાય છે એ જ વખતે નાગવાળો ત્યાંથી ઘોડેસવાર થઈને નીકળે છે. નાગમતીનું ઘી વાસણને બદલે નીચે ઢોળાય છે ત્યારે દુકાનદાર એને ટોકે છે કે બાઈ ઘી હેઠુ ઢોળાય છે ત્યારે નાગમતી ક્યે છે, ઘોળ્યું …! ન્યોછાવરીનો આવો બળુકો શબ્દ બીજો કયો?
ઘોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારના
ધન્ય વાર ધન્ય દિ’, નીરખ્યો વાળા નાગને
માંગડાવાળો અને પદ્માની કથામાં લગ્નના કોલ અપાઈ ગયા પણ ગાયુંની વ્હારે જતા માંગડાવાળાનું મોત નિપજ્યું ને ભૂત થઈને પદ્મા સાથે પરણ્યો. પદ્મા પણ માનવ સ્વરૂપે આજીવન પ્રેત સાથે રહી.
પદમા તારો પ્રીતાળ, હીરણની હદમાં રિયો
ઝાઝા દેજો જુહાર, મરતાં બોલ્યો માંગડો
લોડણ ખીમરોની કથામાં આજીવન કૌમાર્ય વ્રત પાળવાના વ્રત લઇ ચુકેલી લોડણ ખીમરાના પ્રેમમાં પડે છે ને ખીમરો ય લોડણ પર ઓવારી જાય છે. ખીમરો લોડણનો આઠ દિવસનો પણ વિરહ ખમી શકતો નથી અને વિરહની વેદનામાં મૃત્યુ પામે છે. પોતાનાં પ્રેમમાં કોઈ જણ મૃત્યુ પામે એ તો લોડણ માટે અસહ્ય થઇ પડ્યું અને પોતે ખીમરાની ખાંભી પર માથા પછાડીને મૃત્યુ પામી.
સિંદોર ચડાવે સગા, દિવો ને નારિયેળ દોય
લોડણ ચડાવે લોહી, તારી ખાંભી માથે ખીમરા
5. રાણો અને કુંવર
રાણો અને કુંવરની કથામાં કુંવરે રાણાને જોયો પણ નથી અને માત્ર દરરોજ સવારે રાણો પોતાના ઢોરાં ચરાવતાં સરજુ ગાન ગાય છે અને કુંવર સુતા સુતા આ ગાન રોજ સાંભળ્યા કરે છે. આ સરજુ ગાન સાંભળીને જ કુંવર રાણા રબારીના પ્રેમમાં પડે છે. એક દિવસ બંને એકબીજાને નજરોનજર જુએ છે અને પ્રીત પાંગરે છે. પણ કુંવરનું તો બીજે સગપણ થાય છે ને સાસરે ય ચાલી જાય છે. રાણાને જીવવું અઘરુ થઇ પડે છે. જેની સાથે મનની માયા લાગી એનાથી વિખુટા રહેવાતું નથી, બીજી બાજુ કુંવર પણ સાસરીમાં દિવસે દિવસે ગળતી જાય છે. અંતે બંને પ્રેમી હંમેશા માટે વિખુટા પડી જવા એકવાર મળી લ્યે છે, દેહનાં ચૂરા થઇ જાય એવી બાથ ભીડે છે અને સાણા ડુંગરની સોડ્યમાં અમર થઇ જાય છે. લોકનો એક દુહો છે:
કોઈ કટારા કર ગ્રહે, કોઈ મરે વખ ખાય
(પણ) પ્રીત ઉન્હીસે કીજીયે, (જેનો) હાય કહે જીવ જાય
પોરસા વાળાના પાદરની કથામાં બધો ખેલ વચનનો છે, પતિ પોતાની પત્ની પાસેથી વચન લઈને જાય છે કે હું ના આવું ત્યાં સુધી પાદરમાંથી ખસતી નહિ. પતિ ગયો ને પાછળથી મુશળધાર વરસાદ પડ્યો ને પાદરમાં પૂર આવ્યું અને પત્ની જીવથી ગઈ..
હુતું કામળની કોર, છેડેથી છૂટી ગયું
કામણગારુ કોઈ, પાદર તારે પોરહા
આ બધી કથાઓ નાત જાતના બંધનોથી પરે, લાજ શરમના આંચળાથી પરે રહીને પહાડી સંતાનો થકી જીવાઈ ગયેલી છે. ન્યોછાવરી જેમાં મુખ્ય છે. મનના માનેલા ઉપર ઓળઘોળ થઇ જાવાનો પડઘો ગુંજે છે આ કથાઓમાં.
ઝવેરી ઝવેરચંદ મેઘાણીએ આ નાદને કલમ કાગળ થકી ઝીલી લીધો ને સમગ્ર લોક સમુહ સુધી પહોચાડ્યો.









