‘ગની’, ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ-બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું.
ગુજરાતનો બાગ એવા ગની ખરેખર ગઝલના બુલબુલ હતા. જેટલા ઉત્તમ ગઝલકાર એવી જ ઉત્તમ ગાયકી. તેમને મુશાયરામાં સાંભળવા એ લ્હાવો ગણાતો હતો. અને તેમની પ્રેમ બાનીએ ગુજરાતી ગઝલને રોમરોમ ખીલવી છે. આ કવિ પ્રેમ કવિતાઓ ગાતા ગાતા ‘ભિખારણનું ગીત’ પણ ગાય જાણે છે, જ્યાં પ્રેમના આ કવિની સર્વોત્તમ કાવ્યશક્તિ અભિવ્યક્ત થતી જોવા મળે છે.
ગનીચાચા તરીકે ખ્યાતનામ ગની દહીવાલાનો એક કિસ્સો બહુ રસપ્રદ છે. વાત હતી ઈ.સ. 1939ની. સુરતના હરિપુરા ગામે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાવાનું હતું. દેશભરના યુવાનોના હીરો એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ ગનીચાચાના પણ હીરો હતા. અને ગનીચાચા તો પહોંચી ગયા નેતાજી પાસે, કે આપ અમારે ત્યારે પધારો જ પધારો. ઝવેરી બજારના વિસ્તારમાં ગોપીપુરા ખાતે તેમની નાનકડી દરજીકામની દુકાન હતી. ત્યાં નેતાજીના સ્વાગત માટે તેઓ ખુદ તૈયારી કરવા લાગ્યા. આસપાસનાં વેપારીઓને જાણ થઇ કે સુભાષબાબુના આગમનની તૈયારી થઇ રહી છે ત્યારે તેઓ સૌ પણ સ્વાગત માટે તૈયાર થઇ ગયા અને જાણે ઘરે અવસર આવ્યો હોય એવા ઉત્સાહથી ઝવેરીઓએ સાચાં મોતીનાં તોરણો બાંધીને તથા સાચાં ઝવેરાતથી નેતાજીનું સ્વાગત કર્યું ! પાછળથી મ્યુનિસિપાલિટીમાં ઠરાવ પસાર કરાવી આ વિસ્તારનું નામ ‘સુભાષ ચોક’ પણ રખાવી દીધું!
સુરતીલાલોઓ હજુ ગનીચાચાની વાત કરતા થાકતા નથી એવો તેમનો પ્રેમાળ સ્વભાવ હતો. તેમની મિત્રતાના દાખલા દેવાતા હતા. તેમનું એક મુક્તક,
મેં નજરથી હાક મારી પુષ્પને
એ ય મુસ્કામું પવનના ઓઝલે
કંઈક મૂંગી મૈત્રીઓ એવી ‘ગની’
જોગવી છે મેં જીવનના ઓઝલે
ગનીચાચાના શાયર મિત્રોની યાદી બહુ લાંબી છે. શયદા અને અમીન આઝાદ તો તેમના ગુરુ. એ સિવાય રતિલાલ ‘અનિલ’, અમૃત ‘ઘાયલ’, ‘શૂન્ય’ પાલનપુરી, ‘સૈફ’ પાલનપુરી, આદિલ મન્સૂરી અને ‘બેફામ’ જેવા લગભગ મોટાભાગના સમકાલીન ગઝલકારો તેમના બહુ અંગત મિત્રો હતા. અને એ મિત્રતાના પ્રતાપે તેમનું સાહિત્ય સર્જન સતત નિખરતું ગયું.
મોટાભાગના લોકો ગનીચાચાને મુખત્વે ગઝલકાર તરીકે ઓળખે છે, પરંતુ સુરતમાં રહેનાર વ્યક્તિ હાસ્યકાર ન હોય એવું બને ખરું? ગનીચાચા પણ હાસ્યકાર હતા. વર્ષો સુધી તેમણે દર બુધવારે ‘હળવે તે હાથ, નાથ મહીડાં વલોવજો’ નામે હાસ્યરસનાં કાવ્યોની કોલમ ચલાવી હતી. છતાં તેમની હયાતી સુધી તેમણે તેમના હાસ્યકાવ્યોનો સંગ્રહ ન થવા દીધો. તેમના અવસાન બાદ કૌશિકકુમાર દીક્ષિતે તેમના હાસ્યકાવ્યોનું સંપાદન કરી પુસ્તક બહાર પાડ્યું.
તેમના મૃત્યુ બાદ તેમનો હાસ્ય કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો પરંતુ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો એ ઘટના જાણવા જેવી છે. મધુર તરન્નુમને કારણે ગુજરાતી ગઝલના ઉપવનના ‘બુલબુલ’ તરીકે જાણીતા ગની દહીંવાલાની આર્થિક સ્થિતિ ઠીક ઠીક હતી. ચાર ચોપડી ભણેલા ગનીચાચા દરજીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. સાવ સાદા સરળ ફકીર જેવા ગનીચાચાના મધુર કંઠે ગવાયેલ ગઝલો અને ગીતો મુશાયરાઓમાં જમાવટ કરતાં હતાં પણ માંડમાંડ પેટનું પૂરું થતું હોય ત્યાં સંગ્રહ કરવાનો વિચાર પણ ક્યાંથી આવે? પરંતુ તેમના મિત્રોએ કાવ્યસંગ્રહ કરવા માટે ‘શ્રી ગની કાવ્યસંગ્રહ પ્રકાશન સમિતિ’ બનાવી, જેના પ્રમુખ ઈશ્વરલાલ ઈ. દેસાઈ બન્યા. મોહનલાલ પાર્વતીશંકર દવે અને જનાબ મુનાદી પણ જોડાયા. રતિલાલ અનિલ, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી વગેરેએ પણ સાથ સહકાર આપ્યો. જ્યોતીન્દ્ર હ. દવે, કરસનદાસ માણેક, ચંદ્રવદન મહેતા વગેરેએ આશીર્વાદ સાથે શુભેચ્છા સંદેશાઓ પાઠવ્યા. ઉમાશંકર જોશીએ પ્રસ્તાવના લખી આપી. અને મહાન ગાયક મહંમદ રફીએ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ ગાઈને અમર કરી દીધી છે, એવી અનેક ગઝલોના સર્જક ગની દહીંવાલાનો પ્રથમ સંગ્રહ ‘ગાતાં ઝરણાં’ પ્રકાશિત થયો.
કોઈ કવિના કાવ્યસંગ્રહના પ્રકાશન માટે કાવ્યપ્રકાશન સમિતિ બની હોય એવીય ઘટના બની છે ગુજરાતી સાહિત્યમાં! વિચારો એ કવિ માટેનો લોકોનો પ્રેમ કેવો હશે? ગની દહીવાલાને આજે પણ એટલો જ પ્રેમ કરતા ગુજરાતી કવિતાના ભાવકોએ એમની રચનાઓએ અમર કરી દીધી છે, જલસો પર તેમની અનેક રચનાઓ છે એનો અનેરો આનંદ છે.
તેમની એક અમર રચના માણીએ.
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા