ઓજસ પાલનપુરી વિશે મરીઝે સાહેબે એકવાર કહેલું કે ‘ગુજરાતનો હોનહાર ગઝલકાર પાલનપુર પાસેના લાલાવાડાના બગીચામાં તૈયાર થઈ રહ્યો છે.’
ગઝલકારોના બગીચા સમાન પાલનપૂરે ગુજરાતને ગુલાબની જેમ મહેકતા અનેક ગઝલકારો આપ્યા છે. એ જ બગીચામાં તૈયાર થઇ રહેલા ગઝલકાર એટલે મોટામિયાં અલી મિયાં સૈયદ. ન ઓળખાયા? હવે ઓળખાશે,
બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.
પીને શરબ ઉભો’તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.
તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.
તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.
‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.
ગુજરાતી સાહિત્યમાં આવી અનેક રચનાઓથી અમર થયેલા ગઝલકાર એટલે ઓજસ પાલનપુરી. એમનું મુળનામ તો મોટામિયાં અલી મિયાં સૈયદ. પરંતુ પ્રખ્યાત થયા ઓજસ પાલનપુરીના નામે. તેમના પિતા અલીમિયાં સૈયદ, આ એ જ અલીમિયાં સૈયદ જેમની ચિત્રકલાના કે.કે. આસિફ અને મહેબુબ જેવા દિગ્દર્શક આશિક હતા. 25 જુલાઈ 1927 માં ઓજસ પાલનપુરીનો જન્મ થયો. તેમના દાદા લાલમિયાં સૈયદ પણ નવાબી સમયમાં ‘લાલ’ ઉપનામે ઉર્દૂ ગઝલો લખતા હતા. જેમનો ‘કુલ્લિયાતેલાલ’ નામનો ગઝલસંગ્રહ પ્રગટ થયો હતો. આમ, ઉર્દુ ગઝલનો વારસો ઓજસને જન્મજાત મળ્યો હતો. મીર ,જિગર મુરાદાબાદી , મજરુહ સુલતાનપુરીના તેઓ ઊંડા અભ્યાસી હતા. દાદા ઉર્દુ ગઝલકાર હોઈ ગઝલના વાતાવરણમાં જ તેમનો ઉછેર થયો, શરૂઆતમાં તેઓ ઉર્દુમાં ફરોગ (પ્રકાશ )પાલનપુરી નામે ઉર્દુ ગઝલ લખતા. તેઓ શૂન્ય પાલનપુરીના શિષ્ય હતા.
આપણા મૂર્ધન્ય કવિ અમર પાલનપુરી ઓજસ પાલનપુરીને શાયર નહી પણ ફકીર, ઓલીયો અને અલગારી જીવ કહેતા. અમર સાહેબ ઓજસના બહુ મોટા પ્રશંસક. અમર સાહેબ તો તેમને ‘શાયરોના પ્રિય શાયર’ કહીને નવાજે છે.
અમર સાહેબે ઓજસ પાલનપુરીના ગઝલ સંગ્રહ ‘ઓજસ’ની બીજી આવૃતિના વિમોચન પ્રસંગે તેમના જીવન વિશે ઘણી રસપ્રદ વાતો કરેલી. એક વખત મુંબઈમાં કોઈ ફિલ્મના શુટીંગ દરમિયાન મીનાકુમારી અને ગુરુદત્તની હાજરીમાં સાહિર લુધિયાનવીને અમર સાહેબ આ શેર સંભળાવ્યો.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
આ શેર સાંભળી સાહિબ લુધિયાનવી બહુ જ ખુશ થઇ ગયા. અને કહ્યું કે ‘કોઇક વાર આ શાયર સાથે મુલાકાત કરાવજે.’ સાહિર સાહેબને આ શેર એટલો ગમી ગયો જે તેમણે કહ્યું ‘મારી બધી જ રચનાઓ હું તમારા નામે કરી દઉં જો તમે આ શેર મારા નામે કરી દો.” અમર સાહેબ પાસેથી સાંભળવા મળેલો કિસ્સો એ ઓજસ સાહેબના સર્જનની સજ્જતા દર્શાવે છે. ઓજસ પાલનપુરી આલા દરજ્જાના શાયર હોવા છતાં પોતાની જ ધૂનમાં મસ્ત રહેતા. તેઓ હંમેશા ઘવાયેલો જ રહેતો એના શરીરમાંથી લોહી નીકળતું હોય ને એમને ખબર પણ ન હોય, અને તેથી જ અમર સાહેબ તેમને ‘ઘવાયેલો સોલ્જર’ કહેતો. અને કદાચ તેથી જ ઓજસના હદયમાંથી પણ આવાં શબ્દો નીકળ્યાં હશે કે..
દિલાસા આપનારાઓએ મારું ધ્યાન દોર્યું છે,
નહીંતર હું દુ:ખી છું એની મુજને તો ખબર ન્હોતી.
દુઃખી તો તેઓ નહોતા. ખરાબ આર્થિક સ્થિતિનો તેમણે સ્વીકાર કરી લીધો હોવાથી દુઃખ હતું એમ તો ન કહી શકાય. અને આમેય સ્વીકારભાવ ઘણા દુઃખો ઓછા કરી દેતો હોય છે. એકવાર જુના ડાયરામાં આવેલા મકાનના ઓટલા પર જિગર મુરાદાબાદીથી સાહિર લુધિયાનવી સહિતના ગઝલકારોની ગઝલની ચર્ચા થતી હતી ત્યાં રાત્રે ઓટલા પર અચાનક આવી ચઢેલ સાંપના દંશથી તેમનું અવસાન થયું. એ તારીખ હતી 4/10/1969. માત્ર 42 વર્ષની નાની વયે તેઓ મૃત્યુ પામ્યા. જીવનની અંતિમ પળોમાં પણ ગઝલની ચર્ચા કરતા કરતા તેઓ મૃત્યુને ભેટ્યા. એક ગઝલકાર ગઝલની ચર્ચા કરતા કરતા મૃત્યુ પામે! તેમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘ઓજસ’ મરણોત્તર પ્રકાશિત થયો છે. આજે જલસો ગુજરાતી ભાષાના એક આલા દરજ્જાના શાયરને યાદ કરીને તેમને નમન કરે છે. તેમની યાદ સાથે માણીએ તેમના કેટલા શ્રેષ્ઠ શેર.
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું ,
આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે ,
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે .
ગમનો ઉન્માદ ક્યાં લગી રહેશે ?
અશ્રુ વરસાદ કયાં લગી રહેશે ?
સમજી શક્યો છું એટલું ‘ઓજસ’ મિલન પછી,
કે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે .
પીને શરાબ ઊંઘો તો સપનાએ ના જુઓ ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.
હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે,
ખબર છે મને કે દુઃખોથી ભરેલી છે.
તું આંખ સામે હોય ને એવું યે પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.