મંગેશકર, આ નામ લેતા જ ભારતીય સંગીતની એક દુનિયા નજર સામે આવે. મંગેશકર પરિવાર એ ભારતીય સંગીતનું ‘ફર્સ્ટ ફેમીલી’ એવું ટેગ ધરાવે છે. જેમાં સુરસામ્રાજ્ઞી અને સરસ્વતીનું માનવીય સ્વરૂપ જેવી ઓળખ ધરાવતા લતા મંગેશકર, લતાજીની તદ્દન અલગ જ અવાજ ને વ્યક્તિત્વ ધરાવતા આશા ભોંસલે, અદ્ભુત ગાયિકા ઉષા મંગેશકર, પ્રમાણમાં ઓછા જાણીતા મીના ખાડીકર અને હ્રદયનાથ મંગેશકર જેવા ગાયક – સંગીતકાર, એમ પાંચ ભાઈ બહેનો સમાવિષ્ટ છે. અને આ પરિવારના મોભી એવા પાંચેય ભાઈ બહેનના પિતાશ્રી અને મહાન ભારતીય સંગીતકાર – ગાયક પંડિત દીનાનાથ મંગેશકર.
મંગેશકર પરિવારનું ભારતીય સંગીતમાં જેટલું પ્રદાન છે એવું સામુહિક પ્રદાન ભાગ્યે જ કોઈનું હશે! સિવાય કે શાસ્ત્રીય સંગીત. સંગીતના વટવૃક્ષ સમાન આ પરિવારમાં એક એવા ગાયિકા થઇ ગયા જે બોલીવુડમાં કદાચ લતાજી અને આશાજી જેટલી પ્રસિદ્ધી ન પામી શક્યા. પરંતુ ગુજરાતી સંગીતમાં તેઓ સુપરસ્ટારનો દરજ્જો ધરાવે છે.
એ સંગીતકાર એટલે ઉષા મંગેશકર. ગુજરાતી ફિલ્મી સંગીતમાં અવિનાશ વ્યાસ જયારે તેમની સુવર્ણ સફરે હતા ત્યારે તેમણે અનેક ગીતો ઉષા મંગેશકર પાસે રેકોર્ડ કરાવ્યા. ઉષાજી ન માત્ર ગુજરાતી પરંતુ ભારતીય સંગીતમાં પણ આગવી ઓળખ ધરાવતા ગાયિકા બન્યા, પરંતુ તેમને ગાયિકા બનવું છે એવું કંઇ મનમાં હતું જ નહીં! દીનાનાથ મંગેશકર જેવા મહાન સંગીતકારના ઘરે જન્મ થયો, લતાજી અને આશાજી જેવા મોટા બહેન સુપરસ્ટારનો દરજ્જો ધરાવતા ગાયિકા ઘરમાં હોય એટલે સ્વાભાવિક રીતે સંગીતનું વાતવરણ તેઓ બાળપણમાં જ પામ્યા હતા. પરંતુ તેમના મનમાં તો ચિત્રકારીતા હતી. તેમને તો ચિત્રકાર બનવું હતું. પરંતુ નિયતિ તેમને સંગીત ક્ષેત્રે લઈ આવી.
એકવાર લતાજીને કોઈ કોઈ ગીતમાં કો – સિંગરની જરૂર પડી. લતાજી અન્ય કોઈ સિંગર ને ન કહેતા ઉષાજીને જ કહ્યું કે તમે જ સાથે ગાઓ. સંગીતની તાલીમ તો અભિમન્યુની જેમ ગર્ભથી જ મળતી આવતી હતી એટલે ગાવું એ એમના માટે કોઈ મોટી વાત ન હતી. લતા દીદીના કહેવાથી સંગીત ક્ષેત્રે પર્દાપણ કર્યું.
પરંતુ તેમનું બોલીવુડમાં પર્દાપણ ફિલ્મ ‘સુબહ કા તારા’ના હિન્દી ગીત ‘બડી ધૂમ ધામ સે મેરી ભાભી આયી’થી હતું. ‘જય સંતોષીમા’ 1975માં આવેલી આ ફિલ્મમાં તેમણે ‘જય સંતોષીમા’ ટાઇટલ સોંગ ગાયું. આ ફિલ્મ કોઈ જ પ્રમોશન વગર સાવ સામાન્ય રીતે રીલીઝ થયેલી, પરંતુ તેના ગીતે એવી ધૂમ મચાવેલી કે આજે પણ એ ફિલ્મ અને ગીત લોકપ્રિય છે. એ ફિલ્મે લોકોની આસ્થાનું એક નવીન રૂપ ધારણ કર્યું હતું.
આ ફિલ્મ અને તેના ગીત બાદ ઉષા મંગેશકર પણ રાતોરાત જાણીતા બની ગયા. અન્ય ભાષાઓમાં પણ તેમને ગીતો ગાવાની ઓફર મળવા લાગી. તો પછી ગુજરાત તેમનાથી કેમ અજાણ રહે! અને પછી શરુ થાય છે ઉષા મંગેશકરની ગુજરાતી ગીતોની જર્ની.
પુરુષોત્તમ ઉપાધ્યાયનું પ્રથમ ગીત ‘નેજવાને પાંદડે’ ઉષાજીએ ગાયું હતું. ત્યારપછી તો તેમના સંગીત નિર્દેશનમાં ઘણી ગુજરાતી ફિલ્મોમાં ઉષાજીએ ગીતો ગાયા. પુરુષોત્તમ ઉપાધ્યાયના આલ્બમ ‘રંગ ડોલરિયો’નું નામ પણ ઉષા મંગેશકરે જ આપ્યું હતું. એ આખું આલ્બમ ઉષાજીએ ગાયું હતું. એમાંનું અતિ લોકપ્રિય ગીત ‘એક ઝાડ માથે ઝૂમખડું, ઝૂમખડે રાતાં ફૂલ રે રંગ ડોલરિયો.’
ઉષા મંગેશકરે ગાયેલા ગીતો આજે એટલા લોકપ્રિય છે કે એ ગીતો ગુજરાતની ઓળખ સમાન બની ગયા છે. લોકોને કદાચ એ ગીતના ગીતકાર, સંગીતકાર કે ગાયક પણ યાદ નહીં હોય, પરંતુ એ ગીત ચોક્કસ યાદ છે.
‘ખમ્મા મારા વીરાને’ આ આલ્બમ કદાચ યાદ નહીં હોય, પરંતુ તેનું ગીત ‘પૂનમની પ્યારી પ્યારી રાત’ આજે એટલું લોકપ્રિય છે કે ન પૂછો વાત. કેશક રાઠોડે લખેલું આ ગીત ઉષાજી અને પ્રફુલ દવે દ્વારા ગાવામાં આવ્યું હતું.
એવું જ એક ગીત એટલે ‘ચાંદો ઉગ્યો ચોકમાં ધાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ’. ‘જોગીદાસ ખુમાણ’ ફિલ્મનું આ ગીત લોકગીતની કક્ષાએ પહોંચી ગયું છે. અવિનાશ વ્યાસના સંગીતમાં ઉષાજી અને વેલજી ગજ્જરે ગાયેલું આ ગીત ત્યારબાદ અનેક ગાયકોએ ગાયું છે.
‘સાચી રે મારી સત રે ભવાનીમા’ ‘ભાથીજી મહારાજ’ ફિલ્મનું ઉષાજીના અવાજમાં ગવાયેલું આ ગીત આજે નવરાત્રીમાં ફરજીયાતપણે ગવાતું ગીત છે. મહેશ – નરેશ સુંદર સંગીત અને કાંતિ અશોકના શબ્દોને ઉષાજીએ આ ગીતમાં પ્રાણ પૂર્યા છે.
ગુજરાતી ફિલ્મ જગતની સૌથી લોકપ્રિય ફિલ્મો પૈકીની એક ‘પાતળી પરમાર’ ફિલ્મનું ‘માંડી હું તો બાર બાર વરસે આવ્યો’ જેવું અતિશય લોકપ્રિય ગીત ઉષાજીએ પ્રફુલ દવે સાથે ગાયું છે. અવિનાશ વ્યાસના સંગીત અને શબ્દોને ઉષાજી અને પ્રફુલ દવેએ તેમના અદ્ભુત અવાજથી અમર કરી દીધું છે.
તેમના અન્ય કેટલા અમર ગીતોમાં
- નયન ને નયન મળે જ્યાં
- ઝટ જાઓ ચંદન હાર લાવો
- જોડે રહેજો રાજ
- રૂડીને રંગીલી રે
- એક વણઝારી ઝૂલણ
- સાથીયા પુરા રાજ
- ચુંદડી ઓઢાડી તારા જશોદા
- વાદલડી વરસી રે
- હરી તે હરી તે વનનો મોરલો
- સાવરિયા દઈ દે ઓ રંગની ચૂડી
- ગરજ ગરજ વરસો