ગુજરાતી મૂળના હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખ એટલે એક અત્યંત જાજરમાન વ્યક્તિત્વ. તેમને માત્ર અભિનેત્રી આશા પારેખ કહેવું યોગ્ય ના ગણાય. ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર આ અભિનેત્રીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આશા પારેખનો જન્મ તારીખ 2 ઑક્ટોબર, 1942ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી મૂળ ધરાવતાં હિન્દી ફિલ્મોનાં સફળ અભિનેત્રી છે. માત્ર અભિનય ઉપરાંત તેમણે નૃત્યકલામાં પણ કુશળતા પ્રાપ્ત કરેલી છે. હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે પોતાના અભિનયના અજવાળાં પાથર્યાં છે. અખંડ સૌભાગ્યવતી, કુળવધુ વગેરે તેમની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો છે.
આશા પારેખ હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જો કે હિન્દી ફિલ્મોમાં તેઓ તેમની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે પણ તેમણે વર્ષ 1963 માં અખંડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા આપી હતી. આ ગુજરાતી ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી.
આશા પારેખ આજીવન કુંવારાં રહ્યા છે. એટલું જ નહીં, તેમનું નામ ક્યારેય પણ કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં નથી આવ્યું. કદાચ તેમના સમયના અભિનેતાઓ માટે આશાજી જેવાં જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હશે. માટે જ તેઓ આશાજીથી દૂર રહ્યા હશે. પોતાના માતા-પિતાનાં મૃત્યુ બાદ તેમણે પોતાનો વિશાળ બંગલો વેચીને એક નાના સરખા મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.
વર્ષ 2002ના ફિલ્મફેરનો લાઈફટાઈમ એચિવમેન્ટ અવોર્ડ આશા પારેખને ખૂબ જ અદ્ભૂત અભિનયના અજવાળા પાથરવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો.