આયુર્વેદના ચમત્કારો – જાણો આયુર્વેદશાસ્ત્રને વધુ નજીકથી!
આયુર્વેદ એ ઉપચાર અને સ્વાસ્થ્યને સાંકળતું આપણા ભારત દેશનું અતિપ્રાચીન વિજ્ઞાન છે. હજારો વર્ષો પહેલાં આયુર્વેદ વિજ્ઞાનની શોધ થઇ તેવું માનવામાં આવે છે. આયુર્વેદ એ મૂળે પ્રાકૃતિક ઉપચારની એક પદ્ધતિ છે જેમાં પ્રકૃતિના તત્વો થકી રોગનો ઉપચાર કરવામાં આવે છે. આયુર્વેદશાસ્ત્રનું મૂળ હાર્દ માત્ર રોગનો ઉપચાર જ નહીં પરંતુ સ્વસ્થ જીવન કઈ રીતે જીવવું તે પણ સમજાવે છે. આ વિજ્ઞાનને લગતા અનેક પ્રશ્નો લોકોમાં રહ્યા હોય છે. આજના વર્તમાન સમયમાં જયારે એલોપેથી એ ઈલાજનું મુખ્ય માધ્યમ બની ગયું છે ત્યારે આયુર્વેદ માટે લોકો એવું માને છે કે ‘તેને અસર થતા લાંબો સમય થાય’, ‘આયુર્વેદ અસરકારક નથી’ વગેરે વગેરે. પરંતુ વાસ્તવમાં આયુર્વેદશાસ્ત્ર આજે પણ એટલું જ અસરકારક અને દમદાર છે.
અંગ્રેજો અને પરપ્રાંતીય લોકો જેમણે ભારત દેશ ઉપર રાજ કર્યું તેમણે આ આયુર્વેદશાસ્ત્રનો જુદી જુદી રીતે ઉપયોગ કર્યો, પોતાના પ્રાંતમાં લઇ ગયા અને અહીં ભારતમાં તેના ગ્રંથોનો નાશ કર્યો. માનવમાં આવે છે કે એલોપેથી વિજ્ઞાન પણ ઘણુંખરું આ આયુર્વેદ શાસ્ત્રના મદદથી જ રચાયું છે. આટલું દમદાર વિજ્ઞાન આપણી પાસે છે તો પણ કેમ આજે આયુર્વેદને લઈને ગેરસમજો છે? પ્રશ્નો છે? કારણ કે સાચા વૈદ્યની સમાજમાં ક્યાંક કમી છે. એટલે જ જલસોએ સંવાદ કર્યો છે પ્રસિદ્ધ વૈદ્ય ડૉ.દેવાંગી જોગલ સાથે.
સુરત સ્થિત ડૉ.દેવાંગી જોગલ ખૂબ જ પ્રસિદ્ધ વૈદ્ય અને આયુર્વેદિક ડોક્ટર છે. તેઓ માત્ર આયુર્વેદશાસ્ત્રથી ઉપચાર અને સારવાર જ નહીં પરંતુ સાથે સાથે આ વિજ્ઞાનનો પ્રચાર પણ કરે છે. જલસોના હોસ્ટ એવા નૈષધ પુરાણી પણ મૂળે આયુર્વેદ ડોક્ટર જ છે. આ સંવાદ અત્યંત રસપ્રદ અને ઉપયોગી નીવડશે તેમજ આયુર્વેદ વિશેની આટલી સચોટ માહિતી આપને બીજે ક્યાંય સાંભળવા નહીં મળે, આ સંપૂર્ણ સંવાદ આપ સાંભળી શકો છો Jalso Podcast YouTube Channel પર. આ બ્લોગમાં આપણે વાત કરીશું અમુક Specific રોગ તેમજ ગ્રંથીઓના આયુર્વેદ થકી ઉપચાર વિશે તેમજ આયુર્વેદ સાથે જોડાયેલ અમુક રસપ્રદ મુદ્દાઓ વિશે.
આયુર્વેદમાં પ્રકૃતિ એટલે શું?
આયુર્વેદ સાથે જોડાયેલ એક પ્રચલિત શબ્દ છે ‘પ્રકૃતિ’. સામાન્યતઃ આપણે વાતચીતમાં બોલતા હોઈએ છીએ કે આને પિત્તની પ્રકૃતિ છે કે વાયુની પ્રકૃતિ છે એમ. તો આયુર્વેદમાં મૂળે ત્રણ પ્રકૃતિનો સમાવેશ થાય છે. પિત્ત પ્રકૃતિ, વાયુ પ્રકૃતિ અને કફ પ્રકૃતિ. આયુર્વેદ ડોક્ટર એ વ્યક્તિ સાથે વાત કરીને, તેની નાળ તપાસીને કોઈની પણ પ્રકૃતિ નક્કી કરે છે. રસપ્રદ વાત એ છે કે જેમ માણસ જે બ્લડગ્રુપ સાથે જન્મ લે છે તે જીવનપર્યંત રહે છે તે જ રીતે દરેક માણસની પ્રકૃતિ પણ નિશ્ચિત હોય છે જે બદલી શકાતી નથી. આ ત્રણેય પ્રકૃતિના જુદા જુદા ગુણધર્મો પણ હોય છે જે સમાન પ્રકૃતિ ધરાવતા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. વાયુ પ્રકૃતિ તે આપણને જે ગેસ થાય છે તે નહીં, પિત્ત પ્રકૃતિ તે આપણને જે એસીડીટી થાય છે તે નહીં અને કફ પ્રકૃતિ એટલે જે શરદી-ખાંસી થાય છે તે નહીં. આ પ્રકૃતિ એટલે શારીરિક અને માનસિક બંધારણ.
વાયુ પ્રકૃતિના સામાન્ય ગુણધર્મો:
- ચંચળ, ક્યાંય ઠરીને બેસે નહીં
- પરિવર્તનશીલ
- ખાય તેના કરતા બાળે વધારે
- ખૂબ જ Confusion હોય
- શરીરે સહેજ પાતળા હોય, વાળ થોડા Curly એટલે કે વાંકળિયા હોય અને વર્ણ સહેજ કાળાશ પડતો હોય
- Grasping Power ખૂબ જ સ્ટ્રોંગ હોય પરંતુ Recalling Power નબળો હોય
પિત્ત પ્રકૃતિના સામાન્ય ગુણધર્મો:
- ખૂબ જ ગુસ્સાવાળા હોય
- દરેક સંવેદનાને ખૂબ જ મજબૂતાઈથી પ્રસ્તુત કરે
- સ્પષ્ટ વક્તા હોય
- દરેક કામમાં ચોકસાઈ જોઈએ
- શરીર ઉપર તલ વધુ હોય, ચામડીના રોગ થવાની શક્યતાઓ વધુ હોય તેમજ વાળ ખરવાની સમસ્યા પણ તેમને વધુ હોય
- ધારેલું જ કરે અને સ્વભાવે સહેજ જીદ્દી હોય
- તેમને Grasping અને Recalling Power બંને ખૂબ જ સ્ટ્રોંગ હોય છે
કફ પ્રકૃતિના સામાન્ય ગુણધર્મો:
- નિરાંતવાળા હોય (Carefree)
- સહનશીલ તેમજ ક્ષમાવાન હોય
- તે જે નિર્ણયો લે તે ખૂબ જ સહજ અને મેચ્યોર હોય
- Grasping Power નબળો હોય પરંતુ Recalling Power એકદમ સ્ટ્રોંગ હોય
તો આ છે અલગ અલગ પ્રકૃતિના સામાન્ય ગુણધર્મો. પ્રકૃતિ નક્કી કરવા માટે ઇન્ટરનેટ ઉપર અનેક વેબસાઈટ પણ ઉપલબ્ધ છે. તો તમારે કઈ પ્રકૃતિ છે?
આયુર્વેદમાં ઔષધિના જુદા જુદા પ્રકાર
જેમ આપણે પ્રકૃતિના પ્રકાર જોયા તે આ ઔષધિઓને પણ લાગુ પડે છે. એલોપેથીમાં જેમ પેરાસીટામોલ બધાને એકસમાન અસર કરે છે તેમ આયુર્વેદમાં કોઈ દવા બધાને સમાન જ અસર કરે તે જરૂરી નથી. પ્રકૃતિના પ્રકાર સાથે આ ઔષધિઓની અસર બદલાય છે. આયુર્વેદમાં હંમેશા દવા એ ડોક્ટરના કહ્યા પ્રમાણે જ લેવી જોઈએ અને કોઈ અધિકૃત કંપની ની દવા લેવી જોઈએ. ડૉ.દેવાંગી જોગલ આયુર્વેદ સાથે જોડાયેલ અન્ય એક ગેરસમજને પણ દૂર કરે છે કે આયુર્વેદ ધીમેથી જ અસર કરે. તેઓ જણાવે છે કે આયુર્વેદના ઘણા ઉપચાર દર્દીને તરત જ અસર કરે છે, જો યોગ્ય ઔષધિ યોગ્ય રીતે આપવામાં આવે તો તે અસર કરે જ છે.
PCOD શું છે અને શું તેમાં આયુર્વેદ મદદરૂપ બને છે?
આ પ્રશ્નના સંદર્ભે તેઓ જણાવે છે કે PCOD એ જયારે બીજને ગર્ભાશયમાંથી બહાર આવવા માટે અવરોધનો સામનો કરવો પડે છે તેના દ્વારા શરું થતી બીમારી છે. તેઓ જણાવે છે કે જયારે પહેલાના સમયમાં સ્ત્રીઓ ચણિયા અને ખુલ્લા કપડા પહેરતા ત્યારે આ સમસ્યાઓ નહોતી પરંતુ આજે જીન્સ જેવા ટાઈટ કપડાના કારણે ક્યાંક આ સમસ્યામાં વધારો થયો છે. કોઈ સ્ત્રીને PCOD હોય તેના સામાન્ય લક્ષણ કંઇક એવા હોય છે કે જેમના Periods એટલે કે માસિકધર્મ સમયસર ન રહેતા હોય, વજન ખૂબ વધી જાય તેમજ ચામડીના રોગ અચાનકથી થઇ જાય. સાથે સાથે Mood Swings પણ તેમને ખૂબ વધુ હોય છે. Periods સમયે તેમજ Menopause ના સમયમાં કોઈપણ સ્ત્રી અનેક પ્રકારના શારીરિક તેમજ માનસિક યાતનાઓમાંથી પસાર થતી હોય છે. આ સમયે પરિવારજનોએ તેમજ મિત્રવર્તુળમાં તેમનું વધુ ધ્યાન રાખવું જોઈએ, તેમને વધુ ને વધુ પ્રોત્સાહિત તેમજ ખુશ રાખવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
Salad અને Sprouts કાચા ખાવા જોઈએ? Obesity નો કઈ રીતે ઉપચાર કરવો?
આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે કાચું શાકભાજી તેમજ કઠોળ ક્યારેય ન ખાવા જોઈએ. આ વાત સાંભળીને કે વાંચીને આપ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હશોને? આજના સમયમાં દરેક લોકો Salad ખાવા માટે તેમજ કાચા -પલાળેલા કઠોળ ખાવા માટે સલાહ આપતા હોય છે. પરંતુ આયુર્વેદમાં તેમ કરવા માટે ના કહ્યું છે. આમ ખાવાથી શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે એટલે જ ગેસની સમસ્યા, એસીડીટીની સમસ્યા શરીરમાં વધે છે. કાચા ખાલી ફળ જ ખાવા જોઈએ, જો શાકભાજી કે કઠોળ કાચા ખાવા હોય તો તેને બાફીને ખાવું જોઈએ.
આયુર્વેદથી હ્રદયરોગ અને ડાયાબીટીસ જેવી મોટી બીમારીઓનો ઉપચાર
ડૉ.દેવાંગી જોગલ જણાવે છે કે જો એલોપેથીની દવા ન શરું કરી હોય તો ડાયાબીટીસનો ઉપચાર આયુર્વેદ થકી ચોક્કસથી કરી જ શકાય. દવા, ચૂર્ણ તેમજ ઉકાળાઓની મદદથી ડાયાબીટીસની સારવાર કરી શકાય છે. ઘણા રોગ એવા હોય છે કે જેમાં આપણે એલોપેથીનો સહારો લેવો જ પડે અને લેવો જોઈએ જેમકે કેન્સર છે કે પછી હ્રદયરોગની બીમારી છે. પરંતુ આયુર્વેદના માધ્યમથી તેની આડઅસરોને અને તે રોગના થવાની સંભાવનાઓને ચોક્કસથી ઘટાડી શકાય છે. આયુર્વેદ અત્યંત અસરકારક વિજ્ઞાન છે.
તો આ રીતે ડૉ.દેવાંગી જોગલ સાથે આ સંવાદમાં રોગોના ઉપચાર માટે તેમજ સારવારમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી બને છે તે સમજાવે છે તેમજ આયુર્વેદ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓને દૂર કરે છે. આ સિવાય તેઓ પંચકર્મ અને ગર્ભસંસ્કાર માટે પણ ખૂબ જ જરૂરી અને રસપ્રદ માહિતી આ સંવાદમાં પૂરી પાડે છે. આયુર્વેદને સમજાવતો આ ખૂબ જ સચોટ સંવાદ છે, જોવાનું ચૂકશો નહીં.