For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

અરવિંદ ત્રિવેદી એટલે માત્ર રામાયણના રાવણ જ નહીં!

અરવિંદ ત્રિવેદી-arvind trivedi

અરવિંદ ત્રિવેદી. આ નામ લેતા જ લંકાપતિ રાવણનું એ અટ્ટહાસ્ય નજર સમક્ષ આવે. ‘લંકેશ’ની આ ઓળખ ધરાવતા આ મહાન ગુજરાતી અભિનેતા પોતાના અભિનયના દમ પર સુપરસ્ટાર તરીકે લોકોના હ્રદયમાં સ્થાયી થયા. લંકાપતિ રાવણ એ એમની ઓળખ બની ગયું. પરંતુ ગુજરાતી નાટક અને ફિલ્મોમાં અરવિંદ ત્રિવેદી અને તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીએ એક સમયે એકહથ્થુ રાજ ભોગવ્યું હતું એમ કહીએ તો અતિશયોક્તિ નહી ગણાય. તમને જાણીને કદાચ આશ્ચર્ય થાય કે અરવિંદ ત્રિવેદીનો જન્મ ગુજરાતમાં નહોતો થયો.

ભોળાનાથના ભક્ત એવા અરવિંદ ત્રિવેદીનો જન્મ મહાદેવ નગરી ઉજ્જૈનની પાસે આવેલા ઇન્દોર ખાતે જેઠાભાઈ ત્રિવેદીને ત્યાં થયો હતો.  તેમના પિતા ખાનગી મિલમાંથી ઉચ્ચ હોદ્દા પદેથી નિવૃત્ત થયા. પિતાજી લકવાગ્રસ્ત થતા તેમનું વહેલું અવસાન થયું. તેમના અરવિંદ ત્રિવેદીના મોટાભાઈ ભાલચંદ્રભાઈ મુંબઈ રહેતા હતા. તેમણે અરવિંદ અને ઉપેન્દ્ર બંને નાનાભાઈઓને મુંબઈ બોલાવી લીધા. મુંબઈની ખ્યાતનામ ભવન્સ કૉલેજમાં ભણતા ભણતા જ તેમણે નાટકમાં અભિનયની શરૂઆત કરી. શરૂઆત કોલેજની નાટ્યસ્પર્ધામાં અભિનયથી કરી. અભિનયના ક્ષેત્રમાં જ આગળ વધવાનું વિચારતા અરવિંદ ત્રિવેદી ક.મા. મુનશીની ભારતીય વિદ્યાભવનમાં માસિક સો રૂપિયાના વેતને મેનેજર તરીકે જોડાયા. અને સત્તર વર્ષ જેવા લાંબા સમય સુધી તેઓ ત્યાં જોડાયેલા રહ્યા.

આ સમય દરમિયાન રંગભૂમિ સાથે ગાઢ રીતે સંકળાવાનું મળ્યું. ચાંપશીભાઈ નાગડા, વિષ્ણુકુમાર વ્યાસ, લાલુ શાહ, ચંદ્રિકા શાહ, પ્રતાપ ઓઝા, લીલા જરીવાળા અને વિજય દત્તના સાથે એ સમયના અવેતન નાટકોમાં પોતાની પ્રતિભા સાબિત કરવાની તેમની ઉત્તમ તક મળી. આ સમયમાં તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી નાટ્યજગતનું જાણીતું નામ બની ચુક્યા હતા.

અરવિંદ ત્રિવેદીએ એ ગાળામાં અનેક નાટકોમાં કામ કર્યું.  મનુભાઈ પંચોળીની મહાન નવલકથા ‘ઝેર તો પીધા જાણી જાણી’ના નાટ્ય રૂપાંતરમાં તેમની ભૂમિકાના ખુબ વખાણ થયા. રવીન્દ્રનાથ ટાગોરની બે વાર્તા ‘નૌકાડૂબી’ અને ‘પરિવાર’માં ગુજરાતી નાટ્યરૂપાંતરમાં અરવિંદ ત્રિવેદીના અભિનયે તેમને નાટકમાં નામ અપાવ્યું.

ગુજરાતી ફિલ્મના શરૂઆતના તબક્કામાં સાહિત્ય કૃતિ પરથી ફિલ્મ બનાવવાનું ખુબ ચલણ હતું. દિગ્ગજ ફિલ્મસર્જક મનહર રસકપૂરે પ્રચલિત લોકકથા આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં અરવિંદ ત્રિવેદીને માત્ર એક વાક્યનો સંવાદ આપેલો. અને વર્ષો પછી જયારે એ ફિલ્મની રીમેક બની ત્યારે અરવિંદ ત્રિવેદી જોગીદાસ ખુમાણની મુખ્ય ભૂમિકા ભજવીને ખુબ લોકપ્રિય થયા. ગુજરાતી સીનેજગતની પ્રથમ રંગીન ફિલ્મ વલ્લભ ચોકસીએ ચુનીલાલ મડિયાની લોકપ્રિય નવલકથા ‘લીલુડી ધરતી’ પરથી એ જ નામે બનાવી. આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીએ ખલનાયકની ભૂમિકા ભજવી. આમ, ગુજરાતી ફિલ્મમાં તેમનું નામ અને કામ લોકો સુધી પહોંચતા થયા.

એ સમયગાળામાં ગુજરાતી ફિલ્મો ખુબ બનતી હતી. અને એ સમયમાં અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી સિનેમામાં રાજ કર્યું. મોટાભાગની ફિલ્મોમાં તેમના કોઈને કોઈ રોલ રહેતા. ‘રાજા ભરથરી’ ફિલ્મમાં અશ્વપાલ અને ગોરખનાથનો ડબલ રોલ કરવા બદલ શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. એ જ રીતે ‘કુંવરબાઈનું મામેરુ’માં નરસિંહ મહેતા, ‘ગોરા કુંભાર’ ‘સંત દેવીદાસ’, અને ‘સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ’ ફિલ્મમાં જાંબાઝ પોલીસ અધિકારી છેલભાઈ દવેની ભૂમિકા જેવી તેમની ફિલ્મો ખુબ સફળ થઇ. ‘સંતુ રંગીલી’માં સંતુના દારૂડિયા મામાની ભૂમિકા એટલી અદ્ભુત રીતે ભજવી કે આ ફિલ્મની હિન્દી રીમેક બની એમાં પણ સંતુના દારૂડિયા મામાનો રોલ અરવિંદ ત્રિવેદીને જ મળ્યો.

અરવિંદ ત્રિવેદીને રાવણનું પાત્ર ભજવવા મળ્યું એની કથા રસપ્રદ છે. બન્યું હતું એવું કે તેમણે જાણ્યું કે મુંબઈમાં ‘રામાયણ’ સીરીયલના પાત્રો માટે ઓડીશન ચાલી રહ્યા છે. તેમણે કેવટના માટે ઓડીશન આપ્યું. રાવણના માટે અમરીશ પૂરી ઓડીશન આપવા આવ્યા હતા. આ વાતનો ખુલાસો કરતા રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલે કહ્યું હતું કે, ‘રામાનંદ સાગરે તેમનું ઓડિશન લીધુ અને જ્યારે તેમણે અરવિંદને જોયો ત્યારે તેમને લાગ્યું કે રામાયણ માટે રાવણ મળી ગયો છે. રામાનંદ સાગર તેમની બોડી લેંગ્વેજ જોઈને સમજી ગયા કે અરવિંદ રાવણનાં રોલ માટે પરફેક્ટ છે. રામાનંદ સાગરે રાવણની ભૂમિકા માટે લગભગ 300 કલાકારોનું ઓડિશન લીધુ હતું.’

રાવણના પાત્રએ તેમને અકલ્પનીય લોકચાહના અપાવી હતી. લોકો તેમને લંકેશના નામથી જ ઓળખતા હતા. તેઓ પણ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’ એ રીતે જ પોતાનું નામ લખતા હતા. રાવણના પાત્ર માટે તૈયાર થવામાં તેમને 5 કલાકનો સમય લાગતો હતો અને તેઓ જે કપડાં પહેરતા હતા તે ખૂબ જ વજનદાર હતા. તેમના મુકુટનો વજન ખૂબ જ હતો અને સાથો સાથ આભૂષણો પણ ખૂબ જ વજનદાર હતા. જ્યારે તેઓ રાવણના પાત્રનું શૂટિંગ કરતા હતા તે પહેલા તેઓ લાંબી પૂજા કરતા હતા અને ઉપવાસ રાખીને શૂટિંગ કરતા હતા. શૂટિંગ પૂર્ણ થયા બાદ જ તેઓ ભોજન લેતા હતા.’

અરવિંદ ત્રિવેદી રાવણનું પાત્ર ભજવતા હતા પરંતુ તેઓ શ્રીરામના પરમ ભક્ત હતા. તેથી રાવણનું પાત્ર ભજવવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેઓ સેટ પર જતા પહેલા રામજીની પૂજા કરતા હતા અને તેમની માફી માંગતા હતા. કારણ કે રાવણનું પાત્ર નિભાવતી વખતે તેમના મોઢામાંથી ઘણા અપશબ્દો નીકળતા હતા. પૂજા કરીને તેઓ રામજી પાસે માફી માંગતા હતા અને કહેતા હતા કે હું તમને કંઈક અશબ્દ બોલવા જઈ રહ્યો છું પરંતુ તે ફક્ત પાત્ર માટે જ છે.’

એક અદના અભિનેતાનું રાવણનું પાત્ર તેમના અભિનય જીવનના લાંબા સમય બાદ મળ્યું હતું. ‘લંકેશ’ની ઓળખ પહેલા તેમની ઓળખ ગુજરાતી –હિન્દી ફિલ્મો અને સીરીયલોના ઉત્તમ અભિનેતા તરીકે થતી જ હતી. જાણકારો તો તેમને વિલિયમ શેક્સપીયરના નાટકોના અભિનેતા પ્રકારના આલા દરજ્જાના અભિનેતા ગણતા હતા.

તેઓ ઉત્તમ અભિનેતા ઉપરાંત રાજનેતા પણ બનેલા. સાબરકાંઠા સીટ પરથી તેઓ એક ટર્મ માટે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ રાજકારણ તેમનું માફક ન આવતા એ ક્ષેત્રમાં આગળ ન વધ્યા. કોવિડકાળમાં જયારે રામાયણનું પ્રસારણ ફરીવાર કરવામાં આવ્યું ત્યારે ટીવીમાં સીતાહરણનો સીન જોઇને રડી પડેલા અરવિંદ ત્રિવેદીનો ફોટો જોઇને લોકો ભાવુક થઇ ગયેલા. એના થોડા જ સમયમાં ‘લંકેશ’ 6 ઓકટોબર 2021ના રોજ સામાન્ય માંદગી બાદ અવસાન પામ્યા.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz