અમૃત ઘાયલ કહે છે કે,
‘મારી શરતે મુશાયરા અને નસિયતમાં શાનથી ગયો છું અને જ્યાં મેં કદમ રાખ્યાં છે ત્યાં મુશાયરા અથવા મહેફિલોને એકલપંડે કામયાબી અપાવી છે. મને ગઝલે જિવાડ્યો છે – મેં મુશાયરાને જિવાડ્યા છે. કસરતથી જીવનરસ પીધો છે. ગઝલની તલાશમાં તવાયફના કોઠામાં ઘૂમ્યો છું. કવ્વાલીમાં બેઠો છું. એની સાથે ગાયું છે. તેને ફૈયાઝીથી નવાજ્યા છે. સવારોસવાર જાગ્યો છું. સાજિંદાઓ અને તવાયફોને દિલથી અને દૌલતથી નવાજ્યાં છે. ટૂંકમાં, હું ભરપેટ જીવ્યો છું.’
ગુજરાતી ગઝલના શિખર સમાન આ શાયરને એકવાર નીતિન વડગામાએ પૂછેલું કે, ગઝલ એટલે શું?
ઘાયલ સાહેબે આ મુક્તકથી જવાબ આપ્યો.
‘અણગમાને અતિક્રમી તે ગઝલ
ને પ્રણયમાં પરિણમી તે ગઝલ
લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ‘
ગઝલને માશુકાની જેમ પ્રેમ કરનાર અમૃત ઘાયલની ગઝલયાત્રાની શરૂઆત કેવી રીતે થઇ એ જાણવું જ જોઈએ તેવી ઘટના છે. એ ઘટનાનો ઉલ્લેખ ઘાયલ સાહેબે રમણલાલ જોશીને એક પત્રમાં કર્યો હતો.
1938-39માં કવિ કલાપીની જયંતીની ઉજવણી લાઠીમાં કરવાની હતી અને યુવાન અમૃતલાલ ભટ્ટ એટલે કે આપણા ઘાયલ સાહેબ તે ઉજવણીમાં ભાગ લેવા લાઠી ગયા હતા.
ઘાયલ સાહેબે લખ્યું છે કે, ‘એક દિવસ કલાપીની સમાધિને નમન કરતા મારો જીવ ચૂંથાવા લાગ્યો અને હું અશ્રુનો ઢગલો થઈ ઢળી પડ્યો. કાકાસાહેબે મને દિલાસો આપતાં પૂછ્યું, ‘કેમ બેટા! શું વાત છે?’ ‘શું થાય છે એની મને ખબર પડતી નથી. મારો જીવ ઊંડો ઊતરતો જાય છે અને પાજોદથી દરબાર સાહેબનો આગ્રહ છે કે મારે આ પુણ્યભૂમિમાંથી કંઈ પ્રસાદી લઈ જવી. તેના વિચારમાં હું ગળાડૂબ છું. આજે આ પુણ્ય આત્માની સમાધિ પાસે જે આ અસુખ થઈ રહ્યું છે તે દરબાર સાહેબના પત્રના પ્રત્યાઘાતરૂપે હોય.’
કહેવાય છે કે કલાપીની દિવ્ય ચેતનાને નમન કરવા ગયેલા અમૃત ઘાયલે ત્યાંથી ગઝલ લખવાનું વ્રત લીધું હતું, જે તેમણે આજીવન પાળ્યું.
અને કલાપીએ જાણે તેમના પર આશીર્વાદ વરસાવ્યા હોય એમ અમૃત ઘાયલની ગઝલયાત્રા એ ગુજરાતી સાહિત્યની મહાન ઘટના બની ગઈ. તેઓ જીવનના અંત સુધી મુશાયરા ગજવતા રહ્યા. તેમની હાજરી માત્રથી મુશાયર જીવંત બની જતા.
તેઓ હંમેશા કહેતા કે, પાજોદ દરબાર રુસ્વા મઝલુમીએ પોતાને ગઝલ લખવા માટે સતત પ્રોત્સાહિત કર્યા, તેમણે લખ્યું છે કે, ‘મારી ગઝલ પાજોદમાં ઉછરી, રાજકોટ, ભુજ વગેરે સ્થાને હલેતી યુવતી બની અને ગુજરાતને નચાવતી થઈ.’
અને તેમની ગઝલની ચાહના કેવી! ‘એક વાર એક મુશાયરામાં તેમના એક ચાહકે ખુશ થઈને પોતાની આંગળીમાંથી હીરાની બહુમૂલ્ય વીંટી કાઢીને ઘાયલ સાહેબને પહેરાવી દીધી. તેમની ગઝલને મળતો પ્રેમ જોઇને તેઓ ગદગદ થઇ ગયેલા.
અમૃત ઘાયલ મૂળ તો મુશાયરાનાં માણસ. તેઓ ગઝલપાઠ કરતા તે અદાના જ લોકો દીવાના હતા. તેમને સાંભળવા લોકો દુર દુરથી આવતા હતા. તેમની ખુમારી તેમની રચના અને રજૂઆત બંનેમાં દેખા દે છે.
તેમની ખુમારીના કિસ્સા તો દેશભરમાં પ્રખ્યાત છે. તેઓ કોઈની પણ સાડાબારી રાખ્યા વગર સાચે સાચું સંભળાવી દેવામાં માનતા હતા, પછી ભલે સામે ગમે તેવી વ્યક્તિ હોય. તેમનો એક કિસ્સો કંઈક આવો છે.
સૌરાષ્ટ્ર જયારે અલગ રાજ્ય હતું ત્યારે તે સમયના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરે એક અમૃત ઘાયલને કાવ્યપઠન માટે તેડું મોકલ્યું. ઘાયલ સાહેબને આમંત્રણ આપવા આવેલ અધિકારીએ કહ્યું કે ‘તમને મુખ્યમંત્રી અને ધારાસભ્યો સમક્ષ કાવ્યપઠન માટે બોલાવવા આવ્યો છું. તમારે ઢેબરભાઈને બંગલે હાજર થવાનું છે.’ અને આ સાંભળીને ઘાયલ સાહેબે તુરંત જ ના પાડી દીધી. અને કહ્યું કે ‘મુખ્યમંત્રી અને ધારાસભ્યોએ કાવ્યપઠન પહેલા કવિને આમંત્રણ પાઠવી તેમની સંમતિ લેવી જોઈએ. મારી સંમતિ લેવામાં આવી નથી.’ એ અધિકારીએ ધમકી ઉચ્ચારતા કહ્યું કે ‘અરે શાયરસાહેબ, તમે સરકારી નોકર છો, અને મુખ્યમંત્રીને ના કહો છો? હું મુખ્યમંત્રીનું આમંત્રણ લઈને આવ્યો છું.’
આ વાત સાંભળતાં જ ઘાયલ સાહેબ ગરમ થઇ ગયા અને કહ્યું કે ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ સરકારી નોકર છે, ‘ઘાયલ’ નથી. હરગિજ નથી. અધિકારીની ધમકી અને મુખ્યમંત્રીનું આમંત્રણ છતાં ઘાયલ સાહેબ કાવ્યપઠન માટે ન જ ગયા. મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરને પણ આ વાતની જાણ થઇ. તેઓ પણ નેતા કરતા રાજપુરુષ વધારે હતા. તેથી ઘાયલ સાહેબના કાવ્યપઠનના ઇનકાર છતાં તેઓ ઘાયલ સાહેબના પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ના વિમોચન પ્રસંગે હાજર રહ્યા અને તેમના હસ્તે વિમોચન થયું. આ કાર્યક્રમ માટે તેઓ ખાસ જામનગરથી રાજકોટ આવ્યા હતા. પેલી ઘટનાનો ગૌરવથી ઉલ્લેખ પણ કર્યો.
કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.
આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
શૂન્ય કરતા તો હું સવાયો છું! એમ કહેનારની નસેનસમાં ખુમારી વહેતી હતી. એકવાર રાજકોટ ખાતે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાના આયોજકોએ પંડિત નેહરુની સભામાં કવિ સંમેલનનું પણ આયોજન કર્યું હતું. ઘાયલ સાહેબે કાવ્યપઠન સમયે પંડિત નેહરુને કહ્યું, ‘હજૂર! હમ તો અપની માદરી જબાન ગુજરાતી મેં કલામ (કવિતા) કહેતે હૈ, શાયદ હજૂર સમજ ન પાયે તો ખતા માફ કીજિયેગા.’
પંડિત નહેરુએ બહુ ઉલ્લાસપૂર્વક કહ્યું કે, ‘અરે હમ તો બાપુ કે સાથ બરસોં રહે હૈં. ઉનકી જબાન સિર્ફ સમજતા નહીં હૂં, બોલ ભી સકતા હૂં. આપ શૌખ સે આપકી જબાન મેં કવિતા સુનાઈયે.’
અને ઘાયલ સાહેબે પોતાના અનોખા અવાજમાં જે કવિતા સંભળાવી તે સાંભળીને તો આયોજકોના હોશ ઉડી ગયા. આ સાંભળીને પંડિત નેહરુ શું કહેશે એ વિચારીને તેઓની બેચેની વધતી જતી હતી.
શેખાદમ આબુવાલાએ એ ઘટનાને ટાંકીને ‘જનસત્તા’ની તેમની કોલમ ‘આદમથી શેખાદમ સુધી’માં લખ્યું હતું.
શેખાદમેં પૂછ્યું કે ‘પછી નહેરુજી શું બોલ્યા’.
ઘાયલે કહ્યું, ‘મને પૂછ્યુંઃ ક્યો ઐસા કહેતે હો?’
મેં જવાબમાં કહ્યુંઃ ‘કવિ જનતા કા મુખ હૈ, ઉસે જનતા કે દુખ કા બયાન કરના ચાહિયે.’
નહેરુજીએ કહ્યુંઃ ‘ઝૂરૂર, શાયર કા યે ફર્ઝ હૈ. લેકિન મુલ્કને કયા તરક્કી નહીં કી?’
અને ઘાયલથી બોલાઈ ગયુંઃ ‘આઝાદીને હવે વીસ વરસ પૂરાં થવા આવશે. મારી શેરીની ગટર હજી બની નથી.’
આ હતી એક શાયરની ખુમારી જે પ્રધાનમંત્રીને પણ કહી શકે અને તેમણે પ્રધાનમંત્રીને તેમની સભામાં આ રચના સંભળાવીને કહ્યું હતું કે,
થોડો ઝાઝો હિસાબ તો આપો, ખોટોસાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો!
આ ખુમારીએ તેમને ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગઝલકારોમાં સ્થાન અપાવ્યું. ગુજરાતી ભાષાની સરળતા અને સાદગીને તેમણે તેમની કવિતામાં ઉચ્ચતા બક્ષી. તેમની ઉચ્ચ કક્ષાની કવિતામાં પણ સરળતા રહેલી છે. ગુજરાતી ભાષાના આ આલા દરજ્જાની શાયરની કેટલીક શ્રેષ્ઠ રચનાઓ જલસો પર ઉપલબ્ધ છે. ખૂબ જાણીતા ગાયિકા માયા દીપકે તેમના અવાજમાં એક ગઝલ આલ્બમ રજૂ કર્યું છે. “ઘાયલની મસ્તી” નામના આ આલ્બમમાં ખરેખર ‘ઘાયલ’ની મસ્તી અનુભવાય છે.
‘ઘાયલની મસ્તી’ આલ્બમમાં માયા દીપકે ગાયેલી ગઝલો સાંભળવા માટે આ ઈમેજ પર ક્લિક કરો. અને ગુજરાતી સાહિત્ય અને સંગીતની મસ્તી અનુભવવા માટે ડાઉનલોડ કરો જલસો.