અમદાવાદ શહેર. આ શહેરનું નામ લેતા સૌથી પહેલા કવિ જવાહર બક્ષીનો શેર યાદ આવે.
સાચા જ પાડવા હોય તો એક જ ઉપાય છે
આંખો ઉઘાડી રાખ કે સપનાનું શહેર છે.
તમારું શું માનવું? સપનાનું શહેર છે કે નહીં? આ શહેરને સપનાનું શહેર બનાવવામાં અનેક લોકોનો ફાળો છે. અમદાવાદ શહેરને વિશ્વના નકશામાં મુકવામાં અનેક લોકોનો ફાળો છે. પરંતુ અમદાવાદના રચનાકારો કહી શકાય એવા અમુક વ્યક્તિઓ વગર આ શહેર આજના જેવું ન હોત. અમદાવાદનો પર્યાય બની ગયેલા બે લોકોના ઉલ્લેખ વગર અમદાવાદ વિશેની વાત અધુરી રહે. એ બે વ્યક્તિ એટલે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ.
આજે જયારે દુનિયાની કોઈપણ મોટી હસ્તી અમદાવાદ આવે ત્યારે એ ગાંધી આશ્રમની અચૂક મુલાકાત લે છે. એ વ્યક્તિ અમેરિકન રાષ્ટ્રપતિ હોય કે UNOના વડા. ગાંધી એ એવું નામ છે જેની પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નથી. જયારે ગાંધીબાપુએ દાંડી કૂચનો આરંભ અમદાવાદથી કર્યો ત્યારે આખી દુનિયાની આ શહેર તરફ હતી. અમદાવાદ ભારતીય રાષ્ટ્રીય ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યું એ મહાત્મા ગાંધીના પ્રતાપે. તેમના જ પ્રયત્નના પાક રૂપે આજે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ અને સાબરમતી આશ્રમ જેવા રાષ્ટ્રીય મહત્વના સ્થળો આવેલ છે. મજુર મહાજન સંઘ હોય કે પછી તેમની પ્રેરણાથી સ્થપાયેલી અન્ય સંસ્થાઓ. ગાંધીજી અને તેમના અનુયાયીઓનો અમદાવાદના વિકાસમાં બહુ મોટો ફાળો છે.
મહાત્મા ગાંધીના અનુયાયીની વાત આવે કે પોતાને ગાંધીના શિષ્ય ગણાવનાર સરદાર પટેલ સૌ પ્રથમ યાદ આવે. બરોબર 100 વર્ષ પહેલા એટલે કે 1924માં અમદાવાદ મ્યુનિસિપાલટીના ચેરમેન બનનાર સરદાર પટેલ આધુનિક અમદાવાદના નિર્માતા છે. પોતાના કાર્યકાળ દરમિયાન એક ઉમદા નગર સેવક તરીકે તેમણે અમદાવાદની સુરત બદલી નાખી હતી. ગટર, પાણી અને સેનેટરીની સુવિધા તેમને બહુ જલ્દી સામાન્ય લોકો માટે સુલભ કરી આપી હતી. તેમના જ સમયમાં અમદાવાદમાં VS હોસ્પિટલ જેવી હોસ્પિટલ સામાન્ય લોકોને ઉપલબ્ધ થઇ. અમદાવાદને સામાન્ય લોકો માટે રહેવા લાયક અને આ શહેરને પ્રેમ કરવા લાયક બનાવનાર સરદાર પટેલ હતા એવું કહીએ તો જરાય ખોટું નથી.
અમદાવાદનો વિકાસ એ શબ્દ બોલીએ એટલે આપણને અમુક સંસ્થાઓ નજર સામે આવે! IIM, કેલિકો મિલ, ઈસરો, NID, અટીરા, PRL અને મજુર મહાજન જેવી અનેક સંસ્થાઓ નજર સામે આવે. આ સૌમાં સામ્યતા શું છે એ ખબર છે? આ બધી જ સંસ્થાઓના સ્થાપક માત્ર એક પરિવાર છે! હા, એક જ પરિવાર, સારાભાઇ પરિવાર. એ પરિવાર એટલે અંબાલાલ સારાભાઇ પરિવાર. આ પરિવારે અમદાવાદના વિકાસમાં જેટલું યોગદાન આપ્યું છે એટલું ભાગ્યે જ કોઈએ આપ્યું હશે. ન માત્ર અમદાવાદ પરંતુ ભારતના વિકાસમાં આ પરિવારે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યું છે.
અંબાલાલ સારાભાઇ, તેમના પુત્ર વિક્રમ સારાભાઈ, અનુસુયાબેન સારાભાઇ, મૃદુલાસારાભાઇ, મૃણાલિની સારાભાઇ, મલ્લિકા સારાભાઇ, કાર્તિકેય સારાભાઇ, કેટકેટલા નામો ગણાવવા! આમાંથી માત્ર વિક્રમ સારાભાઇનું નામ લઈએ તો પણ ભારત તેમનું કેટલું ઋણી છે! જે વ્યક્તિ ભારત દેશ માટે આટલું કરતા હોય એ વ્યક્તિ પોતાના જ શહેર માટે શું શું ન કરે! એક ગણતરી મુજબ સારાભાઇ પરિવારે અમદાવાદમાં 18 સંસ્થાઓ સ્થાપી છે અને માત્ર વિક્રમ સારાભાઈએ જ ભારતભરમાં 36 સંસ્થાઓ સ્થાપી છે.!
અમદાવાદના વિકાસમાં સારાભાઇ પરિવારની સાથોસાથ ચાલનાર બીજા એક મહાન ઉદ્યોગપતિ એટલે કસ્તુરભાઈ લાલભાઈ. અમદાવાદ આજે ગુજરાતનું શૈક્ષિણ હબ ગણાય છે એના પાયાના પથ્થર કસ્તુભાઈ હતા. તેમના સમયમાં તેમણે ઉદ્યોગની સાથોસાથ શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્રસેવામાં સતત આગળ પડતો ભાગ ભજવ્યો હતો. કસ્તુરભાઈએ ઉદ્યોગજગતમાં તો નોંધપાત્ર ફાળો આપ્યો જ છે, પરંતુ તેઓ વિશેષપણે યાદ આવે શૈક્ષણિક સંસ્થાઓના દાતા તરીકે. ગુજરાત યુનિવર્સીટીની જમીન હોય કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હોય. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ આજે અમદાવાદમાં 27 શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે.
આ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિવર્સીટીની સ્થાપનામાં જેમનું સૌથી મોટું પ્રદાન છે એ વ્યક્તિ એટલે ભારતીય સંસદના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર. ભારતીય સંસદના પિતા ગણાતા આ વ્યક્તિ અમદાવાદની શાન હતા. એમના સમયમાં અમદાવાદની થતી કોઈપણ પ્રવૃત્તિમાં તેઓ સક્રિય રીતે ભાગ ભજવતા.