ઝવેરીલાલ મહેતા, આ નામ સાથે તુરંત જ એક ચહેરો નજર સામે આવે. પોણા છ ફૂટ ઉંચું શરીર, લશ્કરના અધિકારી જેવો કરડાકી ભર્યો પણ પ્રેમાળ ચહેરો, પાતળી તલવાર કટ કાળી મૂછો, લાંબા વાળ, વાત કરતી વખતે ખિલખિલાટ હસતાં અને બાળક જેવી તેમની નિખાલસતા, પગમાં ચેઈનવાળા ચામડાંનાં હંટર બુટ, ઉપર નેરોકટ પેન્ટ, ઉપર એક પણ કરચલી વિનાનો ઈસ્ત્રીવાળો ટાઈટ શર્ટ અને આ આખા ઝવેરીલાલની ઓળખ પૂરી કરતી એમની હેટ. બહુ ઓછા લોકોએ હેટ વગરના ઝવેરીલાલને જોયા હશે. તેઓ કહેતા કે, ‘આ હેટ તો મારું આઈડેન્ટિટી કાર્ડ છે.’
આ ઝવેરીલાલ મહેતા, જેઓ 27 નવેમ્બર, 2023ના રોજ 96 વર્ષની વયે અવસાન પામ્યા. તેઓ પોતાની હેટને પોતાનું આઈડેન્ટિટી કાર્ડ કહેતા પણ તેમનું ખરું આઈડેન્ટિટી કાર્ડ તો તેમનો કેમેરો હતો. કેમેરાથી તેમણે જે દુનિયા જોઈ અને પોતે જોયેલા એ દ્રશ્યો જે રીતે તેમણે લોકો સમક્ષ પ્રસ્તુત કર્યા એ જ એમની સૌથી મોટી ઓળખ હતી. ઘણા લોકોને તેમનો પરિચય ‘ગુજરાત સમાચાર’ના પહેલા પેજના તેમના ફોટો પરથી થયો હશે. ‘ગુજરાત સમાચાર’ના પાને એમનો ફોટો અને એની નીચેની ફોટોલાઈનો એ ઝવેરીલાલનો પરિચય આપવા માટે કાફી હતી. ક્યારેક એમની ફોટોલાઈનો ફોટા કરતાયે લાંબી હોય. ફોટો એવો કે એ જોઇને થાય, કે આને ફોટોલાઈનની શી જરૂર! એનું એક જ ઉદાહરણ કાફી છે.
‘1993ના મુંબઈના તોફાનોમાં બિસ્કીટ ગલીના નાકે લારીમાં નાંખીને લોહીથી લથપથ ડેડબોડી લઈ જતો ફોટો તેમણે પાડ્યો હતો. ફોટોના કેપ્શનમાં માત્ર બે શબ્દો લખ્યાં હતા “શું લખવું”. જેની એવી ચોટદાર અસર થઈ કે સરકાર જ નહીં તોફાનીઓ પણ હચમચી ગયા હતા.’ પત્રકારત્વ ક્ષેત્રે ફોટા નીચે વિગતવાર ફોટોલાઈનોની શરૂઆત કરનારા અને એને પ્રચલિત કરનારા ઝવેરીલાલ મહેતા હતા.
તેઓ હતા મૂળ ફોટોગ્રાફર પણ પોતાને પત્રકાર ગણવતા. અને એમ પણ આ તેમનો મૂળ વ્યવસાય નહોતો. તેમને તો નાનપણથી જ ચિત્રકાર બનવું હતું. ચિત્રકાર બનવા મુંબઈ જઈ ‘જે.જે.સ્કૂલ ઓફ ફાઈન આર્ટસ’માં જોડાયા. આ અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં ખુબ વંચાતું ગુજરાતી સામાયિક ‘ચેતમછંદર’માં તેઓ નોકરીમાં જોડાયા. આ સમય હતો 1946થી 1950 દરમિયાનનો.
ઝવેરીલાલ જયારે અરવિંદ મિલમાં ટેક્સટાઈલ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે ગુજરાત સમાચારના શાંતિલાલ શાહે તેમને ગુજરાત સમાચારમાં જોડવા માટે ઈજન આપ્યું. હતું એવું કે શાંતિલાલ શાહને એવા ફોટોગ્રાફરની જરૂર હતી જે તેમનું દિલ્હીનું કામ સંભાળી શકે. આ ઓફર ઝવેરીલાલ મહેતા માટે સુવર્ણતક સમાન હતી. કેમ કે તેમની અંદરનો કલાકાર વ્યક્ત થવા જ માંગતો હતો જે હવે થઇ શકે એમ હતો. અમદાવાદથી દિલ્હી જતી ટ્રેઈનમાં પોતાનું સ્કૂટર, પ્રાઈમસ, લોટનો ડબ્બો ને જરૂરી સામાન લઈને એકલા જ નીકળી ગયા. પાંચ વર્ષ દિલ્હી રહ્યા. એ દરમિયાન કેમેરાની સાથે કલમે પણ દોસ્તી બાંધી લીધી. સંખ્યાબંધ મહાનુભાવોને મળવા મળ્યું. પરંતુ આ સમયે તેમનું પેલું પ્રિય સ્કુટર તો તેમની સાથે જ હતું. તેમનો સ્કુટર પ્રેમ જીવનના અંત સુધી સાથે રહ્યો હતો.
જીવનના છેલ્લા તબક્કામાં પણ તેમની કુતુહલ વૃતિ એવી ને એવી જ હતી. તેઓ કહેતા કે ‘જે દિવસે ફોટો જર્નાલિસ્ટના મનમાંથી કુતુહલ વૃતિ અને તેના જવાબને વર્ણવાની ભાષા ખતમ થઇ એ દિવસથી એ ફોટો જર્નાલિસ્ટ તરીકે પતી ગયો એમ સમજવું.’ 80 વર્ષની ઉંમર સુધી તેઓ 200 નંબરના તેમના સ્કુટર લઈને અમદાવાદમાં ફરતા. ગુજરાત સમાચાર તરફથી તેમને આગ્રહ કરવામાં આવતો કે ગાડી લઈને ફરો, છતાં તેઓ પોતાનું સ્કુટર લઈને જ ફરતા. તેમનો સ્કુટર પ્રેમ શરૂઆતથી જ જાણીતો બન્યો. તેમના દિલ્હી નિવાસ દરમિયાન પણ આ સ્કુટર તેમની સાથે જ હતું.
તેમની ફોટોગ્રાફી વિશેષ એટલા માટે બની કારણ કે તેઓ હંમેશાં ઘટના સ્થળે લાંબો સમય રોકાય, સ્પષ્ટ નિરીક્ષણ કરે, વાતાવરણને અનુભવીને તરત એને કેમેરે કંડારે. પછી એ જ અનુભૂતિને શબ્દરૂપે લખે.
તેમના દિલ્હી નિવાસ દરમિયાનનો એક કિસ્સો તેમના આજીવન સંભારણાનું કારણ બની રહ્યો. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દરવર્ષે બાલભવન ખાતે રક્ષાબંધના દિવસે વિધાર્થીઓને રાખતા બાંધતા. રક્ષાબંધનના એક દિવસે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું. બાળકો વડાપ્રધાનની આવવાની રાહ જોઈ રહ્યા હતા. જયારે બધા ફોટોગ્રાફર વડાપ્રધાનના ફોટા પાડવા માટે રાહ જોઇને બેઠા હતા. ઈન્દિરાજી જેવા એન્ટર થયા તેમની નજર ઝવેરીલાલ મહેતા તરફ ગઈ.
વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને તુરંત જ સવાલ કર્યો ‘ઝવેરીલાલ, આજે રક્ષાબંધનના દિવસે તમારો હાથ ખાલી કેમ છે? ઝવેરીલાલે કહ્યું પરિવાર અમદાવાદ છે. હું અહીં છું તેથી રાખડી નથી બાંધી. આવું કહેતા જ ઈન્દિરાજીએ કહ્યું, ‘આવો તમારા કાંડે રાખડી બાંધી દઉં.’ ઈન્દિરાજીએ પ્રોટોકોલ દુર કરી કેમેરા સામેં જ ઝવેરીલાલ મહેતાનું રાખડી બાંધી દીધી. પછી તો ઈન્દિરા ગાંધીના નિકટના મિત્રોમાંના એક ઝવેરીલાલ હતા પણ થયા. ઈન્દિરાજી જ્યારે પણ અમદાવાદ ઝવેરીલાલ તેમને મળવા એરપોર્ટ પર જ જતા અને તેઓ પણ પ્રોટોકોલ તોડીને ઝવેરીલાલને મળતા.
ઝવેરીલાલ મહેતા ફોટો જર્નાલિસ્ટ તરીકે મહાન એટલા માટે ગણાયા કે તેમના મોટા લોકો સાથે સંબંધો હતા? જરાય નહીં, તેમની તસ્વીરોમાં માનવ જીવનના વિવિધ પાસાંઓનું નિરૂપણ થતું. જે ફોટો જર્નાલિસ્ટ માત્ર મોટા માણસો અને નેતાઓ પુરતું સીમિત રહી ગયું હતું તેને તેઓ સામાન્ય લોકો સુધી લઇ આવ્યા. તેમની તસ્વીરોમાં સૌપ્રથમ સામાન્ય માનવી નિરુપિત થયો. એથી એ લોકચાહના પામ્યા. સામાન્ય લોકોની તસ્વીરને નોખી નજરે નિહાળતા ઝવેરીલાલના કેમરા સામે આવવા માટે પછી નેતાઓ, અભિનેતાઓ અને મોટા મોટા માણસો ગૌરવ અનુભવવા લાગ્યા. તેમણે ગુજરાતના 14 મુખ્યમંત્રીઓનું ડોક્યુમેન્ટેશન કર્યું છે. તેમની કેમેરાકળાની કદર રૂપે તેમને અનેક પુરુસ્કાર ને સન્માનોથી નવાજવામાં આવ્યા. ભારત સરકારે તેમને 2018માં પદ્મશ્રીથી સન્માનિત કરીને તેમની કલાની કદર કરી હતી.