આ મંદિર લગભગ 15મી સદીનો ભૂતકાળ સાચવીને બેઠેલું આ શિવાલય એ સમયની વાર્તા કહેવા માટે જાણે એક નાનકડી ટેકરી ઉપર વ્યાસપીઠ જમાવીને બેઠું છે. કોઈકે તો બાંધ્યું હશે ને આ મંદિર. કોની આસ્થાનું કેન્દ્ર રહ્યું હશે ? મોટેભાગે પ્રાચીન મંદિરોમાં વપરાતા ચૂનાના પથ્થરથી બનેલી તેની દીવાલો અને થાંભલા અને પગથીયા ઉપર કોના કોના હાથની હથેળીઓ અડી હશે ? કોણે કોણે અહી માથું ઝુકાવ્યું હશે ? કોણે કોતરી હશે આ દીવાલોમાં આ ખુબસુરત પ્રતિમાઓ ? શ્રધ્ધાને કેન્દ્રમાં રાખીને અહી કોઈએ પરિક્રમા કરી હશે અને પછી ક્યાં તો મનગમતું માંગ્યું હશે અથવા કદાચ માંગ્યું મળ્યું હશે.
ગુજરાતના ઇતિહાસની ધૂરી ઉપર આ મંદિરનો બનાવનારો પણ આ રસ્તેથી પસાર થયો હશે.મુખ્ય મંદિરની આસપાસ બીજા ચાર મંદિર છે. શિવજીના સમગ્ર પરિવારની આરાધના અહી થતી હશે. ગુજરાતના ઈતિહાસ પર શિવ સંપ્રદાયની ઘેરી અસર રહી છે.એક રીતે ગુજરાતનું એક સમયનું પાટનગર પાટણ અહીંથી બહુ દૂર ન કહેવાય. રાજસ્થાનના અને ગુજરાતના તે વખતના રાજપૂત રાજાઓની યાત્રાના કે યુધ્ધના માર્ગમાં આ મંદિર આવ્યું હશે. કોઈ સૈનિક કે કોઈ સેનાપતિ કે કદાચ કોઈ રાજવી અહી માથું નમાવી ગયો હશે. જીત્યો હશે.