તંત્ર – મંત્ર અને શ્રીયંત્રની રહસ્યમય વાતો અને સચોટ માહિતીઓને જાણો અહીં હર્ષદેવ માધવ સાથે.
દિવાળીનાં મહાપર્વ પર જલસો પોડકાસ્ટની શ્રેણીમાં સાંભળો શ્રી યંત્ર, તંત્ર વિદ્યા અને મંત્રો વિશેની સાચી, અધિકૃત માહિતી આપતો સંવાદ. સંસ્કૃત સાહિત્યમાં દરેક વિષયનું વિસ્તૃત સંશોધન થયેલ છે. આપણા ઋષિ – મુનિઓ, આચાર્યો, તત્વવિદો, શાસ્ત્રકારોએ ભગવાનને પામવાના સંભવ બધા જ માર્ગો પ્રકાશિત કર્યા છે. પરમ તત્વને પામવાનો, મેળવવાનો કે તેમની ઉપાસના કરવાનો એવો એક માર્ગ એટલે તંત્ર વિદ્યા. તંત્ર વિદ્યા, તંત્ર શાસ્ત્રને અતિશય ગહન માનવાવમાં આવ્યું છે. ગુરુકૃપા વગર કેમ કોઈ વિદ્યા પ્રાપ્ત નથી થતી તે તંત્રમાં ગુરુકૃપા જ કામ કરે છે તેનું કારણ જાણો આ સંવાદમાં. સામાન્ય રીતે તંત્રની વાત આવે એટલે આપણે ભય અનુભવીએ છીએ પરંતુ આ પોડકાસ્ટ સાંભળી તે બીક દૂર થશે. શ્રી સૂક્તમ અને શ્રી યંત્ર વિશેનાં રહસ્યો, ચમત્કારો, તેની સાધના, તેના મંત્રોનું, શ્રી યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરવી કેમ જરુરી છે આ બધી જ વાતો જાણો જાણીતા વિદ્વાન વક્તા શ્રી હર્ષદેવ માધવ સાહેબ પાસેથી. મંત્ર, યંત્ર અને તંત્રનો શું સંબંધ છે? તેમાં મંત્રોના પ્રકારો ? મંત્રો બોલવાની રીતો અને વાણીનાં ચાર પ્રકારો વિશેની અજાણી વાત આ પોડકાસ્ટમાં કરવામાં આવી છે. શ્રી હર્ષદેવ માધવ સંસ્કૃત ભાષા સાહિત્યનાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને કવિ છે. તેઓ શ્રી તંત્રવિદ છે. તંત્ર વિદ્યા પર તેમનો વિષદ્ અભ્યાસ છે. તેઓ શ્રી એ તંત્ર વિદ્યાને સમજાવતા અને અન્ય સંસ્કૃત, ગુજરાતી ભાષાનાં ૧૫૦ જેટલા પુસ્તકો લખેલ છે. સાહિત્ય અકાદમી એવોર્ડ સહિત તેઓ અનેક એવોર્ડથી સન્માનિત થયેલ છે. આ પોડકાસ્ટ સાંભળીને આપના પ્રતિભાવો ચોક્કસથી અમને જણાવશો.