આ કોપરાપાક પુરાવો છે કે ગુજરાતી પ્રજા કેટલી હદે બીજામાં ભળી શકે છે અને કોઈ પારકાને પોતાનામાં ભેળવી પણ દે છે. ફૂલગુલાબી ઋતુ, વાતાવરણમાં પ્રસરતી મીઠી મીઠી ઠંડક, શિયાળા તરફની ગતિ અને તહેવારનું આગમન. દિવાળીનાં આવવાનો સમય એ રુતુસંધીનો સમય છે. ચોમાસા પછીનો સમય આમ પણ ખુશમિજાજીનો અને તહેવારનો સમય છે અને ભારતમાં તહેવારનો સમય એટલે મીઠાઈનો સમય. એક સમયે માત્ર ઘરોમાં જ મીઠાઈ બનતી, માનાં હાથની. બજારોમાંથી તૈયાર ખોખા ઘરે આવતા થયા એ પહેલા તો મા જ પોતાના રસોડે મીઠાશનો મનોરથ ઉજવતી. તહેવાર હોય કે સામાન્ય દિવસ થાળીમાં એક એવી મીઠાઈ જે મોટા ભાગે દરેક ગુજરાતી ઘરોના મેનુમાં હોય જ એ વાનગી એટલે કોપરાપાક.
દિવાળીના આગમનનાં એંધાણ જેવી ઘૂઘરાની સુવાસ હોય કે લચકો મોહનથાળ કે પછી કોપરાપાક. માનાં હાથ કરી આપે છે સપરમા દિવસની દીવાલને ઓળીપા. નસીબદાર છે એ ઘરો અને એ રસોડા જ્યાં હજુય માના હાથની મીઠાશ નીતરે છે અને કોપરપાકનાં ચોસલાં એના હાથે તમારાં મોમાં મુકે છે. દક્ષિણી પવનોની સુવાસ અને મરજાદી સત્વ સાચવતો કોપરાપાક એ હકીકતે તો છે મહેમાનથી મેજબાન થયેલાનું કોપરાનું સન્માન.