સુંવાળી વિના દિવાળીનું કોઈ મહત્વ જ નથી. આખુ વરસ કદાચ આ વાનગીને કોઈ યાદ કરતુ નથી પણ દિવાળીના તહેવારમાં તે પૂજામાં તિલકની જેમ તરત યાદ આવે છે. સુંવાળીના પોતાના ચાહકો છે.ખાસ કરીને આગલી પેઢીના અને ઘરની પહેલી હરોળના કેટલાક વડીલો જે સુંવાળીમાં પોતાની બા ના ધોળા અને સીધા સાદા સાડલાની ભાત જુવે છે અને સ્વાસ્થ્યને સાચવતા એ સરળ સ્વાદની રાહ જુવે છે
સ્વાસ્થ્યનું, સીઝનનું અને સ્વાદનું સંતુલન છે. સાવ સીધી સાદી વાનગી, સ્હેજ મીઠા સિવાય સ્વાદમાં કઈ બીજું નહિ.આ સાવ મોળો સ્વાદ એ બીજા સ્વાદને પોતાની જગ્યા આપી શકે, અને પોતે પણ એક અલાયદા અનુભવ તરીકે અડીખમ ઉભો રહી શકે.ઘર પરિવાર સાથે એકમેક થઈને રહેતી, સીધી સાદી રૂપાળી વહુને સાસુ તરફથી મળેલી સ્નેહ અને સમૂહની ભાવના અને શિખામણનું સફેદ ધવલ અને શુદ્ધ સ્વરૂપ છે સુંવાળી, તરેહ તરેહના સ્વાદનો અતિરેક થતો હોય ત્યારે કઈ રીતે મોળપની સાદગી પણ મોહી શકે તેનું વહાલું ઉદાહરણ એટલે સુંવાળી.
વાસ્તવમાં સુંવાળી એ દિવાળીનું સમાનાર્થી છે.