અરવિંદ બારોટ ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રે પ્રસિદ્ધ નામ છે. ગુજરાતી સિનેમામાં સંગીત ક્ષેત્રે શિરોમાન્ય નામ. લોકડાયરાથી ફિલ્મ સંગીતક્ષેત્રે તેમનું પ્રદાન કહેવા જતા પનો ટૂંકો પડે. લગભગ ૮૦૦૦ હજારથી વધુ ગીતો ગુજરાતી ફિલ્મમાં તેમણે આપ્યાં છે. સંગીત નિર્દેશક – સ્વરકાર સાથે તેમણે કેટલાય ગુજરાતી ગીતો લખ્યાં છે. આવા મહાનુભાવી કલાકાર સાથે આ સંવાદમાં તેમનું સંગીત ક્ષેત્રમાં કેવી રીતે પદાર્પણ થયું ત્યારથી અત્યાર સુધીની તેમની સફર વિશેની વાત વિસ્તારથી કરવામાં આવી છે. જલસો સાથે કરેલા સંવાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતીપણા વગર ગુજરાતી ફિલ્મો ચલાવવી મુશ્કેલ, તેઓએ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને યાદ કરતા જણાવ્યું ગુજરાતી સંગીત ટકાવી રાખવામાં ઝવેરચંદ મેઘાણી પછી અવિનાશ વ્યાસનો મોટો ફાળો છે.