આપણા કોઈપણ તહેવાર ગળપણ વગર અધૂરા છે. તહેવારોમાં ખવાતું ગળપણ સંબંધોમાં જરા વધારે મીઠાશ ઉમેરે છે. બુફે ડિનરનો જમાનો નહોતો ત્યારે પંગત પડતી. પડિયા અને પતરાળામાં જમણ પીરસાતું. એમાં મિઠાઈઓનો રાજા કહેવાય એવા લાડવાનું સ્થાન આજ સુધી કોઈ મિઠાઈ લઈ શકી નથી. જગવિખ્યાત આ વાનગી દેશ દેશાવરમાં વખણાય છે અને પોંખાય છે. લાડુ એ જમણવારનો વૈભવ છે. ગુજરાતી જમણ લાડુ વગર અધૂરું છે. અમે પ્રયત્ન કર્યો છે કે આ ગુજરાતી જમણ લાડુનો સ્વાદ તમને આંખો થકી પહોંચાડીએ. અમને આશા છે કે તમને આ આંખોના જમણવારમાં લાડુનો સ્વાદ દિલે વળગશે અને તમારા મનગમતા લોકો સાથે આ લાડુનો સ્વાદ વહેંચશો તો અમને ગમશે.