રિન્કુ રાઠોડ સાથે કવિતાભરી સાંજ
સ્ત્રીત્વ જેમની ગઝલો અને કવિતાઓમાં સુંદર રીતે છલકાય છે એવા ગુજરાતી ભાષાના અવ્વલ દરજ્જામાં આવતા કવયિત્રી એટલે રિન્કુ રાઠોડ ‘શર્વરી’. તેમની ગઝલો, કવિતાઓ, શબ્દો તેમની સચોટતા અને લાગણીઓના અદ્ભુત સમન્વયના કારણે વાચકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં જ તેઓ દિલ્હી સાહિત્ય અકાદમીના “યુવા ગૌરવ પુરસ્કાર”થી સન્માનિત થયા છે. જે આપણા સૌ ગુજરાતી ભાષાના વાચકો માટે ગૌરવપૂર્ણ વાત છે. આ વર્ષે જલસો તેની સાતમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે આ સાત વર્ષની ઉજવણીનાં ભાગરૂપે “કવિતાભરી સાંજ” કાર્યક્રમ શરુ કરવાંમાં આવ્યો છે. જેના ચોથાં મણકામાં તેમણે જલસો ખાતે તેમની કવિતાઓનું પઠન કરવા પધાર્યા. તેમની સુંદર ગઝલો અને કવિતાઓને પ્રેક્ષકોએ ખૂબ જ પ્રેમ આપ્યો અને આ વરસાદના મોસમની સાંજમાં તેમના સુંદર ગઝલોની હેલી વરસી. આ વિડીઓમાં નિહાળો તેમણે પઠન કરેલ અદ્ભુત ગઝલો.