પાટણ એટલે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ અને આ જ સુવર્ણકાળની ઝાંખી કરાવે છે રાણકી વાવ. પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના પત્ની અને જૂનાગઢના ચૂડાસમા વંશના રાજા રા’ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ લગભગ 11મી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવ જો જોવા જઈએ તો ‘જયા’ પ્રકારની છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ઉત્તમ કારીગરી તમને નજરે પડશે. આ જોતા ભૂતકાળનો કોઈ ભવ્ય ટુકડો નજર સમક્ષ ખડો થઇ જાય છે. જોકે આ ટુકડો એકવાર ભૂતકાળની જ ગર્તામાં દટાઈ ચુક્યો હતો. સદીઓ પહેલા સરસ્વતી નદીમાં ભયંકર પૂર આવ્યું હતું જેમાં આ વાવ દટાઈ ગઈ હતી અને 20મી સદી સુધી દટાયેલી રહી હતી.
ભારતીય પુરાતત્વ વિભાગે ઈ.સ. 1968 માં આ વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી હાથ ધર્યા બાદ ઘણાં વર્ષો પછી તે તેના મૂળ સ્વરૂપમાં આવી. યુનેસ્કોની World Heritage Sitesની યાદીમાં સમાવવામાં આવેલી આ 7 માળની વાવને સુંદર કલાકૃતિઓથી શણગારાઇ છે. વાવમાં ફરતા ફરતા તમે જ્યાં પણ પહોંચસો એક ઉત્તમ કલાકૃતિ તમારી રાહ જોતી ઉભી હશે. આ 7 માળની વાવની નીચે એક કૂવો છે. એક જમાનામાં આ કૂવામાં ભરપૂર પાણી રહેતું. અને આમ પણ વાવ એટલે મૂળ તો રાહદારીને પાણી પાઈને તરસ છીપાવવા માટેનું સ્થળ.