કહેવાય છે કે બાબા માણેકનાથે સાબરમતીમાં જળસમાધી લીધી. તેમની સમાધિ હજુ પણ માણેકચોકમાં છે. તેમના નામથી માણેકચોક નામ અપાયું છે. તેમનું સમાધિ અને માણેક બુરજ પર સપરમા દિવસે તેમના વંશજો આવીને આજે પણ પૂજા કરીને ધજા ચડાવે છે. તેમની સમાધિ એ જાણે અમદાવાદની સમૃદ્ધિનું કેન્દ્ર છે. આ સ્થળ એ આ શહેરની લક્ષ્મીનું ઘર છે.
આમ કોટથી શરુ થયેલા અમદાવાદ આજે એટલું ફેલાયું છે કે કોઈ કોટ તેને બાંધી ના શકે પણ આ કોટ અને તેમાં વસેલું શહેર એ અસલ અમદાવાદ છે તે અહી આવો ત્યારે મહેસુસ થયા વગર રહેતું નથી. આ હવામાં હજુ પણ એ તૂટતા કોટની ખુશ્બુ છે અને બાબા માણેકનાથની દુઆઓ છે. નદીની રેતમાં રમતું આ નગરએ એની કુંડળીમાં જે બાદશાહી લખાવીને જન્મ્યું તેનું ફળ આજેય અહી વસનારને મળે છે. દુઆઓ અને દુરંદેશીની સરખી સરખી અસર નીચે મહાલાતું આ આપણું અમદાવાદ.