બે ભાઈ વચ્ચેના ભ્રાતૃભાવની જયારે જયારે વાત ત્યારે ત્યારે આપણા મોઢે રામ અને લક્ષ્મણની જોડી યાદ આવે. એટલે કહેવત હોત પડી કે ‘રામલખનની જોડી’. રામ અને લક્ષ્મણની જેમ ભરત અને રામની જોડી પણ અનોખી છે. ભરતજીએ તો રામને પૂરે પૂરા સેવ્યા. ઋષિ વાલ્મીકિ રામાયણમાં લખે છે કે, ભરતજીને ખબર પડી કે રામને વનવાસ મળ્યો છે તો તેમનાથી આ વાત સહન ન થઇ અને તે મૂર્છિત થઇ ગયા. પિતાના મૃત્યુથી આઘાત પામેલા ભરતજીને વધારે દુઃખ એ વાતનું છે કે રામને વનવાસ મળ્યો. રામ જ રાજા બનશે એથી રામને અયોધ્યા પાછા લાવવા માટે તેઓ ચિત્રકૂટની વાટ પકડે છે. ભરતજી રામને ચિત્રકૂટ મળવા નીકળ્યા ત્યારથી વલ્કલ પહેરી લે છે. ભરતજીનો રામ માટે ભાવ રામચરિતમાનસમાં ભક્તિ ભાવે વ્યક્ત થયો છે.
આ બાજુ રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યાથી કોસલ દેશ સીમાડો વટાવી શ્રુંગવેરપુર આવ્યાં. રામ આવ્યાં છે એવી ખબર પડતા શ્રુંગવેરપુરનો નિષાદરાજ ગુહ રામને મળવા દોડ્યો. પોતાના પરિવાર સહીત ગુહ રામનું સ્વાગત કરવા માટે વિધ વિધ પકવાનો, ફળો લઇ જાય છે. રામ નિષાદરાજગુહને મળી પ્રસન્ન થાય છે. રામ નિષાદરાજની ખબર અંતર પૂછે છે.
વનવાસની આ પહેલી રાત્રિએ સુમંત્ર પણ રોકાયા છે. સુમંત્ર અને લક્ષ્મણ વચ્ચે આખી રાત સંવાદ ચાલે છે. વાલ્મીકિ રામાયણનાં લક્ષ્મણ ખુલ્લાં મને સુમંત્ર સાથે વાતો કરે છે. બીજા દિવસે સવારે રામ નિષાદગુહ રાજ પાસે વડનું દૂધ મંગાવી પોતાની જટા બાંધે છે. અહીંથી રામની આજ્ઞાથી સુમંત અયોધ્યા પાછા ફરે છે અને પોતાની વનયાત્રા પગપાળા આરંભ કરે છે. રામ કેવટ નામના નાવિકની નાવડીમાં બેસી ગંગા પાર કરે છે. કેવટ રામચરિત માનસનું પાત્ર છે. વાલ્મીકિ રામાયણમાં કેવટ પ્રસંગ આવતો નથી. ગંગા પાર કરીને રામ, લક્ષ્મણ અને સીતા ભારદ્વાજના આશ્રમે પહોંચે છે. રામ ભારદ્વાજને ચૌદ વર્ષ વનમાં રહેવા માટે યોગ્ય સ્થાન પૂછે છે. ત્યારે ભારદ્વાજ મુનિ રામને ચિત્રકૂટમાં નિવાસ કરવાનું સૂચવે છે.
આ બાજુ અયોધ્યામાં શોક વ્યાપી ગયો છે. રાણી કૌશલ્યા રામનાં વિયોગમાં તડપતાં રાજા દશરથને સંભાળવાનો પ્રયત્ન કરે છે. રામાયણનો આ અત્યંત કરુણ પ્રસંગ છે. રામનાં વિયોગમાં રાજા દશરથ રહ્યા ન રહ્યા થઇ જાય છે. રાજા દશરથ કૈકયીનો તિરસ્કાર છે. રાજા દશરથને શ્રવણ યાદ આવે છે. તે રાણી કૌશલ્યાને શ્રવણનાં મા બાપે આપેલ શ્રાપની કથા કહે છે. રામનાં વિયોગમાં રાજા દશરથ રામ રામ રામ નામ ઉચ્ચારતા દેહનો ત્યાગ કરે છે. રાણીઓ અંત:પુરમાં કલ્પાંત કરે છે. ઋષિ વસિષ્ઠ તાત્કાલિક ભરત અને શત્રુઘ્નને મોસાળેથી પાછા તેડાવવા દૂતોને મોકલે છે. સાત દિવસની યાત્રા પૂરી કરી ભરત અને શત્રુઘ્ન અયોધ્યા આવે છે. ભરતજીને ફાળ પડે છે કે નક્કી કંઈક અમંગળ થયું છે. રાજા દશરથનું મૃત્યુ અને રામને વનવાસની વાત જાણી ભરતજીનું હૃદય દ્રવી ઉઠે છે. આ એપિસોડમાં રામાયણ કથા સાથે પુરાણ અને લોક રામાયણની વાર્તાઓ સાંભળો લેખક રામ મોરી સાથે તેમની સહજ સરળ શૈલીમાં.
સંપૂર્ણ રામાયણ ધારાવાહિક સાંભળો જલસો પર.