દીકરાનો મારનાર એ ઝવેરચંદ મેઘાણીની સૌથી લોકપ્રિય અને શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામે છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના કેટલાક શ્રેષ્ઠ સર્જકોમાં સુમાર છે. તેમની નવલકથાઓ, વાર્તાઓ, લોકસાહિત્યનું સંશોધન અને કવિતાઓ ગુજરાતી સાહિત્યમાં અમર છે. તેમની કવિતાઓએ અનેક લોકોને દેશભક્તિની પ્રેરણા આપી હતી. તેમના કાવ્યસંગ્રહ ‘સિંધુડો’ પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો. કેવી આગ હશે એ કવિતાઓમાં! દેશભક્તિની આગથી લપેટાયેલા આ કવિ ગાંધીજી માટે ‘છેલ્લો કટોરો ઝેરનો’ જેવું કાવ્ય પણ લખે. અને ભગતસિંહ માટે
“વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ;
તરસ્યોયે નો’તો રક્તનો હો…જી”
જેવી કવિતા પણ રચે.
સામાન્ય રીતે કોઈ પણ સર્જક તેમના કોઈ વિશેષ એક બે સર્જનથી ઓળખાતા હોય છે. પરંતુ ઝવેરચંદ મેઘાણી તેમની કવિતાઓ સાથે તેમની નવલકથા, સૌરાષ્ટ્રની રસધાર જેવી તેમની લોકકથા, ટાગોરના શ્રેષ્ઠ અનુવાદો, તેમના સંશોધન જેવા અનેક કાર્યોથી અમર છે.
ગુજરાતી સાહિત્યનું શિખર કહી શકાય એવા સાહિત્યકારોમાં ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુરેશ જોશી, પન્નાલાલ પટેલ કે પછી કનૈયાલાલ મુનશી જેવા મૂર્ધન્ય સર્જકોને ગણાવી શકાય. આ સૌમાં એક સમાનતા એ હતી કે તેઓ ઉત્તમ સાહિત્યકાર તો હતા પરંતુ તેમની વાર્તાઓ સર્વોત્તમ હતી એવું કહીએ તો અતિશયોક્તિ ન ગણાય.
ઝવેરચંદ મેઘાણીએ અનેક ઉત્તમોત્તમ સાહિત્ય સર્જ્યું તેમાં તેમની લોકસાહિત્યને નિરૂપતી વાર્તાઓ આજે પણ વાચકોમાં ખુબ પ્રિય છે. ‘સૌરાષ્ટ્રની રસધાર’ કૃતિમાંની ‘દીકરાનો મારનાર’ વાર્તા તેમની યાદગાર વાર્તા છે. જલસોએ આ વાર્તાનું ઉત્તમ વાચિકમ કર્યું છે, જેમાં નૈષધ પુરાણી, અંકિત પટેલ, હાર્દિક શાસ્ત્રી, પ્રભુદાસ પટેલ, દિવ્યાંગ હિંગુ, નિશીથ ધીનોરા, અયાન મન્સૂરી અને યશ કુવાડિયાએ પોતાનો અવાજ આપ્યો છે.