દંડકારાણ્યમાં માતા સીતાએ છાયાં સ્વરૂપ કેમ ધારણ કર્યું?
વનવાસની યાત્રામાં રામ,લક્ષ્મણ અને માતા સીતા દંડકારાણ્યમાં પહોંચે છે. આ વનમાં પશુ, પંખી, જાતજાતના વૃક્ષો સાથે એક મોટો ઋષિ સમુદાય અને અસૂરો રહેતા હતા. આ વનમાં રામાયણની મહાગાથાનો મોટો વળાંક આવે છે. દંડકારણ્ય વનમાં હજારો વર્ષોથી તપ કરતા ઋષિઓ રહેતા હતા. ઋષિ શરભંગ, ઋષિ સુતિક્ષણ, ઋષિ અગત્સ્ય અને બીજા ઋષિઓને મળે છે. જ્ઞાની ઋષિઓ સાથે સત્સંગ કરીને શ્રી રામ પંચવટીમાં પ્રવેશ કરે છે. ઉત્તર તરફથી યાત્રા કરતા કરતા હવે દક્ષિણ દિશા તરફ આગળ વધે છે ત્યારે તેમને જટાયુ સાથે ભેટો થાય છે. જટાયુ અને તેનો ભાઈ સંપાતિ સાથે પક્ષીરાજ ગરુડની કથા કેવી રીતે જોડાયેલી છે તે આ એપિસોડમાં સાંભળો લેખક રામભાઈ મોરી સાથે. ઋષિ વાલ્મીકી રામાયણમાં કહે છે પ્રભુ પંચવટીમાં આવ્યાં ત્યારે તેમની વનવાસની યાત્રાનાં દસ વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. ગોદાવરીની કિનારે પંચવટીમાં શૂર્પણખા આવે છે. વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસ શૂર્પણખાનો પ્રસંગ જુદો જુદો છે.
એ પછી શ્રી રામ એકલા હાથે ચૌદ હજાર રાક્ષસો સાથે ખર અને દુષણનો વધ કરે છે. આ યુદ્ધનું વર્ણન વાલ્મીકિ ઋષિ વિસ્તારથી કરે છે. આ સમાચાર રાવણ સુધી પહોંચે છે. રાવણ પોતે એક મહાન તપસ્વી હતો. તેના જન્મની કથા ઋષિકુળ સાથે જોડાયેલી છે. રાવણના પૂર્વ જન્મની વાર્તા આ એપિસોડમાં સાંભળશો. શૂર્પણખા રાવણને પોતાનું અપમાન થયું તેનો બદલો લેવા ઉશ્કેરે છે. શૂર્પણખા રાવણને સમાચાર આપે તે પહેલા અકંપન નામનો રાક્ષસ રાવણને ખર દુષણના વધના સમાચાર આપે છે. અંતે મારીચની મદદથી રાવણ માતા સીતાનું હરણ કરે છે.
માતા સીતા મા જગદંબાનું રૂપ છે. મહા શક્તિ છે, ભગવતી છે, તેમની રક્ષા થાય એટલા માટે શ્રી રામ માતા સીતાને પોતાનું મૂળ સ્વરુપ અગ્નિમાં સમાવવાનું કહે છે કારણ કે શ્રી રામ જાણતા હતા કે હવે માતા સીતાનું અપહરણ થવાનું છે. તેથી સીતાજીનું મૂળ સ્વરુપ અગ્નિમાં સમાઈ જાય છે. સીતાજીનું છાંયા સ્વરુપ રહે છે. ભગવાન શ્રી રામની આ લીલાનું વર્ણન સાંભળો લેખક રામ મોરી સાથે. આ બધા એપિસોડ ઓડીઓ રુપે સાંભળો જલસો પર.

								
								
															
								







