કલાઈ એક એવી પરંપરા જે સમય સાથે બદલાય ગઈ છે. સમય બદલાતાં જીવનશૈલી પણ બદલાઈ છે. એ જ રીતે તહેવારો પણ બદલાયા છે. જે દિવાળીમાં પહેલા માળીયામાંથી સાફસફાઈ જાતે થતી, છાજલી પર મુકાતા તાંબા પિત્તળનાં બેડા અને બીજા વાસણોને ચકચકિત કરાતાં એ બધું હવે આડા હાથે મૂકી ગયું છે. નવા ફ્લેટ્સમાંથી તો માળીયા અને છાજલી જ ગુમ થઇ ગયા છે.
જોકે સમય જતા રસોડા બદલાઈ ગયા અને તેમાં વાપરતા વાસણો પણ બદલાયાં. ધીમે ધીમે લોકો પાછાં એ આ વાસણો તરફ વળ્યા પણ જુના સમય સુધી પહોચવાની કેડી તો બહુ લાંબી છે. બાકી તો તાંબા પિત્તળનાં વાસણો માત્ર એન્ટીક તરીકે જ ઘરમાં આવે છે. હવે જો આ વાસણ જ નથી વપરાતાં તો કલાઈ તો કેમની થાય.જોકે હજુ જુના અમદાવાદમાં માણેક ચોક વિસ્તારમાં તમે જાઓ તો આ વાસણો અને કલાઈ કરનારની દુકાન આ બધું તમને મળશે. હજુય જૂની પેઢી તહેવારની ઉજવણી પહેલા અહિયાં આવવાનું ચૂકતી નથી. તહેવારો પર પણ કલાઈની જેમ નવા રંગનો ઢોળ ચડી ગયો છે. પણ તેમનું માંહ્યલું તેજ હજુય એવું ને એવું જ છે.