વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામનું બાળપણ બહુ સંક્ષિપ્તમાં આલેખાયું છે. પરંતુ લોક રામાયણમાં રામની બાળ લીલાઓના પ્રસંગો ખૂબ મળે છે. આ એપિસોડમાં સાંભળો રામ મોરીના મુખે રામના બાળપણની મનોરમ્ય કથાઓ. રામ થોડા મોટા થતા રાજા દશરથ કુમાર રામ અને ત્રણેય ભાઈઓને ઋષિ વસિષ્ઠના આશ્રમમાં ભણવા મોકલે છે. ચારેય ભાઈઓ વેદ અને અન્ય વિધાઓમાં પારંગત થઈને પાછા ફરે છે ત્યાં તો વિશ્વામિત્ર તેમના યજ્ઞની રક્ષા કરવા માટે રાજા દશરથ પાસે રામની માંગણી કરે છે. જો રામથી વિખૂટું પડવાનું આવે તો રાજા દશરથ સહન જ ન કરી શકે પરંતુ ઋષિ વસિષ્ઠની આજ્ઞા થતા રાજા દશરથ રામ લક્ષમણને રોકી શકતા નથી.
ગુરુકુળમાં ભણીને આવ્યાં બાદ વનમાં રામની આ પહેલી યાત્રા છે. રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે સિદ્ધાશ્રમ સાથે જવાનું છે. રામ માર્ગમાં આવતા દેશો, પ્રદેશો, નદીઓ, વનોનો પરિચય પૂછે છે. કોઈ વાર ઋષિ સામેથી રામ અને લક્ષ્મણને સુંદર વાર્તાઓ કહે છે. આ દરેક વાર્તાઓનો અનુક્રમ અહીં કહેવામાં આવ્યો છે. આ યાત્રા કરતા કરતા રામ પોતાનું અવતાર કાર્ય શરુ કરે છે. સૌ પહેલા તાટકા નામની રાક્ષસીનો સંહાર કરે છે. તે પછી ઋષિ વિશ્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ સિદ્ધાશ્રમ આવે છે. આ બધી કથાને લેખક રામ મોરી દ્વારા એમની શૈલીમાં અને અવનવી લોકવાર્તાઓ કહીને વર્ણવવામાં આવી છે. આ સાથે આ એપિસોડમાં સાંભળો વિસ્તાર પૂર્વક ગંગા અવતરણ અને અહલ્યા ઉદ્ધારની પાવન કથા.