For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

શ્યામ સાધુ – ગિરનારની તળેટીમાં ધૂમતા ઘૂમતા કવિતા તરફ કેવી રીતે વળ્યા?

શ્યામ સાધુ - Shyam Sadhu

શ્યામ સાધુ, ગુજરાતી કવિતાનું એવું નામ જેણે જુનાગઢની ગિરનારની તળેટીમાં બેસીને ભક્ત નરસૈયાની ગુજરાતી ભાષાને પોતાના શબ્દોથી બહુ હેતથી રમાડી છે. કવિ સ્નેહી પરમાર તેમને ‘વિસ્મય અને અભાવ વચ્ચે આસન વાળીને બેઠેલા સર્જક’ કહે છે. તદુપરાંત તેઓ લખે છે કે, ‘શ્યામ એક એવા ગઝલકાર છે જેણે અનુભૂતિની અનટચ, નિર્ભેળ અને સોળઆની સચ્ચાઈનું ગઝલોમાં યથાતથ પ્રકટીકરણ કર્યું. શ્યામની ગઝલનું બીજું પ્રમુખ પાસું છે, એમાં રહેલી ભાવની રમણીયતા જે ક્યારેક તો અર્થના સ્ટેશને પણ ઉભી ન રહેતા આપણને પણ આકાશી રસ્તે ઢસડી લઇ જાય.’

નિજી અનુભૂતિને અખંડ રાખવા શ્યામ મિસરાઓના માપને વિસ્તારે સંકોચે પણ ખરા, તો વળી ગઝલમાં નગરજીવનની વિસમતાઓને શ્યામ સહજ રીતે લાવે છે. શ્યામ આધુનિકતાનો રાગ જૂઈની વેલીમાં વીંટીને લાવે છે એટલે એ માત્ર વાદ ન બનતા સર્વની સમાનુભૂતિનું કારણ પણ બને છે. શ્યામની કવિતાની કૌતુકરાગી છબી અદભુત છે. ફૂલ વચ્ચે સુતેલા રંગની તસ્વીર ખેંચવાનો કસબ પણ છે અને મૃત્યુને બિલોરી ગરનાળું કહેવાની સાધુવાણી પણ છે. શ્યામ પોતાને સરનામે લખેલા કાગળની ચીરપ્રતીક્ષામાં આસન વાળીને બેઠેલા એક તાપસ છે. આપણી ગુજરાતી ગઝલનો એક અનુપમ અનન્વય અને અનોખો પડાવ છે તે આપણા શ્યામ છે.’

‘સધ્યસ્નાના

દેવી પાર્વતીની નાભીમાં

રહી ગયેલું

ત્રિવલી વિલીન જલબિન્દુ

ઓળખાય છે આ જન્મે

શ્યામ સાધુ એવા ઉપનામે’

જાત અને જીવનની આ સમજમાં ઊછરેલ, આપણી ભાષાના સશક્ત પરંતુ અતિઋજુ સ્વભાવ અને અભિવ્યક્તિ ધરાવતા, આંતરબાહ્ય સાધુતાને વરેલ આ કવિનું મૂળ નામ તો શામળદાસ મૂળદાસ સોલંકી. પિતા સૌરાષ્ટ્રમાં આંબેડકરવાદી ચળવળના અગ્રણી અને સમાજ સેવક. તેથી આંબેડકરના વિચારની બહુ નાનપણથી અસર થયેલી. માત્ર 16 વર્ષની ઉંમરે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈને બૌદ્ધધર્મનો અંગીકાર કર્યો. એ બૌદ્ધ પરિવેશ આજીવન તેમની ઓળખ રહ્યો. તેમની જીવન રીતિ તો હિન્દુ રિતરિવાજ મુજબની સામાન્ય જ રહી હતી. પરંતુ બૌદ્ધ ધર્મના સાધુ જેવી લુંગી પહેરીને ગિરનારની કંદરા ખૂંદતા શ્યામ સાધુ જીવનના અંત સમય સુધી પોતાની સાદગીને વળગી રહ્યા હતા.

1941ની 15 મી જુને જન્મેલા શ્યામ સાધુને તેમના પિતાશ્રી પાસેથી સમાજાભિમુખતા અને સત્સંગ, તો તેમના દાદીમા મોતીબાઈ તરફથી સંગીતાત્મકતા વારસામાં મળ્યાં. એ વખતે તેમના દાદીમાની ‘બાઈ મોતી ઓફ જૂનાગઢ’ના નામે એચ.એમ.વી.ની ઓડિયો રેકોર્ડઝ બહાર પડેલી તેથી તેમની સાહિત્ય પ્રત્યેની રૂચી તો બહુ નાની ઉંમરે જ કેળવાઈ હતી.

બે વર્ષ આયુર્વેદાચાર્યનો અભ્યાસ બાદ કૌટુંબિક પરિસ્થિતિ અને આવી પડેલી અંગત જવાબદારીના કારણે આગળ અભ્યાસ થઈ શક્યો નહીં. અને કદાચ આ જ તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. વધુ અભ્યાસ ન થઇ શકતા થોડો વખત વેપાર કર્યો. તેમાં વધુ અનુકુળતા ન આવતા પિતાની જેમ સ્થાનિક રાજકારણમાં જોડાયા અને નગર સેવક તરીકે ચૂંટાયા. તે છતાં જીવનનો બહુધા સમય આ તેમણે કવિતાના શરણે વિતાવ્યો.

તેઓ તેમનો મોટાભાગનો સમય જૂનાગઢની ગિરનારની તળેટીમાં વિતાવતા. ગિરનારમાં નરસૈયાની આધ્યાત્મિક અનુભૂતિના સહવાસમાં રહીને શ્યામ સાધુએ પણ કેટલીક ઉત્તમ ગઝલો લખી!

અહીં જીવ્યાનો રસ્તો ‘સાધુ’ પૂરો થયો પણ,

ખુદ પોતાની જાત વિશે કંઈ ખબર પડી ના !

એકવાર રજનીકુમાર પંડ્યા શ્યામ સાધુના ઘેર જઈ ચડ્યા, હા, કેમ કે સાવ ઝુંપડા જેવા ઘરમાં આવડા મોટા લેખકને લઇ જવા માટે તેઓ સંકોચ અનુભવી રહ્યા હતા પરતું રજનીકુમાર પંડ્યા ઘરે ગયા અને પોતે જે કામ માટે આવ્યા હતા એ પૂરું કર્યું. શ્યામ સાધુ ઘરે જ મળી ગયા એ જાણીને મનોજ ખંડેરિયાને ભારે આશ્ચર્ય થયું અને કહ્યું કે ‘તમને એ કેવી રીતે ઘેર મળી ગયા ? એ તો રાતદહાડો ગિરનારમાં પડ્યા રહેતા હોય છે ! તમને હાથ ન આવે… સાધુબાવાઓ છોડે તો એ ઘેર આવેને !’

આમ, તેમની ગઝલો સાથે સાથે તેમનું જીવન પણ અલગારી હતું. જીવનની કપરી પરીસ્થિતિઓના અનેક અનુભવોના કારણે પણ કદાચ તેમની ગઝલોમાં ઉદાસીનો સુર વધુ જોવા મળતો હોય ? શું ખબર!

જુનાગઢના જ કવિ હેમંત ધોરડો એ કહેલું કે ‘શ્યામે વૈશ્વિક ચેતના સાથે સીધું સંધાન કર્યું છે. અને એનો પૂરાવો એ કે એની સાથે બેસવાથી આપણને પણ વૈશ્વિક ચેતના સાથેના અદ્વૈતની જ અનુભૂતિ થાય છે. એમની કવિતામા એક અંતરામાં ‘તું કમળને જળની વચ્ચે શું જૂએ છે ? પારદર્શક એક સગપણ દઈ દીધું છે” માં પણ એ દ્વૈતમાં અદ્વૈતની જ વાત કરે છે.’

આ સંભાળીને રજનીકુમાર પંડ્યાએ શ્યામને પૂછેલું કે “શ્યામ, તમને આવી જ્ઞાનમાર્ગની કવિતા કેવી રીતે સૂઝે છે ?”

શ્યામ સાધુએ આના જવાબરૂપે કહેલું કે, ‘અમે મૂળ ત્રિકમપંથી સંપ્રદાયના સાધુ – કોઈ ઢેડગરોડા કહે પણ કોઈ હરિજનગુરુ પણ કહે. અમે રામદેવપીરના પાઠ ભરીએ. પાઠ એટલે શું ? એક ઓરડામાં અમે ગુરુ તરીકે બેસીએ અને એમાં માત્ર શિષ્યોને જ આવવાની છૂટ. પછી જ્યોત પ્રગટાવીને ધ્યાન ધરાવવામાં આવે. એ ધ્યાન દરમ્યાન જ એવો કોઈ સ્ફોટ થાય કે જેના મૂળ આકાશમાં છે અને શાખા ધરતીમાં છે એવા ઉર્ધ્વમૂલ વૃક્ષની જેમ બે નાડી વચ્ચે ચાલતી ચેતનાની ધારા ઉભરાઈ જાય એટલે બ્રહ્મ સાક્ષાત્કાર થાય અને બ્રહ્મસાક્ષાત્કાર થાય એટલે અનુભવવાણી પ્રગટે. જે કાવ્યરૂપે હોય.”

રજનીકુમાર પંડ્યા તેમના અંગત અનુભવથી નોંધે છે કે, ‘એમની સ્થિતિ મધ્યબિંદુ પર સ્થિર ન રહી શકતા ઘડિયાળના લોલક જેવી થઈ ગઈ. આર્થિક સ્થિતિ…ગામે ગામે ફરી ફરીને બાપદાદાનો હરીજન ગોરનો ધંધો કરનારને વળી “આર્થિક” નામે ઓળખાવાય એવી સ્થિતિ શી ? મોટાભાઈ ગુજરી ગયા અને એની વરસી વાળવાની હતી ત્યારે શ્યામ સાધુ કવિપણું ભૂલીને જજમાનો પાસે ગુજરાતના ગામે ગામે ફરીને ચંપલ ઘસતા હતા. પૈસાનો જોગ થતો નહોતો. પણ વળી છેલ્લી ઘડીએ હૂંડી સ્વીકારાઈ ગઈ. કોઈએ રૂ 663નો મનીઓર્ડર કર્યો. નહીં તો ? મોટાભાઈના મરણ પછી એમણે એવા ઘણા ‘નહીં તો ?’ ના જવાબો શોધી લીધા મોટાભાઈની બાળકોવાળી વિધવા ક્યાં જાય ? કોને આશરે ? એટલે એમણે એમની જ્ઞાતિની પરંપરા મુજબ મોટાભાઈની વિધવા સાથે જ લગ્ન કરી લીધાં. બૌદ્ધિક મિત્રોમાં થોડો ઉહાપોહ પરંતુ…. આ ‘પરંતુ’ અને ‘નહીં તો’ ની વચ્ચે ઘણા સવાલો હંમેશા ધરબાઈને રહી ગયા.

‘જીવવાની ભાંજગડમાં દબાયો છું – ભંગાયો છું. સૂક્ષ્મ સંવેદનો જે પહેલા ઝીલતો તે સ્વસ્થતા હવે નથી. આજીવિકા માટે કવિતા ગઝલ લખ્યા સિવાય કોઈ કુશળતા ધરાવતો નથી. દીકરો પિટીશન રાઈટર છે અને ઘરનું ગાડું સરસ ચાલે છે. માત્ર સંતોષ લેવા સિવાય બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે જ નહીં. અને કૈં નડતું પણ નથી. જીવન ટેવાઈ ગયું છું.’ એવું કહેનાર શ્યામ સાધુની આજે પુણ્યતિથિ છે તેમને વંદન કરીને તેમના કેટલાક શેર.

શબ્દ તો શૂરવીર બત્રીસ લક્ષણો

શી કમી છે. કેમ હું મૂંઝાઉ છું ?

 

“ટહુકો સાંભળ અથવા અમથી સ્વિચ દબાવ

હોય અગર પહેચાન, પરિચય તરત મળે છે”

 

ટહુકા તો એક એક કરીને ઊડી ગયા,

લયહીન આ શહેરને ક્યાંથી નિરાંત હો ?

 

ક્યારેક અંધકારે ટહુકા કરી લીધો,

ક્યારેક સૂની યાદના દીવા બળી ગયા !

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી

ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયા!

 

ઉદાસી લઈને આંખોમાં અહીં ફરનાર ખાસ્સા છે,

મને લાગે, તમારું શહેર આ ઊંડા નિસાસા છે!

હજી ગમગીન ઇચ્છાઓના દરવાજે ઊભો છું હું,

હજી આ મારી પીડાને વધારે શેની આશા છે

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz