Rani Ki Vav – રાણકી વાવ
સોલંકી કાળને ગુજરાતના ઈતિહાસનો સુવર્ણ કાળ કહેવામાં આવ્યો છે. આ સમયે શૂરતા અને વીરતા તો જન જન માં હતી જ પરંતુ સાથે સાથે કળા અને સાહિત્યમાં પણ અનેક સુંદર-અદ્ભુત સર્જનો થયા. સોલંકી કાળના સમયે પાટણ રાજધાની હતું. આ ઐતિહાસિક શહેરમાં અને તેની આજુબાજુ અનેક સ્થાપત્યો બંધાયા. એ તમામ સ્થાપત્યો અને સર્જનોમાં કલા-કારીગરીનું એક બેનમૂન ઉદાહરણ છે પાટણમાં આવેલી ‘રાણકી વાવ’. આ વાવ મૂળે છે શું? વાવ એ જળસંગ્રહ કરવા માટેનું વિશાળ બાંધકામ છે. ગુજરાત, રાજસ્થાન જેવા સૂકાં પ્રદેશોમાં પાણીનું સ્તર જમીનમાં ખૂબ ઊંડે રહેલું હોય છે એટલે આવા વિસ્તારોમાં વાવ બાંધવામાં આવે છે કે જેમાં સામાન્ય વ્યક્તિ સીડીઓ મારફતે નીચે ઉતરીને પાણી ભરી શકે.
શરૂઆતના સમયે આ વાવના બાંધકામ ખૂબ સરળ રહેતા, સમય જતા તેમાં બદલાવો આવવાના શરુ થયા, તેના બાંધકામો વધુ ને વધુ જટિલ બનતા ગયા અને એક સમય એવો આવ્યો કે જયારે રાજાઓ તેમને ત્યાં વાવના બાંધકામથી પોતાના રાજ્યની અલગ ઓળખ ઉભી કરતા. સ્થાપત્યની દ્રષ્ટિએ આવું જ એક વિશિષ્ટ ઉદાહરણ છે ‘રાણકી વાવ’.
રાણકી વાવનો ઈતિહાસ
જો આ વાવના ઈતિહાસમાં આપણે નજર નાંખીએ તો તે ખૂબ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીના પત્ની અને જુનાગઢના રાજા રા’ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ અગિયારમી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. ભીમદેવ સોલંકી ગુજરાતના ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમની શૌર્યતાના અનેક ઉદાહરણો આપણા ગુજરાતના ઈતિહાસને વધુ જાજરમાન બનાવે છે. સાથે સાથે તેઓ કલાપ્રેમી અને સાહિત્યપ્રેમી પણ હતા જેની નોંધ અનેક જગ્યાએ મળે છે. વિશ્વવિખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર બંધાવનાર પણ ભીમદેવ સોલંકી જ હતા. ક.મા. મુનશીની ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ આ નવલકથાઓને વાંચીએ તો સોલંકીકાળની અદ્ભુત વાતો ખૂબ સચોટ અને સુંદર રીતે જાણી શકાય છે.
ઇ.સ. 1063માં આ વાવ બંધાઈ છે તેવું માનવામાં આવે છે. ૧૪મી સદીમાં મેરુતુંગસૂરિ દ્વારા ગુજરાતના ઈતિહાસ ઉપર લખાયેલ પુસ્તક ‘પ્રબંધ ચિંતામણી’ માં આ વાવનો અને તેના બાંધકામનો ઉલ્લેખ આપણે મેળવી શકીએ છે. પરંતુ ભીમદેવ સોલંકીના મૃત્યુ પહેલા આ વાવનું બાંધકામ શરુ થયું હતું કે એના પછી તે માહિતી આપણને સ્પષ્ટ રીતે ક્યાંય નથી મળતી. પ્રાચીન સરસ્વતી નદીના કિનારે આ રાણકી વાવ આવેલી છે. પ્રાચીન સમયમાં જયારે સરસ્વતી નદીમાં અતિભારે પૂર આવ્યું ત્યારે તેના વહેણની દિશા બદલાઈ અને આ સમગ્ર વાવ તે ઘટનાના કારણે માટીના થર તળે સમાઈ ગઈ. સદીઓ પછી ૧૯૮૦માં ભારતીય પુરાતત્વ ખાતાં દ્વારા આ વાવની શોધ થઇ અને ખનન કરીને બહાર લાવવામાં આવી. કોઈને વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે આટલી વિશાળ વાવ હોય શકે કે જે આ રીતે જમીન તળે સમાઈ ગઈ હતી. ૨૦૧૪માં UNESCO દ્વારા આ વાવને World Heritage Site તરીકે ઘોષિત કરવામાં આવી. આપણા ભારતની currencyમાં 100 રૂપીયાની નવી નોટ ઉપર પણ રાણકી વાવનો ઉલ્લેખ થયેલ છે.
બાંધકામ શૈલી
રાણકી વાવનું બાંધકામ ‘મરું ગુર્જરી’ શૈલીમાં થયેલું છે. સોલંકી વંશના સ્થાપત્યો અને બાંધકામની શૈલીને ‘મરું ગુર્જરી’ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વિશાળ પાયા હોય છે તેમજ તેની દિવાલો ઉપર ખૂબ જ બારીક અને સુંદર કોતરણી કરવામાં આવેલી છે. આ કોતરણીમાં મુખ્યત્વે દેવી-દેવતાઓને કંડારવામાં આવે છે. દેલવાડાના જૈન મંદિરમાં અને રાણકપુરના જૈન મંદિરમાં પણ આપણે સમાન શૈલીનું બાંધકામ જોઈ શકીએ છે. રાણકી વાવમાં દિવાલોની પાછળ પણ વધારાનું બાંધકામ કરવામાં આવે છે જે તેને મજબૂત બનાવે છે. આ વાવમાં દિવાલોની ઊંચાઈ નાની રાખવામાં આવે છે જે તેના બાંધકામને વધુ મજબૂત બનાવે છે.
બાંધકામની માહિતી
રાણકી વાવ લગભગ 12 Acers વિસ્તારમાં ફેલાયેલી છે. જેમાં તે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. પહેલાના સમયમાં પાણી અથવા જળને ઈશ્વર તરીકે પૂજવામાં આવતું એટલે આ વાવને મંદિર તરીકે માનવામાં આવતું. અહીં અલગ અલગ સ્તર ઉપર બાલ્કની જેવી વ્યવસ્થા છે કે જ્યાં પહેલાના સમયમાં ગામ વાળા આવીને બેસી શકતા. અહીં જુદા જુદા દેવી-દેવતાઓની લગભગ ૮૦૦ જેટલી મૂર્તિઓ છે અને તે સિવાય પણ ઘણી બધી અન્ય આકર્ષક મૂર્તિઓને દિવાલોની ઉપર કંડારવામાં આવી છે. મુખ્યત્વે આમાં ભગવાન વિષ્ણુના દશાવતારની અને પાર્વતી માતાના જુદા જુદા સ્વરૂપોની મૂર્તિઓ છે. બલરામથી લઈને બુદ્ધ સુધીની મૂર્તિઓને અહીં કંડારવામાં આવી છે જેના ઉપરથી ધર્મ વૈવિધ્યતાને પણ આપણે સુંદર રીતે જોઈ શકીએ છે. સમગ્ર વાવમાં કોતરણી વાળા સુંદર સ્તંભો એ આકર્ષણનું કેન્દ્ર છે.
રાણકી વાવણી અજબ ગજબ વાતો
આ વાવ સાથે અનેક રસપ્રદ વાતો પણ જોડાયેલી છે. રાણકી વાવના છેલ્લા સ્તર ઉપર એક ટનલ આવેલી છે જ્યાંથી સીધું સિદ્ધપુર, પાટણ જઈ શકાય છે, યુદ્ધના સમયે આ ટનલ વપરાતી તેવું માનવામાં આવે છે. પહેલાના સમયમાં એવું માનવામાં આવતું કે રાણકી વાવના પાણીથી અલગ અલગ રોગ દૂર થઇ જતા. વાવની આજુબાજુથી અનેક ઔષધીય છોડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. સામાન્યતઃ પહેલા ના સમયમાં રાજા દ્વારા તેમની રાણીઓ માટે અલગ અલગ બાંધકામો બનાવવામાં આવતા પરંતુ આ એક એવું બાંધકામ છે કે જે રાણી ઉદયમતિ દ્વારા રાજા ભીમદેવ માટે બંધાવવામાં આવી હતી.
૨૦૧૪માં રાણકી વાવને UNESCO World Heritage Site તરીકે ઘોષિત કરવામાં આવી. રાણકી વાવ ઐતિહાસિક પાટણ શહેરમાં આવેલી છે. આ વાવ અમદાવાદથી લગભગ ૧૨૭ કિલોમીટર દૂર આવી છે. ટ્રેન મારફતે કે પછી ગાડી મારફતે આપણે સરળતાથી આ વાવ સુધી પહોંચી શકીએ છે. દિવાળીના સમયે તેમજ સામાન્ય દિવસોમાં વહેલી સવાર, વાવને જોવા માટેના સૌથી શ્રેષ્ઠ સમયમાં ગણાય છે. રાણકી વાવ અને આવા જ અન્ય સુંદર બાંધકામોવાળા પ્રાચીન સ્થળો વિષે તમે જોઈ શકો છો Jalso Culture YouTube Channel પર.