પ્રભુલાલ દ્વિવેદી એટલે જૂની રંગભૂમિના બેતાબ બાદશાહ અને ગુજરાતના ‘નાટ્યમહર્ષિ’. દેશી નાટક સમાજ દ્વારા ભજવાયેલા અને લોકપ્રિયતાની તમામ હદો તોડી ગયેલા નાટકો, એટલે પ્રભુલાલ દ્વિવેદીના નાટકો. માત્ર પટકથા સંવાદ જ નહિં પરંતુ નાટકના ગીતો પણ તેઓ પોતે જ લખતા. એમના અતિ લોકપ્રિય નાટક ‘વડિલોના વાંકે’નું આ અતિ લોકપ્રિય ગીત,
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
એક નવોઢા, કોઈ કામઅંગે બહાર ગયેલા, અને ગમે ત્યારે આવી પહોંચવાની સંભાવનાવાળા પતિની વાટ જૂએ છે, એનું આ ગીત છે.
જૂની રંગભૂમિમાં ગીતો એ નાટકનું સૌથી મહત્વનું અંગ હતું. ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,’ ‘હૃદયના શુદ્ધ પ્રેમીને,’ ‘ધનવાન જીવન માણે છે,’ ‘નાગરવેલીઓ રોપાવ,’ ‘ઝટ જાઓ ચંદનહાર લાવો,’ ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ જેવાં ગીતો એ વખતે લોકજીભે રમતાં થઇ ગયાં હતાં અને આજે પણ એટલી જ હોંશે હોંશે ગવાય છે. મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, રાજકુમારી અને માસ્ટર અશરફ ખાન જેવા આલા દરજ્જાના કલાકારો ગણાતા. આ સૌ નામોમાં બે નામો લોકોમાં વિશેષ પ્રિય હતા. એક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને પ્રભુલાલ દ્વિવેદી. આ બંનેની જુગલ જોડીએ અનેક સુપરહીટ ગીતો અને નાટકો આપ્યા છે.
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ કહે છે, “દાદા એક પંક્તિ લખે કે પ્રેમતત્ત્વ કોઈ અજબ સનાતન વિરલ પ્રેમીજન જાણે રે… તો બીજી પંક્તિ પ્રભુલાલ લખે કે ‘ભ્રમર અને કળીઓની ભાષા કોઈ રસજ્ઞાની પિછાણે રે’, આવી રીતે વીસેક પંક્તિઓનું ગીત લખે. તેમાંથી આઠેક પંક્તિ પસંદ કરવામાં આવે, પરંતુ જીવનમાં ક્યારેય મારું-તારું કર્યું નથી. બેઉ મા-જણ્યા ભાઈની જેમ રહ્યા. એકના નાટકમાં બીજાં ગીતો લખે, બીજાના નાટકમાં પહેલા ગીતો લખે કે બંને સાથે મળીને નાટક લખે, આ પ્રકારે વર્ષો સુધી આ બેલડીએ રંગભૂમિ પર રાજ કર્યું છે.”
પ્રભુલાલ દ્વિવેદી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની જોડી કેવી રીતે જામી એ પણ એક રસપ્રદ ઘટના છે. ઈ.સ. 1914-15 આસપાસની વાત છે. એ વખતે ‘જયદ્રથ વધ’ વિષય ઉપર નાટક લખાઈ રહ્યું હતું. નાટક લખવા માટે એક મુનશી રૂમ રહેતો. દરેક કવિ નાટક લખી લાવે પછી માલિકને રુચે તે પ્રમાણે દરેકના નાટકમાંથી અંશો લઈને એક આખું નાટક તૈયાર કરે. નાટક કંપની માલિકે પ્રભુલાલ દ્વિવેદીને પણ એક અંક અને ગીત લખવા આપ્યું. નાટકનો એ અંક માલિક મૂળજીભાઈ પોતે લખવાના હતા, એક અંક રઘુનાથ બ્રહ્મભટ્ટ લખવાના હતા અને ત્રીજા લેખક તરીકે પ્રભુલાલ દ્વિવેદીને કામ સોંપ્યું.
ત્યારે તેઓ એક તરવરિયા નવયુવાન હતા. રઘુનાથ બ્રહ્મભટ્ટ વિખ્યાત નાટ્યકાર ને ગીતકાર હોવાથી તેમને મામલો સાંભળી લેવા વિનંતી કરી. પરંતુ બીજે દિવસે માલિકે રઘુનાથ બ્રહ્મભટ્ટને બોલાવીને કહ્યું કે, ’આપણે મહેનત કરીને નવો લેખક તૈયાર કરીએ અને એવામાં બીજી કંપની તેને લઈ જાય. વળી આપણે લેખકના ખર્ચા પોસાય નહીં, આપણે આ યુવકને વિદાય કરીએ.’ નવયુવકન એટલે કે પ્રભુલાલને રાખવાની ‘ના’ પાડી. પ્રભુલાલ ઘરે જવા માંગતા હતા પરંતુ પૈસા હતા નહી. રઘુનાથે 50 રૂપિયા ભેગા કરીને તેમને આપ્યા. પ્રભુલાલે અમદાવાદ જવાના ટિકિટના પૈસા ઉપરાંત બે રૂપિયા વધારાના લઈ અને બાકીના પૈસા પાછા તેમને આપી દીધા. નાટક કંપનીમાંથી રીજેક્ટ થયેલા પ્રભુલાલ દ્વિવેદી પછી ‘નાટ્યમહર્ષિ’ તરીકે પ્રતિષ્ઠિત થયા અને તેમના નામ પર અનેક નાટક કંપનીઓ તરી ગઈ.
પ્રભુલાલ દ્વિવેદી એવા પ્રથમ નાટ્યકાર હતા જેમણે શબ્દ અને સ્વરની ગોઠડીનો સુરમો પ્રસંગોની આંખડીમાં આંજયો. સંગીતકારોએ ગીતોને બંદિશોમાં બહેલાવ્યા, રાગના શાસ્ત્રને બદલે ‘ગુજરાતીપણું’ ભળે એની ચીવટ સ્વરકારોએ રાખી, કારણ કે નાટકનાં ગીતો શ્રોતાઓ અને પ્રેક્ષકોનાં કંઠ-મન-મગજને એટલા રસતરબોળ કરતા કે ઘણા ગીતો તો આઠ થી દસ વાર વન્સ મોર થતાં.