પ્રેમ, એક એવો વિષય કે જેના વિષે ખૂબ લખાયું છે અને હજુ પણ લખાઈ રહ્યું છે. ક્યારેક લોકોને Overrated લાગ્યો છે તો ક્યારેક મન ભરાય જ નહિ એવો! અનેક ભાષાઓમાં અનેક નવી રીતોથી આ વ્યક્ત થયો છે અને ક્યારેક માત્ર લાગણી સ્વરૂપે લોકોના મનમાં સંઘરાઈને પડી રહ્યો છે. પણ છતાં કોઈક તો એવું કારણ હશે જ કે હજુ પણ લોકોને પ્રેમ વાર્તાઓ વાંચવી, લખવી અને સાંભળવી ગમે છે. અરે, કોઈકની લવ સ્ટોરી સાંભળવામાં પણ લોકોને તો મજા પડતી હોય છે. આવું જોઈ, સાંભળી કે અનુભવ્યા પછી ચોક્કસથી એમ લાગે કે પ્રેમ હજુ પણ જીવંત છે. અને આમ તો પ્રેમ હોય તો જ કોઈ પણ પ્રકારની લાગણી થકી આપણે એકબીજા સાથે જોડાયેલા રહી શકીએ છીએ. ધારો કે, બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ જ નથી અને છતાં તેઓ સાથે છે, શું એ શક્ય છે? જો આ સવાલનો જવાબ આપવાનો જ હોય તો એનો જવાબ મોટાભાગે ‘ના’માં જ આવે! આ શોની દરેક વાર્તાઓ કેટલાક જીવંત પાત્રો પરથી તૈયાર થઇ છે. ઓબ્ઝર્વેશન પરથી લખાઈ છે અને લોકો સુધી પહોંચાડવામાં આવી છે. બે પાત્રો વચ્ચેનો પ્રેમ કેવો હોઈ શકે? અને એનું પરિણામ શું આવી શકે? ભેગા થવું કે છૂટાં પડવું એ તો દરેક સંબંધમાં હોય છે, પરંતુ આ બંને વચ્ચેનો ભેદ બહુ મોટો છે. છૂટા પડવું એ અતિ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવાની ઘટના છે અને ‘ભેગાં થવું’ એ વાતને ગુલાબી બનાવે છે. એટલે કે આ વાર્તાઓમાં દરેક પાત્રો માત્ર ભેગા જ થાય છે કે બધામાં માત્ર હેપ્પી એન્ડિંગ જ છે? ના, એવું નથી. વૈવિધ્યસભર પાત્રો છે, અને એમની અનેરી વાર્તાઓ છે. અને બધાના મૂળમાં છે પ્રેમ. માટે જ તો આ પોડકાસ્ટનું નામ રાખવામાં આવ્યું, “Vaat Gulabi Chhe – Love Stories”.