રેલ્વે એ ભારતીય સમાજની જીવાદોરી છે એવું કહીએ તો જરાય ખોટું નથી. કરોડો ભારતીયો પોતાના રોજબરોજના પ્રવાસ માટે રેલ્વેનો ઉપયોગ કરતા હોય છે. રેલ્વેમાં ભારતનો સમાજ જીવતો જોવા મળે છે. એ રેલ્વેની મુસાફરીમાં અનેક કથાઓ જીવતી જોવા મળે છે. વિખ્યાત પત્રકાર, લેખક અંકિત દેસાઈએ એ પોતાની રેલ્વે મુસાફરીના અનુભવોને એક સુંદર પુસ્તક ‘Train Tales’માં વર્ણવ્યા છે. અને અમે એ પુસ્તકની સંવેદનશીલ કથાઓ Jalso પર પોડકાસ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરી છે. ‘ટ્રેન ટેલ્સ’ની આ કથાઓ સંવેદનાઓનું ભાથું છે. અંકિત દેસાઈ પત્રકાર હોવાથી એક નિરીક્ષક વૃતિ તેમના લખાણમાં સહજ રીતે આવતી જોવા મળે છે. આ પોડકાસ્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી વસ્તુ તે ટ્રેનમાં ફરતા વિવિધ લોકો. ટ્રેન આપણને અનેક નવા અનુભવો અને કથાઓ આપે છે. ટ્રેનની મુસાફરીનો એક રોમાંચ એટલે ટ્રેનમાં આવતા ફેરિયાઓના વિવિધ અવાજ. એ અવાજ તમારી સમક્ષ આ પોડકાસ્ટમાં સરસ રીતે રજુ થયા છે. ટ્રેનના ફરતા તે લોકોને જોવાની એક અલગ જ દ્રષ્ટી અહી જોવા મળી છે. તમને પણ થશે કે આવું તો મેં પણ જોયું પણ આવી રીતે ક્યારેય ધ્યાન જ ન ગયું. રેલ્વે સ્ટેશનના અવાજોની ઈફેક્ટ તમારામાં મનમાં સ્ટેશન ખડું કરશે એની ખાતરી છે.