કૃષ્ણ નામમાં જ જેનો સર્વ પરિચય આવી જાય એવા ભગવાન કૃષ્ણની વાત કરીએ એટલી ઓછી છે. કૃષ્ણ નામ જેમ ઉત્તમ શ્લોક માનવામાં આવ્યું છે, તેમ ભગવાનનાં પ્રેમ રંગે રંગાયેલ ચરિત્રો પણ એટલા જ ઉત્તમ માનવામાં આવ્યાં છે. ભગવાન કૃષ્ણનું સંપૂર્ણ ચરિત્ર જાણવું હોય તો આપણે તરત શ્રીમદ ભાગવત મહાપુરાણની આંગળી પકડવી પડે. ભાષાની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અતિ મધુર રીતે શ્રી કૃષ્ણ ભગવાનનાં દરેક જીવન પ્રસંગનું વર્ણન છે. એમાં શ્રી મદ ભાગવત મહાપુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે મહારાસ રમ્યા એ અને ગોપીઓ સાથેના અન્ય પ્રસંગોનું મધુર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણને સંબોધીને ગોપીઓએ પાંચ ગીત ગાયા છે. ગોપીગીત, ભ્રમરગીત, વેણુગીત, યુગલગીત અને પ્રણયગીત. યમુના નદીના તટે ગોપીઓએ સમૂહમાં જે ગીત ગાયું તે ગોપીગીત છે. ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા જતા ત્યારે વેણુનાદ કરતા. ભગવાનની વાંસળીના સુરથી ગોપીઓ, ગાયો, વૃક્ષો, પંખીઓ, પશુઓ, દેવો અને અપ્સરાઓની શું સ્થિતિ થતી તે વેણુનાદમાં ગોપીઓ વર્ણવે છે. ભગવાન કૃષ્ણનાં પ્રેમમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર ગોપીઓનો પ્રેમ આ પાંચ ગીતોમાં લખાયો છે. આ પાંચ ગીતોનો ભાવાનુવાદ સંસ્કૃત શ્લોક સાથે શ્યામનાદ પોડકાસ્ટમાં કરવામાં આવ્યો છે.