નિમિત્તમાત્ર, નામ જ કેટલું સુંદર છે! ‘કારણરૂપે થયેલું’ એવો અર્થ ધરાવતો આ શબ્દ અર્થ આપવાની જરૂર ન પડે એટલો સરળ છે. અને આ શબ્દનો સરસ ઉપયોગ કરીને નામાંકિત લેખક, વક્તા અને સફળ ડોક્ટર નિમિત્ત ઓઝાની કલમે લખાયેલા હ્રદયસ્પર્શી લેખોને અમે પોડકાસ્ટ રૂપે જલસો પર રજુ કર્યો, જેને નામ આપ્યું ‘નિમિત્તમાત્ર’.
ડૉ. નિમિત્ત ઓઝા, ગુજરાતી વાંચકો માટે ખુબ જાણીતું અને ગમતું નામ છે. ડૉકટરીના વ્યવસાયના હૃદયદ્રાવક કિસ્સાઓ હોય કે કોઈ પુસ્તકનો પરિચય, એમની કલમે સતત નિખાર પામતા રહ્યા છે. તેમનો પુસ્તકો અને દર્દીઓ સાથેનો સંવેદના સાથેનો સંવાદ તેમણે અહીં પ્રસ્તુત કર્યો છે. હાલની પ્રચલિત વિધામાં કહીએ તો તેમનું લખાણ ‘મોટીવેશન લખાણ’ હોય છે.
નિમિત્તમાત્રમાં તેમના રોજબરોજની સામાન્ય જિંદગીના તેમના અવલોકનોને તેમણે કલમના માધ્યમથી વ્યક્ત કર્યા છે. જેમકે, ‘બેટા પ્રોમિસ, સાંજે લઇ જઈશ તને.’ આ એપિસોડમાં તેઓ લખે છે કે, ‘મને એકાંત ગમે છે, એવું કહેવા માટે પણ જીવનમાં કોઈ હાજરી હોવી જરૂરી હોય છે.’ ‘એ અભ્યાસ માટે હોય કે અનુકુલન માટે, ઘરની બહાર નીકળેલી દરેક દીકરીને સાંજ પડે ઘરે પાછા ફરવાનો વિકલ્પ મળવો જોઈએ.’
અહીં ઇન્ટ્રોવર્ટ વ્યક્તિત્વ કે પછી જિંદગીની સૌથી અદ્ભૂત ક્ષણો વિશેની પણ વાત હોય. આ સંવેદના સાથેનો સંવાદ તમારો પોતાનો સંવાદ બનીને રહેશે. આજે જયારે સામાન્ય માણસ રોજબરોજની જિંદગીમાં અનેક વ્યથાઓથી પરેશાન થઇ રહ્યો હોય ત્યારે આવા નાના મોટીવેશન ડોઝ તેમના માટે બુસ્ટર ડોઝ સાબિત થાય એમ છે.
ડૉ. નિમિત્ત ઓઝાએ ‘નિમિત્તમાત્ર’માં તેમની સંવેદના સાથેનો સંવાદ રજુ કર્યો.