જલસોનું મુખ્ય મિશન જ એ છે કે આપણી માતૃભાષા દરેક ગુજરાતી સુધી પહોંચે. જોકે હવે આપણી એક આખી પેઢી લગભગ અંગ્રેજી માધ્યમમાંથી ભણી છે. તેથી ગુજરાતી ભાષાના સાવ સામાન્ય શબ્દો પણ તેમની બોલચાલમાંથી ગાયબ થઇ ચુક્યા છે. હવે આવા સમયે જે તળપદા શબ્દો એક સમયે આપણા દાદી કે નાની બોલતા કે પછી તમારી મમ્મી કે પપ્પા કદાચ ક્યારેક બોલી જાય એ શબ્દો તો કેમ સમજાય. માત્ર તળપદા જ નહિ પણ ગુજરાતી ભાષાનાં જ એક અર્થનાં બે શબ્દો હોય તે પણ નથી સમજાતાં. તેથી જ અમે વિચાર્યું કે આપણી ભાષામાં રહેલા એવા શબ્દો કે જે એક સમયે રોજબરોજની વાતચીતનો હિસ્સો હતા, તે આજની પેઢી પણ સમજી શકે અને ઉપયોગમાં લઇ શકે તે રીતે તેમના સુધી પહોંચાડીએ. એ વિચારમાંથી જન્મ થયો અમારા શો ગુજ્જુલોજીનો. આ શોમાં અમે કોઈ વિષય નક્કી કરી તેની આસપાસ રહેલા ગુજરાતી શબ્દો અને તેના અર્થો સાથે જાણે કે ક્લાસરૂમમાં લેકચર લેવાતો હોય તેમ એપિસોડ તૈયાર કર્યા. જેમાં ગુજરાતી કહેવતો પણ સમાવી, જેથી કહેવતો પણ લોકો સુધી પહોંચાડી શકાય. આમ વિસરાઈ રહેલા ગુજરાતી શબ્દો અને કહેવતો સાથે તૈયાર થયો અમારો આ ભાષાનાં પ્રેમને સમર્પિત પોડકાસ્ટ ‘ગુજ્જુલોજી’.