પ્રેમકથાઓ ક્યા ક્યાં રચાય? શું બર્ફીલા પહાડોમાં, સુંદર લીલા લીલા મેદાનોમાં, બાગમાં, નદીમાં કે સાગરના કિનારે જ? ના પ્રેમકથાઓ ગમે ત્યાં ઉદભવી શકે. રણની અફાટ તરસ વચ્ચે પણ પ્રેમનું ઝરણું વહી શકે છે. પ્રેમકથાનો તો વિષય જ રોમાંચક છે. નાનપણમાં દાદી – નાની રાજા રાણીઓની કથાઓ કહેતાં. એમાં પરીની પ્રેમકથા પણ આવતી. આવી પરીકથાઓ જેવી પ્રેમકથાઓ આપણા ઈતિહાસમાં ધરબાયેલી પડી છે, રાજાઓ અને રાણીઓની કથાઓ. મહેલોમાં ઘટેલી ગુલાબી પ્રેમકથાઓ. આવી જ કથાઓનો સુંદર પોડકાસ્ટ એટલે ‘એક રાજા હતો એક રાણી હતી’. ઈતિહાસમાં ઘટેલી એવી પ્રેમકથાઓ જે આમ તો મહેલની દીવાલોમાં ધરબાઈ જાત પણ જેમ પ્રેમને કોઈ સીમાડા નથી નડતાં તેમ આ કથાઓ પણ કિલ્લાની દીવાલો લાંધીને આપણા સુધી પહોંચી છે, આ શોમાં. રાજકુમાર દરેકનાં સ્વપ્નમાં તો સફેદ ઘોડા પર બેસીને આવીને રાજકુમારીને પ્રેમથી પોતાની સાથે લઇ જાય છે. પણ રાજમહેલનો પ્રેમ આ સપના જેટલો સરળ નથી હોતો. રાજાનો પ્રેમ તો ક્યારેક આફત બનીને ઉતરે છે, તો ક્યારેક ઝાકળ બનીને. કથાના અંઝામ ભલે ગમે તે આવે આ કથાઓ સાંભળીને પ્રેમમાં ચોક્કસ પડી શકાય છે.