સંસ્કૃત એ વિશ્વની પ્રાચીનતમ ભાષાઓમાંની એક છે. સંસ્કૃત ભાષાને દેવોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાષામાં એવા સુંદર સુભાષિતો અને ઉક્તિઓ મળે છે, જેનું એક વાક્ય પણ જિંદગી જીવવાની ગાઈડલાઈન બની શકે છે. આ જ વિચાર સાથે જાણીતા વક્તા અને વિચારક રાધા મહેતા કે જે પોતે સંસ્કૃત ભાષાનાં અભ્યાસુ પણ છે, તેમની સાથે અમે એક પોડકાસ્ટ તૈયાર કર્યો જેનું નામ છે ‘અનુક્ત’. રાધા મહેતા પોતે સંસ્કૃત ભાષા સાથે ખુબ જ પ્રીતિ ધરાવે છે. તેઓ પોતાનું પીએચડી પણ સંસ્કૃતમાં જ કરી રહ્યાં છે. અનુક્ત પોડકાસ્ટમાં તેમણે સંસ્કૃત પુસ્તકો અને સાહિત્યમાં રહેલા સુભાષિત અને ઉક્તિઓમાંથી કેટલીક શ્રેષ્ઠ પસંદ કરી, તેનો સરળ ભાવાનુવાદ કરીને તેને વિસ્તારથી સમજાવવાની કોશિશ કરી છે. આ ઉક્તિઓમાં એવી તાકાત છે કે નબળા મનની વ્યક્તિ તેને સાંભળીને ધીરે ધીરે હિંમત કેળવી શકે છે. અનુક્તમાં સમાવાયેલી આ ઉક્તિઓ માત્ર મોટીવેશન માટે જ નહિ પણ જિંદગી જીવવાની ગાઈડલાઈન તરીકે વાપરી શકાય તેવી સુંદર છે. રાધા મહેતાનાં અવાજમાં જલસોનો આ પોડકાસ્ટ અનુક્ત ઘણો લોકપ્રિય છે.