ઘરના કોઈ પ્રસંગમાં યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વેદિકામાં ઘી, સમિધ, જવ, તલની આહુતિ થતી હોય અને અગ્નિની જ્વાળાઓ ઉર્ધ્વ દિશામાં ગમન કરતી હોય ત્યારે આપણી સંસ્કૃતિમાં યજ્ઞ વિધાનાં મૂળ રોપનાર ઋષિમુનિઓ યાદ આવે. સફેદ કે ભગવા વસ્ત્રધારી, લાંબી દાઢીવાળા, ભાલે ત્રિપુંડ અને હાથમાં કમંડળ રાખનારા ઋષિમુનિઓનાં વિચાર આજે પણ કેટલા Relevant કરે છે એ સમજવા અને જાણવા જઈએ તો ખ્યાલ આવે કે, ઋષિમુનિઓએ જ તો આપણને દરેક દિશા, સૂર્યદેવ, ચંદ્રદેવ, તારા, વૃક્ષો, પ્રાણી, વસ્તુ, વ્યક્તિ અને જગતનાં દરેક જડ – ચેતન તત્વને શુભ ભાવથી જોવી એવો દ્રષ્ટિકોણ આપ્યો છે. આરણ્યકમાં વસનારા ઋષિમુનિઓએ તો જ આપણી સંસ્કૃતિમાં યજ્ઞ વિધાનાં મૂળ રોપ્યા. માતા – પિતા, ગુરુ તથા અતિથિને દેવ માનવા એવો વિચાર પણ વેદનાં ઋષિઓથી જ તો મળ્યો છે. આપણી યજ્ઞ પરંપરા, કર્મકાંડ અને અધ્યાત્મનું પૂર્ણ જ્ઞાન આપણને ઋષિમુનિઓએ આપ્યું છે.