જગતનું સર્જન કરનાર, જગતનું પાલન કરનાર અને જગતનો સંહાર કરનારા ભગવતી દુર્ગાનાં નવ રુપ છે, તેથી નવદુર્ગા કહેવામાં આવે છે. ભગવતી નવદુર્ગાનાં નવ રુપોની પૂજા, આરાધના અને ભક્તિ નર્તનનાં પાવન દિવસો એટલે નવરાત્રિ પર્વ. આપણે ગુજરાતીઓ જો સૌથી વધુ આતુરતાથી રાહ જોતાં પર્વ અને ઉત્સવનું લિસ્ટ બનાવીએ તો એમાં નવરાત્રિ પર્વનું નામ પહેલા આવે! એક બાજુ ગરબા રમીને અને બીજી બાજુ દેવી નવદુર્ગાની સ્તુતિ, પૂજા, પાઠ, સાધના અને કથા શ્રવણ કરીને આ નવ દિવસ દેવી દુર્ગાનું આપણે યેન–કેન પ્રકારે અર્ચન કરીએ છીએ. નવદુર્ગાનાં નવ રુપ મહાશક્તિનાં નવ રુપ છે. શૈલજા, બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધીદાત્રી આ નવદુર્ગાનાં નવ નામ છે. નવદુર્ગાનાં આ નવ નામ પ્રમાણે તેમનાં રુપો છે અને તેમનાં ઉદ્ભવની કથા છે. નવદુર્ગાનું દરેક રુપ આપણા અસ્તિત્ત્વ સાથે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, હૃદય અને Spiritual Energy સાથે મૂળભૂત રીતે જોડાયેલ છે. દેવી નવદુર્ગાની પાવન કથા માર્કન્ડેય પુરાણમાં આવે છે. એ સિવાય 13 અધ્યાયમાં વિભાજીત દુર્ગા સપ્તશતીમાં દેવી નવદુર્ગાનાં નવ રુપની કથા વર્ણવવામાં આવી છે. દુર્ગા સપ્તશતી એ માર્કન્ડેય પુરાણનો જ સંક્ષિપ્ત ભાગ છે. જેમાં ઋષિ માર્કન્ડેય સુરથ નામનાં રાજાને ભગવતી દુર્ગાની પવિત્ર કથા સંભળાવે છે.