પટોળા ગુજરાતનું ઘરેણું કહેવાય છે. પાટણથી લઈને દેશ-વિદેશ સુધી પહોંચતા આ પટોળાની અનોખી ભાતમાં એનો ઈતિહાસ પણ ગૂંથાયેલો છે. ઈતિહાસ સમયનો એ દસ્તાવેજ છે જે ક્યારેય તૂટેલા કિલ્લાની રાંગ બનીને તો ક્યારેક પડી ગયેલા દરવાજાની દિવાલ બનીને ક્યાંક રોકાઈ જાય છે તો ક્યાંક ગૂંથાઈ જાય છે. સમયનો એ ટુકડો જે પોતાના ઇતિહાસની દાસ્તાન, જમીનમાં દટાઈ ગયેલી વાવ દ્વારા કે આસમાનમાં લહેરાતા પાલવ દ્વારા જણાવી રહ્યો છે. સમયનો એ મહાન ખંડ એટલે ગુજરાતનું પાટણ શહેર. પાટણ જો ગુજરાતના મહાન અતીતનું કેન્દ્ર હોય તો એ કેન્દ્રનો પરિઘ વિકસે છે રેશમી દોરાની એવી ભાત તરફ જે આપના ગુજરાતીપણાને ગૂંથે છે અને જગત આખામાં ખ્યાતનામ બનાવે છે.
ગુજરાતીપણાની નોખી અને રંગીન એ ભાત એટલે વિશ્વપ્રસિદ્ધ પાટણના પટોળા. વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ભરવાડ અણહિલની યાદમાં વસાવેલા આ મહાન નગરને જેટલી ખ્યાતિ તેના શાસનકર્તાઓએ અપાવી છે તેટલી જ પ્રસિદ્ધિ આ નગરમાં વિકસેલી કલા અને સ્થાપત્યોએ આપવી છે. તેમની જ એક આગવી ગુંથણકલાનો કામણગારો કસબ એટલે ‘પટોળું’.
કહે છે કે, ઈ.સ.ની લગભગ અગિયારમી સદીમાં પટોળા ગૂંથાતા. સાળવી પરિવારોને પાટણના તે વખતના રાજા કુમારપાળ મહારાષ્ટ્રના જાલનામાંથી અહીં આ શહેરમાં વસાવ્યા અને શરુ થયો પટોળાનો રંગીન અને બારીક ઈતિહાસ. કેટલાક ઈતિહાસકારો વળી એવું પણ માને છે કે સાળવી પરિવારોને મહારાજ સિદ્ધરાજ જયસિંહ પાટણ તેડાવી લાવ્યા હતાં. પણ રાજા કુમારપાળના સમયમાં જૈન ધર્મના વિસ્તાર અને પ્રસાર સાથે સાથે પટોળાનો પાલવ પણ વિસ્તરતો ગયો. એ લગભગ નિર્વિવાદ તથ્ય છે. પટોળાનો મૂળ ઉપયોગ પૂજામાં પહેરવાના વસ્ત્ર તરીકે થતો હતો અને તે સમયે પટોળા છેક મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આવતા હતા. એક પટોળું એક જ વાર પહેરાતું. તે ગણતરીએ રોજ નવા પટોળા આણવા પડતા જે બહારગામથી અહીં પાટણ પહોંચતા વાર લાગતી. તેથી ત્યાંના રાજા વપરાયેલા પટોળા અહીં પહોંચાડી દેતા. આ વાતથી છંછેડાયેલા અને ધાર્મિક વિધિઓમાં અપવિત્રતા ઉભી થતી જોતા, પાટણના મહારાજાએ પટોળા બનાવતા 700 પરિવારોને અહીં આ નગરમાં તેડાવી લીધા.
પટોળાના નિર્માતા આ સાળવી કારીગરો પર જાણે કે કોઈ પરમ શક્તિનાં આશિષ હતા. જે સમયમાં દુનિયામાં ક્યાંય પણ છાપેલી ડિઝાઈનવાળું કાપડ બનતું ન હતું ત્યારે ટાઈડાઈની ટેકનીક સાથે બનતા પટોળા વિશ્વમાં પોતાની આગવી ભાતથી પોતાનું વિશેષ સ્થાન બનાવી ચુક્યા હતાં. સાળવી પરિવારોના પૂર્વજો ઉપર કલાની દેવી કદાચ એ રીતે મહેરબાન હતી. આપણે ત્યાં કહેવત છે કે, ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફૂટે નહીં.’ આ ફૂટવું નહીં પટોળાના પટને ઔર વિશેષ દરજ્જો અપાવે છે. વરસમાં એક સમયે પટોળા અપાતા અને ઘરની વહુઓ-સાસુઓ અને વડસાસુઓને યાદ કરી પરિવારની મોંઘી મિલકત સમજી ગૌરવપૂર્વક પહેરતી. પટોળું પહેરેલી ગુજરાતણનો ઠાઠ અને ઠસ્સો તેની આભને ઔર વિકસાવતો. પટોળું એ ગુજરાતણનું અભિમાન બનતું.
મૂળ તો આડા અને ઉભા તાર પર પડેલી કે પાડેલી ભાત. તાણાવાણા કહેવાય તેને. આ તાણાવાણાને ગણતરીપૂર્વક ગૂંથીને પટોળાની મનમોહક ભાત બને છે. તેમાં હાથની ભવ્યતા દેખાઈ તો ક્યારેક મોર-પોપટની સુંદરતા. તેમાં ક્યારેક ફૂલ-પાન-વેલની હરિયાળી કુદરત નજરે ચડે તો ક્યારેક ભૌતિક આકાર કે આકૃતિ. પટોળાનું સૌંદર્ય હંમેશા આકર્ષક અને પ્રભાવક બની રહે છે. પણ આ પ્રભાવ પાડવામાં વર્ષોની આકરી મહેનત અને રોજનું આઠથી દસ કલાકનું કામ કરવું પડતું હોય છે. એક પટોળું આ રીતે લગભગ સાતથી-આઠ મહીને તૈયાર થાય. પછી તેની કિંમત ઉંચી જ હોય ને! દેશની શ્રેષ્ઠ અને ખ્યાતનામ સન્નારીઓ પતોળાને પોતાના અંગે ધરી ચૂકી છે.
રંગ રતુંબલ, કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછાવેલા આ પટોળા આજે શહેર પાટણના સાળવીવાડાની પટોળાવાળી શેરીમાંથી નીકળી ગુજરાત, ભારત અને વિશ્વના અનેક ખૂણે પહોંચી ચુક્યા છે. પણ તેના તાણાવાણામાં આજે પણ ગુજરાતનાં ભવ્ય ઇતિહાસના અક્ષરો છપાયેલા જ છે. પાટણનું પટોળું એ ગુજરાતીપણાની માત્ર ઓળખ જ નથી, પણ આડા અને ઉભા તારમાં ગુંથાયેલું મહેનત અને ખંતનું ગુજરાતી બંધારણ પણ છે. ગુજરાતની દરેક ખાસિયત સાથે એક અનેરો ઈતિહાસ જોડાયેલો છે. દરેક ખાસિયત સાથે લોક લાગણીઓ જોડાયેલી છે. વર્ષોના વર્ષો વીતી જાય છતાં ના ઈતિહાસ ભુંસાય છે ના એની સાથે જોડાયેલી લાગણીઓ ઓછી થાય છે. અને આ જ આપણા ગુજરાતી હોવાની ઓળખ છે.