કવિ કાગ, માત્ર ગુજરાતી ભાષાના જ નહીં, સમગ્ર ભારતના ઉત્તમ કવિઓમાંના એક કવિ. કાગ બાપુ કવિ કરતા ‘ભક્ત’ વધારે હતા, એવું કહીએ તો ખોટું નહીં ગણાય. તેમનું જીવન અને કવન બંને ભક્તિમય હતા. ઈસરદાસજીનો ‘હરિરસ’ ગ્રંથ અને કાગબાપુનો ‘કાગવાણી’ ગ્રંથ ન માત્ર ચારણી, પરંતુ ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગ્રંથોમાંના એક છે. કાગ બાપુની કાગવાણીના પદ લોકડાયરામાં ફરજીયાત પણે ગાવામાં આવતા પદો છે. ચારણકુળમાં જન્મ્યા હોવાથી તેમનો અવાજ સ્વાભાવિકપણે કંઈક વિશેષ હતો. આજે તેમને ચારણી સાહિત્યના ‘ભીષ્મ પિતામહ’ તરીકે સંબોધવામાં આવે છે. મહાત્મા ગાંધીના દર્શન અને વિનોબાજીના ભૂદાનયજ્ઞથી પ્રભાવિત થઈને તેમણે તળપદી ભાષામાં ગીતો લખ્યાં હતા.
મેઘાણીજીએ ‘ચારણ કન્યા’ની રચના કરી એ પ્રસંગે કાગ બાપુ ત્યાં હાજર હતા. ઘણીવાર ડાયરામાં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. ઝવેરચંદ મેઘાણી કાગ બાપુને કવિ ન કહેતા, તેમને પોતાના ભાઈ તરીકે જ સંબોધન કરતા. સાદાઈનું જીવન જીવનારા લોકકવિ એવા કાગ બાપુની ગામડામાં ઢોર ચારતા યુવાનથી પદ્મશ્રી સુધીની યાત્રા અત્યંત રસપ્રદ છે. કુદરતના અદ્ભુત સર્જનને જોઇને ‘કળા અપરંપાર’ તેમની આ કવિતા તેમના તત્વદર્શનની જાંખી કરાવે છે.
કળા અપરંપાર, વા’લા! એમાં પો’ચે નહીં વિચાર,
એવી તારી કળા અપરંપાર
હરિવર ! તું ક્યે હથોડે આવા ઘાટ છો ઘડનાર
બાળકને પ્રભુ ! માત-પિતાની આવે છે ક્યાંથી અણસાર?
એવી તારી કળા અપરંપાર
અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મુખ ઊંધાં મોરર જી !
કીડીનાં આંતર કેમ ઘડિયાં, સૃષ્ટિના સરજણહાર?
એવી તારી કળા અપરંપાર
જન્મ આગળ દૂધ જુગતે, તેં કીધાં તૈયાર
મોરનાં ઈંડાંમાં રંગ મોહન ! કેમ ભર્યા કિરતાર?
એવી તારી કળા અપરંપાર
કોણ કલ્પે, કોણ બોલે. હા ને ના કહેનાર જી
પરસેવાની લીખ પંડની, તાગે તારણહાર.
એવી તારી કળા અપરંપાર
અણુ અણુમાં ઈશ્વર ! તારો, ભાસે છે ભણકાર ,
‘કાગ’ કહે કઠણાઈથી તોયે આવે નહીં ઈતબાર
એવી તારી કળા અપરંપાર
આ કવિતામાં કવિ અગમ – અગોચર એવા પરમાત્માને સંબોધીને કહે છે કે, હે ઈશ્વર ! બાળકને તેના માતા – પિતાની ખબર કઈ રીતે પડે છે? હે હરિ! નાનાં એવા અણુમાંથી આખો વટ વૃક્ષ કઈ રીતે બનાવ્યો? હે સૃષ્ટિના સર્જનહાર નાની એવી કીડીના આંતરડા તે કઈ રીતે બનાવ્યા છે? હે મોહન મોરના ઈંડામાં રંગ કઈ રીતે ભર્યા? તારી કળા અપરંપાર છે, છતાં પણ અમ માનવીઓને હે ઈશ્વર તારા પર ભરોસો નથી!!!! કેટલું અદ્ભુત નિરીક્ષણ અને નિરુપણ છે આ કવિતામાં.
કવિ કાગ આટલું ઉત્તમ સર્જન કેમ કરી શક્યા એ જાણવા તેમના કુળને જાણવું જરૂરી છે. 13મી સદીમાં કવિ બીજલ થઇ ગયા. એ સમયના ખુબ જાણીતા કવિ. તેમના ત્રણ દીકરા હતા. એમાં કાગ સુર એ સૌથી નાના દીકરા. કાગ સુરની 36મી પેઢીએ ઝાલા કાગનો જન્મ થયો. અને એ ઝાલા કાગના વંશજ એ આપણા કવિ દુલા ભાયા કાગ. દુલા ભાયા કાગના દાદા ગીરમાં રહેતા. દુકાળ પડતા ઢોર – ઢાંખર ના રહ્યા. એટલે ઝાલા કાગ ગીરમાંથી મજાદર આવ્યાં. માત્ર બે ભેંસ અને એક પાડાના આધારે તેઓ એમનું ગુજરાન ચલાવતા. ઝાલા કાગની ઉંમર બત્રીસ – તેત્રીસ વર્ષની થઇ, લગ્ન નહોતા થયા. મજાદર ગામના એક અગ્રણી માણસ જહુ અરડએ પોતાની દીકરી અને 40 વીઘા જમીન ઝાલા કાગને આપી. ઝાલા કાગને ઘરે ભાયા કાગનો જન્મ થયો અને એમના દીકરા એટલે દુલા ભાયા કાગ.
સૌરાષ્ટ્રનું કશ્મીર કહેવાતા મહુવા નજીક આવેલા મજાદર ગામમાં તેમનો જન્મ થયો. તેમના પિતા ભાયા ઝાલા કાગ અને મા ધનભાઈનાં તે લાડલા હતા. ચારણ કુળ એટલે મીઠા આવકારાનાં ઓરડા કહેવાય. તેમના ઘરે ખુબ મહેમાન રહેતા. માલઢોર પણ એમના ઘરે ખુબ હતા. માત્ર પાંચ ચોપડી ભણેલા દુલા ભાયા કાગ તેમના ભાગ્યમાં કવિત્વ લઈને આવ્યા હતા.
કવિ કાગના શબ્દોમાં તેમના બાળપણની વાત કહું તો તેઓ કહેતા, ‘હું તેર વર્ષનો હતો ત્યારે, જયારે ગાયો ચરવા જતો ત્યારે મારી સાથે રામાયણ લઇ જતો અને ગાયો ચરાવતા ચરાવતા હું રામાયણ વાંચતો’. તેમના પિતાનો સ્વભાવ અતિ દયાળુ, ગામમાં કોઈનું પણ માલઢોર ખોવાઈ, તેને ગોતે નહીં ત્યાં સુધી તે ઘરે પાછા ના આવે. ના મળે તો પોતાના ઢોર આપી દેતા. આ જ ભાવ અને સંસ્કાર દુલા ભાયા કાગમાં આવેલા. કોઈ દિવસ ખોટું બોલવું નહીં અને કહેલું વચન પાળવું એ એમનો સ્વભાવ હતો. હાથમાં લાકડી અને હૈયે ભગવાનનું નામ સ્મરણ જ તેમના વ્યક્તિત્વની ઓળખ હતી. તેમની આ વાતથી તેમના બાળપણના મિત્ર ખુબ પ્રભાવિત થયેલા. તેઓ કવિતા લખતા થઇ ગયા એટલે એમને થયેલું કે હું સારા દરબારમાં જાવ અને ઇનામ મેળવું. તેમના મિત્ર હિપા મોભને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે ઠપકો આપતા કહેલું કે તારે કોઈ દિવસ ક્યાંય પૈસાની માંગણી કરવી નહીં, જયારે જરુર પડે ત્યારે સાંગણિયા આવી જવું.
જયારે પણ તેમને મુસાફરી કરવાની આવતી ત્યારે તેઓ તેમના મિત્ર પાસેથી પૈસા લેતા. એ રીતે તેમની અયાચકતાનું મૂળ કારણ તેમના મિત્રને ઠેરવતા. નિયતિમાં લખેલું થાય છે એ વાત તદ્દન સાચી છે. એમાં એકવાર પોષ વદ તેરસના દિવસે દુલા ભાયા કાગને એક સંતનો ભેટો થયો. આ સંત એટલે સ્વામી મુકતાનંદજી. સંત મુક્તાનંદજીના સુજાવથી દુલા ભાયા કાગનું ભણતર ફરી શરુ થયું. ભુજમાં આવેલી પિંગળ શાળામાં દુલા ભાયા કાગને પિંગળ શીખવા જવું છે એમ જયારે મુક્તાનંદજીએ જાણ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘ભુજ અહીં જ છે, અહીં જ કવિતા લખો ક્યાંય જવાની જરુર નથી. તેમના સંગે સંસ્કૃતનાં અન્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો. અનેક લોકપદો અને ગીતો મોઢે કર્યા અને સવૈયા લખવાનું શરુ કર્યું.’
તુલસીશ્યામ અને પીપાવાવ જેવા પવિત્ર તીર્થો અને મંદિરોમાં કાયમ તેમની બેઠક રહેતી. તેઓ ડાયરામાં પણ ભાગ લેતા. તેમણે સામાજિક કાર્યોમાં પણ એટલું જ યોગદાન આપેલું. વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની યાત્રામાં તેમણે પોતાની જમીન દાનમાં આપી દિધી. આપણા લોક જીવનમાં પ્રસંગોપાત થતા ડાયરાઓમાં આજે સૌથી વધારે જો કોઈની રચનાઓ ગવાતી હોય તો એ કાગ બાપુ છે. કાગ બાપુનું સાહિત્ય સર્જન વિપુલ માત્રામાં છે. તેમણે આપણા પૌરાણિક ગ્રંથો સાથે સાથે સામાજિક અને સાંપ્રત સમયનાં દરેક વિષય પર લખ્યું છે.
તેમનો મુખ્ય કહી શકાય એવો ગ્રંથ એટલે કાગવાણી. કાગવાણી આઠ ભાગમાં સંપાદિત છે. તેમાં ચોથા ભાગમાં પૌરાણિક પાત્રોને લઈને સુંદર રૂપકો લખ્યાં છે. પાંચમાં ભાગમાં બાવન ફૂલડાંનો બાગમાં તેમના અદ્ભુત સુવિચારોનો સંગ્રહ આલેખાયો છે. આ સાથે સોરઠ બાવની, વિનોબા બાવની, ચંદ્ર બાવની, શામળદાસ બાવની, ગુરુમહિમા, શક્તિ ચાલીસા, તો ધર જાશે જાશે ધરમ વગેરે મુખ્ય છે.
તેમની કવિતામાં ઊંડે ઉતરતા અધ્યાત્મનું તળ મળે છે. તળપદા શબ્દો અને ચારણી શૈલીમાં તેમના પદો અને ભજનો લખાયા છે. ભાવ તત્વને તો કવિ કાગે શબ્દોમાં રેલવ્યું છે. કૃષ્ણ અને રામને લગતા ભજન જયારે વાંચીએ ત્યારે એવું લાગે કે તેમણે રામને જોતા જોતા આ બધું લખ્યું હશે! કૃષ્ણ ભગવાનના દેહોત્સર્ગ પર લખેલી કવિતા ‘કાગ મને રોવડાવે પ્રાચી કેરો પીપળો’ અત્યંત હૃદયદ્રાવક છે. શબરી, હનુમાનજી, ભરતજીના મનોભાવો અને રામ માટેની ભક્તિને કાગ બાપુએ ખુબ સુંદર રીતે લખી છે. એટલે કાગ બાપુને ભાવને જાણનારા અને ભાવને અનુભવનારા કવિ કહેવાનું મન થાય. અને ત્યારે જ તો કવિતા અને કવિ લોકોના માનસમાં સ્થાન લે છે. નીતિ, સદાચાર, ફકીરાથી જીવનાર અને એ જ વિષયો પર તેમની લેખની કાયમ ચાલેલી. મા ભગવતી સોનલને સમર્પિત ‘સોનલ મા તું આભ કપાળી ભજુ તુને ભેળીયા વાળી’ તેમની ખુબ જ પ્રસિદ્ધ રચના છે.
કાગ બાપુના સાહિત્યને લોકોએ ખુબ ચાહ્યું છે. સાહિત્યના જાણનાર અને માણનાર બંને પ્રકારના લોકોમાં કાગ બાપુ બહુ આદરથી લેવાતું નામ છે. કાગ બાપુના સાહિત્યને જયારે ભારત સરકારે નવાજ્યું ત્યારે સમગ્ર દેશ કાગ બાપુના સાહિત્યથી પરિચિત થયો. ભારત સરકારે તેમને 1962માં પદ્મશ્રીથી નવાજ્યા હતા. વર્ષ ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા તેમના માનમાં પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલી. ૧૯૭૭ નાં રોજ ૨૨ મી ફેબ્રુઆરીનાં દિવસે લોક હૃદયે વસેલા કવિનું નિધન થયું. આજે મજાદરની ભૂમિ કાગધામ તરીકે ઓળખાય છે. દર વર્ષે તેમની પુણ્યતિથિએ લોક સાહિત્યકારોને કવિ કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
કવિ કાગનું જીવન તેમના સાહિત્ય સર્જન દ્વારા વ્યક્ત થાય છે. તેમની કેટલીક અદ્ભુત રચનાઓ આપ જલસો પર સાંભળી શકશો.
છેલ્લે હિન્દી ભાષાના મહાન કવિ દિનકરજીએ કાગ બાપુ માટે કહેલી વાત, “માત્ર ગુજરાત જેવા નાનકડા પ્રદેશ અને તેની પ્રાદેશિક ભાષાના એ લોકકવિ માટે મહાકવિ શબ્દ નાનકડો પડે છે, તેમની સરખામણી થઇ શકે ‘શૈલી, વર્ડઝવર્થ બાણ કે ભવભૂતિ સાથે.’