જલસો અને ગુજરાત, ગુજરાતમાં નવરાત્રી આવવાની હોય ત્યારથી લઈને માતાજીનો ગરબો મુકાય, એ ગરબાને લઈને માતાજી નવે ખંડમાં ગરબે ઘૂમે, સોળ શણગાર સજે અને પછી છેલ્લે માતાજીનો ગરબો વળાવાય ત્યાં સુધીના દરેક પ્રસંગના અલગ અલગ ગરબા લખાયા છે. એ ગરબા ખૂબ જુના છે, પારંપરિક છે. જે લોકમુખે ખુબ ગવાય છે. જલસોએ લોકમુખે ગવાતા ગરબાને એક નવા અંદાજ સાથે રજુ કર્યા છે. અમે જલસો નવરાતમાં તદ્દન નવા ગરબાનું ક્રિએશન કર્યું છે. અને જલસો Unpluggedમાં આપણા જુના અને પારંપરિક ગરબાનું રીક્રીએશ કર્યું છે. જેમાંના અમુક ઓરીજનલ ગરબા વિશે વિગતે વાત કરીએ.
આ ગરબો માતાજીના આગમનનો ગરબો માનવામાં આવે છે. આ ગરબાના સુંદર ભાવાર્થમાં કહેવાય છે કે નવરાત્રીમાં મા અંબા ગબ્બરના ગોખ પરથી નીચે ઉતરે છે અને ચાચર ચોકમાં ગરબે રમે છે. ગબ્બર ગોખથી મા અંબા નીચે ઉતારી રહ્યા છે જેના કંકુ પગલાં ભક્તોને દેખાઈ રહ્યા છે. એટલા માટે તે કહે છે કે,
‘કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં’
આ ગરબો વર્ષોથી ગવાતો આવ્યો છે. જલસો Unpluggedમાં આ ગરબો ગુજરાતના જાણીતા ગાયિકા ‘ગાર્ગી વોરાનાં’ સ્વરમાં ગવાયો છે. એમના કંઠે ગવાયેલો આ ગરબો સાંભળીયે ત્યારે, એમ લાગે જાણે આ ગરબો એમના માટે જ બન્યો હશે.
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ,
સજી સોળ રે શણગાર , મેલી દીવડા કેરી હાર ,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ,
ગાગરની લઇ માંડવી માથે ઘૂમતી મોરી માત ,
ચૂંદલડીમાં ચાંદ છે સાથે રૂપલે મઢી રાત ,
જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ ,
તમે જોગણીઓ સંગ …
કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે ….
આપણા ત્યાં નવરાત્રિમાં મંદિરમાં ગરબો મુકવાની પ્રથા છે. એટલે મા અંબા પણ પોતાના ઘરનાં મંદિરમાં એટલે કે ગબ્બરના ગોખમાં ગરબો પધરાવે છે. એ ગરબો કઈ રીતે પધરાવે છે અને જયારે એ પોતે ગરબે ઘૂમે છે ત્યારે એ કેવા સુંદર લાગે છે. એમની આસપાસના પંચ તત્વો કઈ રીતે તેમની શોભામાં વધારો કરે છે એનું વર્ણન આ ગરબામાં કરવામાં આવ્યું છે. જલસો Unpluggedમાં આ ગરબો સ્તુતિ જાનીએ બહુ સુંદર રીતે ગાયો છે. જેમના અવાજમાં આ ગરબો ખૂબ ખીલી રહ્યો છે. જે આપે સાંભળવો જ રહ્યો.
આ ગરબો ગુજરાતી ગરબામાં ખુબ જ લોકપ્રિય ગણાતો ગરબો છે. આ ગરબા વગર લગભગ નવરાત્રી અધુરી જ માનવામાં આવે છે. આ ગરબામાં ગવાતો કેસરિયો રંગ ખેલૈયાઓને મનગમતો રંગ છે. આ ગરબામાં લોક દેવીઓના નામ અને તેમના રહેઠાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અંબે મા, કાળકા મા, બહુચર મા અને રાંદલ માનો સમાવેશ થાય છે. શેરી ગરબામાં મોટે ભાગે મહિલાઓ પોતાને માથે ગરબો મુકીને આ આ ગરબો ગાતી જાય છે અને રમતી જાય છે. એટલે આ ગરબા સાથે ખુબ બધી લોક લાગણીઓ પણ જોડાયેલી છે.
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા,
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ….
આ ગરબો આવતા જ લોકોના પણ હીંચ લેવા માંડે. એમાં પણ જો ભુમિક શાહ જેવા ગરબા કિંગ આ ગરબો ગાય તો તો કહેવું જ શું? જલસો Unpluggedમાં રજુ થયેલો આ ગરબો આપને ખુબ ગમશે એવી અમને ખાતરી છે.
જયારે દેવીઓ ગરબા રમતા રમતા પોતાની સોળ કળાએ ખીલે છે ત્યારે લોકો ઢોલીડાને એવી વિનંતી કરે કે,
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના…
ધ્રૂજે ના ધરણી તો રમઝટ કહેવાય ના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના…
ઢોલીડા તું ઢોલ ધીમો ન વગાડ, નહી તો આ રઢિયાળી રાત્રીનો રંગ જતો રહેશે. આ ગરબાના તળે માતાજી જયારે ગરબા કરે છે ત્યારે એમના રૂપ કેવા સોહે છે એનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. અને એ જગત જનની જયારે ગરબા રમે છે ત્યારે કોઈ સામાન્ય મનુષ્યની તાકાત નથી હોતી કે એ માતાજીના તેજ સુધી પહોંચી શકે.
ચમકતી ચાલ માને ઘૂઘરી ઘમકાર,
નેપુરના નાદ સાથે તાળીઓના તાલ…
ગરબામાં ઘૂમતા માને કોઈથી પહોંચાયના,
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….
જલસો Unpluggedમાં આ ગરબો જોરદાર જુગલબંદી સાથે પ્રસ્તુત થયો છે. જેમાં સ્વર આપ્યો છે પ્રથા ખાંડેકર અને પાર્થ દોષીએ. આ જુગલબંદી ખરેખર આપને જલસો કરાવનારી છે.
ખેલ ખેલ રે ભવાની મા…
પહેલાના સમયમાં જ્યાં આજના યુગ જેટલી આધુનિક સગવડો નહોતી ત્યાં લોકો પોતાના વ્યવસાયનો ઉપયોગ કરીને માતાજીની માંડવી તૈયાર કરતા. એ માંડવીમાં માતાજીનો ગરબો પધરાવતા. આ લોક લાગણી સાથે જોડાયેલો ગરબો એટલે
ખેલ ખેલ રે ભવાની મા,
જય જય અંબે મા…
માને સુથારી મત વાલા
રૂડા બાજોંટીયા ઘડી લાવે રે જય જય અંબે મા…
માને સોનીડા મત વાલા
રૂડા ઝાંઝર ની જોડ રે જય જય અંબે મા…
આ ગરબાની દરેક કડીમાં, દરેક વ્યવસાયિક પોતાની લાગણી દર્શાવે છે. અને તેમના જે કઈ પણ થઈ શકે છે તે એ માતાજી માટે કરે છે. આ ગરબો ગરબાની રમઝટમાં મોખરે રહેતો ગરબો છે. જલસો Unpluggedમાં આ ગરબો ભુમિક શાહએ પોતાના અનોખા અંદાજમાં પ્રસ્તુત કર્યો છે. જે તમને એના તાલ ઉપર ઝૂમવા માટે ચોક્કસથી મજબુર કરશે.