Jalsoનો ‘રણક’ કન્સેપ્ટ શું છે?
વિશ્વ સંગીત દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે જલસોના સૌથી અનોખા કન્સેપ્ટ ‘રણક’ વિશે આજે વાત કરવી છે. ગુજરાતી સંગીતના ઇતિહાસમાં ‘રણક’ દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી છે. સંગીત દિવસ બધા અલગ અલગ રીતે મનાવતા હોય છે ત્યારે અમે ગુજરાતી સંગીતના ઇતિહાસમાં કોઈએ ન મનાવ્યો હોય એવી વિશેષ રીતે ‘વિશ્વ સંગીત દિવસ’ ઉજવવાનું નક્કી કર્યું. થોડા સમયથી જલસોના વિવિધ માધ્યમ દ્વારા ‘જુનની ધૂન’ શબ્દ સતત તમારા સુધી પહોંચતો હશે. તમને આછેરો અંદાજ પણ હશે જ. એ આ ‘રણક’ના ઉપક્રમે જ.
આજથી 2 વર્ષ પહેલા અમને વિચાર આવેલો કે ભારતીય સંગીત તથા વિદેશી સંગીતમાં ઇન્સ્ટ્રૂમેન્ટલ વર્ઝન બહુ લોકપ્રિય છે. જો તેઓ આ કામ બહુ સારી રીતે કરી શકતા હોય તો આપણે ગુજરાતીમાં કેમ નહી? એ જ વિચારને પકડી રાખીને અમે ગુજરાતીમાં પણ ઇન્સ્ટ્રૂમેન્ટલ ગીતો રજુ કરવા એવો નિર્ધાર કર્યો. ગુજરાતી સુગમ સંગીત, લોકગીત અને કેટલીક લોકપ્રિય કાવ્યરચનાઓ કે જે કમ્પોઝ થયેલી છે તેમનું ઇન્સ્ટ્રૂમેન્ટલ વર્ઝન તૈયાર કરવું.
સંગીત સાંભળવામાં તમે કદાચ નવા હોય તો તમને એ પણ પ્રશ્ન થાય કે ઇન્સ્ટ્રૂમેન્ટલ સંગીત એટલે શું? તો એનો સીધો સરળ જવાબ એ કે ‘જેમાં માત્ર વાદ્યો જ રજુ થતા હોય અને સિંગરનો અવાજ ન હોય તો તેવા સંગીતને ઇન્સ્ટ્રૂમેન્ટલ સંગીત કહેવાય.’ તમને ગીતોની ધૂન પસંદ હોય તો આ તમારા માટે શ્રેષ્ઠ છે. ઇન્સ્ટ્રૂમેન્ટલ વર્ઝન મનને શાતા આપનારું હોય છે. ઇન્સ્ટ્રૂમેન્ટલ સંગીત એ સંગીત શીખતા વિધાર્થીઓ માટે પણ બહુ ઉપયોગી થતું હોય છે. સંગીત જગતના બહુ મોટા મોટા કલાકારો પણ ઇન્સ્ટ્રૂમેન્ટલ મ્યુઝિક રજુ કરતા હોય છે. ઇન્સ્ટ્રૂમેન્ટલ મ્યુઝિક એ બહુ જ લોકપ્રિય છે. જલસો પર તમે ‘ગરબા લાઉન્જ’ સાંભળતા જ હશો ! તે આ જ. એટલે તમે સમજી શકો કે ઇન્સ્ટ્રૂમેન્ટલ મ્યુઝિક કેવું ગમે એવું હોય છે. નવરાત્રી પર અમે ગુજરાતી ગરબાને ઇન્સ્ટ્રૂમેન્ટલ વર્ઝનમાં રજુ કર્યા હતા. હવે ગીતોને રજુ કરી રહ્યા છીએ.
ઇન્સ્ટ્રૂમેન્ટલ ગીતોનો રણકો કંઈક અલગ જ હોઈ છે, સાંભળવું તો ખુબ ગમે, એથી જ અમે ‘રણક’ નામ પસંદ કર્યું. અને ક્યાં ક્યાં ગુજરાતી ગીતોનો રણકો ક્યાં ક્યાં વાદ્ય દ્વારા તમારા સુધી પહોંચાડવા એ નક્કી કર્યું. ગુજરાતી સંગીતજગતમાં ઘણા કલાકારો એ અમારા આ ઉપક્રમને વધાવી લીધો અને સહર્ષ અમારી સાથે જોડાયા. તો તમને પ્રશ્ન થાય કે એ કર્ણપ્રિય ગુજરાતી ઇન્સ્ટ્રૂમેન્ટલ ગીતો કોના દ્વારા વગાડવામાં આવ્યા છે?
એ ગીતો અને કલાકારોના નામ આપું તો,
રાધાજીના ઊંચા મંદિર – રાવણહથ્થો By વિપુલભાઈ ભટ્ટી
મોર બની થનગાટ કરે – મેલોડીકા By રુજુલ શાહ
મારો સાયબો – સિતાર By વિપુલ ત્રિવેદી
વીજળીને ચમકારે – સેક્સોફોન By હરમીશ જોશી
વા વાયાને વાદળ ઉમટ્યા – વાંસળી By આલાપ પરીખ
રંગદરિયો – ગિટાર By સ્વપ્નીલ સિદ્ધેશ્વરી
એકલ દોકલ વરસાદે – કિ – બોર્ડ By કેદાર ઉપાધ્યાય
બોલ્યા બોલ્યા મધરાતુના મોર – સારંગી By વનરાજ શાસ્ત્રી
આંખોમાં બેઠેલા ચાતક – કિ – બોર્ડ By દર્શન ઝવેરી
કેટલા સુંદર ગીતો અને કેવા કેવા કલાકરો! રાવણહથ્થો જેવું અદ્ભુત વાદ્ય કદાચ પહેલીવાર આ રીતે રજુ થયું. આ ગીતો સાંભળવા માટે ઉપલબ્ધ છે, આપ ગમે ત્યારે જલસો એપ પર ‘રણક’માં સાંભળી શકો છો.
જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યમાં સતત કશુંક નવું નવું કરતું હોય છે, એ જ પરંપરાને આગળ વધારતા ‘રણક’ દ્વારા ગુજરાતી સંગીતમાં આ નવીનતા લાવવાનો એક સુંદર પ્રયાસ છે. આ બધા ગીતો સાંભળવાની લિંક પણ સાથે આપી રહ્યા છીએ જેથી તમને અહીંથી જ એ ગીતો સુધી પહોંચી શકો છો.