‘ગિજુભાઈ બધેકા વિશે હું લખનાર કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો. એનું કામ ઉગી નીકળશે.’ ગિજુભાઈ બધેકા વિશેનું આ વિધાન મહાત્મા ગાંધીજીનું છે. ગુજરાતી બાળસાહિત્યમાં શૂન્યમાંથી સર્જન કરનાર સર્જક એટલે ગિજુભાઈ બધેકા. જયારે ગુજરાતી સાહિત્યમાં પાંડિત્યભર્યું સાહિત્ય રચાઈ રહ્યું હતું, ત્યાં બાળકો માટે સાહિત્ય કે કશુંક કરવાનું કરવાનો તો વિચાર પણ કોને આવે! આવા સમયે ગિજુભાઈએ એકલપંડે 200 જેટલા પુસ્તકો બાળકો માટે લખ્યા. એક અર્થમાં એકલપંડે તો ન કહી શકાય કેમ કે તેમાં તેમના શિક્ષક તરીકેના નવતર પ્રયોગોએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો.
વાત એમ હતી કે તેઓ 1907માં ધંધાર્થે આફ્રિકા ગયા હતા. પરંતુ ત્યાં ન રુચતા 1909માં ભારત પરત ફર્યા. આફ્રિકા નિવાસ દરમિયાન તેઓ એસ.પી. સ્ટીવન્સન નામના એક વ્યક્તિને મળ્યા. એ વ્યવસાયે વકીલ હતા. અને તેઓના આત્મનિર્ભરતાના પ્રયોગોથી ગિજુભાઈ ખુબ પ્રભાવિત થયા હતા. તમારા સિવાય કોઈના પર નિર્ભર રહેવાનો સંપૂર્ણ ઈન્કાર અને સ્ટીવન્સે તેમના જીવનમાં દૈનિક ધોરણે આ વિચારનો અમલ પણ કર્યો હતો. ગિજુભાઈને આશ્ચર્ય એ વાતનું હતું કે સ્ટીવન્સે કઈ રીતે કોઈના પર આધાર રાખ્યા વિના પોતાનું જીવન જીવે છે.
ભારત ફર્યા બાદ તેઓ વકીલાતનું ભણવા મુંબઈ ગયા. વકીલાતનું ભણ્યા બાદ તેઓ ત્રણ વર્ષ વઢવાણ કોર્ટમાં ખુબ સફળ રીતે વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. આ સમયે તેમના ઘરે પુત્રરત્નનો જન્મ થયો.
તેમના દીકરાને ભણવા મુકતા સમયે તેમણે જે શિક્ષણની હાલત જોઈએ એ જોઇને તેમને ખુબ આઘાત લાગ્યો. સામાન્ય લોકો તો આ બધું વિચાર્યા વગર તેમના સંતાનોને ભણવા મૂકી દેતા. પણ તેમને સમજાયું કે તે સમયની શ્રેષ્ઠ શાળાઓમાં પણ શિક્ષકો માત્ર ભયથી કેવી રીતે ભણાવવું તે જાણતા હતા. ગિજુભાઈને લાગ્યું કે જો બાળકો સાથે આદરપૂર્વક વર્તન કરવામાં આવે અને શીખવાની પૂરતી તકો આપવામાં આવે તો કોઈ પણ બાળક શાળાએ આવવામાં ગલ્લા તલ્લા નહી કરે અને ત્યાં આવવા માટે ઉત્સાહિત રહેશે. અને તેઓ પોતાના બાળક માટે આવી શાળાની આશા રાખતા હતા.
તેમના આ વિચારો તેમણે તેમના મિત્ર ઢસાના દરબાર ગોપાલદાસને જણાવ્યા. દરબાર ગોપાલદાસે તેમના મિત્ર મોતીભાઈ અમીનને મળવાનું સૂચવ્યું. મોતીભાઈ અમીન ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા તરીકે જાણીતા છે. મોતીભાઈએ તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા માટે આપ્યાં. આ પુસ્તકોએ તેમને કેળવણીનો સાચો રસ્તો બતાવ્યો. અને તેમણે બહુ મોટો નિર્ણય લીધો જેણે તેમની સાથે ગુજરાતનું ભાગ્ય પણ બદલી દીધું. તેમણે કાયદાના વકીલ મટીને બાળકોના વકીલ બનવાનું નક્કી કર્યું. મારિયા મોન્ટેસરી માનતાં હતાં કે દરેક બાળકમાં પ્રતિભા પહેલેથી હોય જ છે. એક પુખ્ત વયનાં વ્યક્તિએ એટલે કે શિક્ષકે માત્ર આ પ્રતિભા ઓળખી તેને બહાર લાવવાનું કામ કરવાનું હોય છે. એ વાત એટલી જ સાચી છે કે બધાં બાળકોને બધાં વિષયો પસંદ હોતાં નથી તેમજ આવડતા પણ નથી. એક શિક્ષકનું કામ છે કે બાળક એનાં વિષય પ્રત્યે આકર્ષાય. આ માટે શિક્ષક પોતે જ પોતાનાં વિષયમાં સક્ષમ હોવો જોઈએ.
જયારે બાળકો માટે આવા વાતાવરણની જરૂર હતી ત્યાં ભારતમાં તો ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઝમઝમ’ નો યુગ હતો. હજુ હમણાં સુધી એ વાત આપણા માટે સામાન્ય જ હતી. ગિજુભાઈ આ રીતથી તદ્દન વિરોધી વિચારતા હતા. તેઓ તો બાળકને મુક્તમને ભણવા દેવાના પક્ષધર હતા. તેથી તેમણે કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું.
ગુજરાતમાં નાનાભાઈ ભટ્ટ ઉત્તમ કેળવણીકાર તરીકે ખ્યાતનામ છે. તેમણે 13 નવેમ્બર 1916નાં રોજ ‘દક્ષિણામૂર્તિ’ નામની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી. ગિજુભાઈ એ સંસ્થામાં જોડાયા. અહીં તેમની અંદરના કેળવણીકારને પોતાની રીતે શિક્ષણના પ્રયોગો કરવાની ઉત્તમ તક મળી. અને ગુજરાતનાં શિક્ષણની દશા અને દિશા બદલાઈ ગઈ. ગિજુભાઈ બધેકા માનતા હતા કે બાળકોને શિક્ષકોનો સાચો પ્રેમ અને આદર મળવો જોઈએ.
દક્ષિણામૂર્તિ સંસ્થાનાં છાત્રાલયની સાથે સાથે હવે ઈ. સ. 1918માં ત્યાં કુમાર મંદિર શરુ થયું અને ગિજુભાઈ તેનાં આચાર્ય બન્યા. અહીં ગિજુભાઈ સતત નવું નવું વાંચતા જાય અને બાળકો માટે નવું નવું શોધતા જાય કે જેથી બાળકોને ભણવામાં મજા આવે. અને નવું નવું કરવામાં તેમને બાળકો માટે અનેક પુસ્તકો લખ્યા.
નવતર પ્રયોગોના મશાલચી ગિજુભાઈએ બાળકેળવણીની આખી વ્યાખ્યા જ બદલી નાંખી. શાળામાં વર્ગખંડમાં પૂરાઈ રહેલા બાળકોને એમણે ખુલ્લા આકાશ નીચે મુક્યા. ગોખીને ભણતાં બાળકોને ખુલ્લી ક્ષિતિજ સામે જાતે જોઈને શીખતાં કર્યા. ભારતનું પ્રચલિત સૂત્ર ‘આચાર્ય દે વો ભવ:’ ને બદલીને એમણે ‘બાલદેવો ભવઃ’માં બદલી દીધું.
વર્ષોથી ચાલી આવતી શૈક્ષણિક પરંપરાને બદલવી એ કંઇ જેવી તેવી વાત ન હતી. પરંતુ તેમના આ પ્રયોગોને કારણે તેઓ બાળકોમાં એ હદે લોકપ્રિય થયા કે બાળકો તેમને મા કહીને બોલાવવા લાગ્યા. પણ ગિજુભાઈનો ફોટો જોયો હોય એ જોશે કે તેમને મોટી મૂછો હતી. તેથી બાળકો તેમને ‘મૂછાળી મા’ કહીને બોલાવતા. તેથી આ નામ તેમનું ઉપનામ બની ગયું.
200 થી વધારે પુસ્તકો લખનાર ગિજુભાઈની આત્મકથા ‘દિવાસ્વપ્ન‘ ખુબ લોકપ્રિય બન્યું. બાળ શિક્ષણની દીવાદાંડી સમાન આ પુસ્તક પર ફિલ્મ પણ બની જે ખુબ જ વખણાય. આ ફિલ્મથી ગુજરાતમાં ફરીવાર ગિજુભાઈ વિશે લોકોએ જાણ્યું અને સરકારે પણ ઈ. સ. 2021થી ગિજુભાઈ બધેકાનાં જન્મદિનને ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાની જાહેરાત કરી. એમ આ મહાન શિક્ષકને યાદ કરવાનો અનેરો મોકો આપ્યો.
તમે જલસો સાથે જોડાયેલા છો એટલે તમને ખ્યાલ જ હશે કે જલસો પર એક આખો વિભાગ બાળ સાહિત્યને સમર્પિત છે.જેમાં ગુજરાતી ભાષામાં લખયેલી બાળ કવિતાઓ, વાર્તાઓ અને ઉખાણાને અમે બહુ સુંદર રીતે રજુ કરી છે. એમની કેટલીક ઉત્તમ વાર્તાઓ સાંભળવા માટે બાજુની ઈમેજ પર કરો.