Actors નું માર્કેટિંગ દિમાગ
વર્ષ 2024 ગુજરાતી ફિલ્મો માટે અદ્ભુત રહ્યું છે. ફિલ્મોના દરેક રંગને આપણે પ્રેક્ષક તરીકે માણવાનો અવસર આ વર્ષે આપણને પ્રાપ્ત થયો છે. વાર્તાઓ તો એક થી એક ચઢિયાતી મળી જ છે પણ તેમાં અભિનયના પણ વિશિષ્ટ ચમકારા જોવા મળ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મોનો એક મોટો હિસ્સો ઘણા સમય સુધી માત્ર કોમેડી જોનરની ફિલ્મો તરફ સંકળાયેલો રહ્યો, એ પણ ખૂબ સુંદર સમય હતો.
ગુજરાતી ફિલ્મોનો એ ફેઝ, એ 90’s નો ફેઝ જયારે થીએટર હાઉસફૂલ રહેતા, લાંબી લાંબી લાઈનો લાગતી અને પછી તે ફિલ્મોના ગીતો હોય કે ડાયલોગ્સ એ લોકોના મનમાં છપાઈ રહેતા ને આજે પણ એ જીવંત છે, પછી એક સમય એવો આવ્યો કે જ્યાં ફિલ્મો પ્રેક્ષકો સાથે ઓછી કનેક્ટ થવા લાગી, ગુજરાતી ફિલ્મોની હાલત ખૂબ ખરાબ થઇ અને તે ફેઝ માંથી આજે ફરી આ દાયકો આવ્યો જયારે ગુજરાતી ફિલ્મો ફરી એ લેવલની બને છે કે જે જોવી તો ચોક્કસથી ગમે જ પણ સાથે સાથે ગર્વની લાગણી પણ અનુભવ કરાવે કે આ મારા માતૃભાષાની ફિલ્મ છે. વર્ષ 2024 આવી ફિલ્મોથી ભરમાર રહ્યું, તેમાં અનેક લોકોને શ્રેય જાય છે અને તેમાંથી એક હિસ્સો છે અભિનેતાઓનો.
Highlights of Take’24
Take’24 ના આ એપિસોડમાં જોડાયા આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિવિધ અદ્ભુત અભિનેતાઓ જેમકે વર્ષ 2024માં ‘સમંદર’ અને ‘હાહાકાર’ જેવી જબરદસ્ત ફિલ્મો આપનાર મયૂર ચૌહાણ, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘કસૂંબો’ ને ‘બિલ્ડર Boys’ જેવી યુનિક ફિલ્મ્સ આપનાર રોનક કામદાર, ‘ઈન્ટરવ્યુ’, ‘વાર તહેવાર’, ‘કાલે લગન છે’ અને ’31st’ જેવી સુંદર ફિલ્મો આપનાર પરીક્ષિત તમાલીયા, ‘કસૂંબો’, ‘સમંદર’, ‘લોચા લાપસી’ તેમજ ‘સાસણ’ જેવી આગવી ફિલ્મો અને તેમાં દમદાર Performance આપનાર ચેતન ધનાની તેમજ ‘અજબ રાતની ગજબ વાત’ જેવી હીટ-લોકપ્રિય ફિલ્મ આપનાર અને ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સ્ટાર ભવ્ય ગાંધી આ સંવાદમાં જોડાયા.
સમગ્ર સંવાદ ખૂબ રસપ્રદ રહ્યો, ફિલ્મોમાં તેમના કેવા અવનવાં અનુભવો રહ્યા થી લઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ રીતે આગળ વધી રહી છે, શું નવું થઇ શકે અને વધુ ને વધુ ગુજરાતી પ્રેક્ષક સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે બધા વિષયો પર સરસ મજાનો સંવાદ રહ્યો.
મયૂર ચૌહાણ
મયૂર ચૌહાણ માટે વર્ષ 2024 એકદમ ગજબનું રહ્યું તેવું તેમણે જણાવ્યું જે તેમની બે ફિલ્મોથી પણ જાણી શકાય છે. ‘સમંદર’ ફિલ્મમાં તેમના દમદાર અભિનય પછી ‘હાહાકાર’ માં એકદમ અલગ પડતો રોલ તેમણે નિભાવ્યો. તેમણે તેમનો એક સરસ મજાનો કિસ્સો પણ શેર કર્યો કે જેમાં કઈ રીતે તેમની એક ડાઈહાર્ડ ફેન ‘હાહાકાર’ ફિલ્મના પ્રમોશન સમયે તેમને મળી અને એકદમ જોઇને ભાવુક થઇ ગઈ અને આ તો ઈન્સટાગ્રામમાં પણ ખૂબ વાયરલ થયેલું. સાથે સાથે કઈ રીતે ‘હાહાકાર’ ફિલ્મ સુપરહીટ થઇ તેમજ તેમાં માર્કેટિંગ કઈ રીતે બન્યું માસ્ટરસ્ટ્રોક તે એકદમ જાણવા જેવી વાત બને છે.આ ફિલ્મના માર્કેટિંગમાં તેમણે ખૂબ જ સ્માર્ટપ્લે કર્યું તેમજ ફિલ્મ ખરેખર ગુજરાતમાં અને ગુજરાતીઓ સુધી પહોંચી. કઈ રીતે ફિલ્મનું ગીત ફિલ્મને સફળ બનાવવામાં બને છે મદદરૂપ તે તેમની આ બંને ફિલ્મથી ચોક્કસથી જોઈ શકાય છે. ‘હાહાકાર’નું ‘મધરો દારુડો’ ગીત તો જાણે કે દરેક ગુજરાતીના હૈયે ને હોઠે છપાઈ ગયું હોય તેમ પોપ્યુલર થયું છે.
ભવ્ય ગાંધી
ભવ્ય ગાંધીની વર્ષના અંતે આવેલી ફિલ્મ ‘અજબ રાતની ગજબ વાત’ તેમની ગુજરાતી ફિલ્મની જર્ની માટેની એક મહત્વની ફિલ્મ બની, જ્યાં તેઓ એક ઘડાઈ ગયેલી છાપમાંથી બહાર આવીને લીડ રોલમાં અદ્ભુત અભિનયથી લોકો સુધી પહોંચ્યા. ‘તારક મહેતા કા ઊલટાં ચશ્માં’ એ ભવ્ય ગાંધીને જે રીતે લોકપ્રિય બનાવ્યો તે પછી તેમાંથી હટીને આ ફિલ્મોની દુનિયામાં પોતાનું નામ સ્થાપિત કરવું એ ખૂબ અઘરી વાત છે. સાથે સાથે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના કામની પદ્ધતિમાં રહેલા differences ને તેમણે સુંદર રીતે સમજાવ્યું ને પોતાનો એક સ્પષ્ટ મંતવ્ય જણાવતાં તેમણે કહ્યું કે દરેક અભિનેતાએ જેમ નાટક કરીને સ્ટેજનો અનુભવ લેવો જોઈએ તે જ રીતે ક્યારેક ના ક્યારેક ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરીને અનુભવ લેવો જોઈએ જેથી કામમાં એ શિસ્તતા આવે. તેમની સાથે જલસોએ અલગથી પણ પોડકાસ્ટ કર્યો છે જે ખૂબ જ રસપ્રદ છે.
રોનક કામદાર
રોનક કામદારના જવાબો એકદમ રમૂજી અને સચોટ રહ્યા જેમાં તેમનું humour તો છલકીને આવ્યું જ સાથે સાથે તેમનું ફિલ્મો માટેનું dedication ને knowledge પણ. વર્ષ 2024માં આવેલી તેમની ફિલ્મો પ્રેક્ષકો સુધી પહોંચવામાં તો સફળ રહી જ સાથે સાથે રોનક કામદાર માટે લીડ અભિનેતા તરીકે સ્થાપિત કરવામા પણ સફળ રહી. સાથે સાથે તેઓ ગુજરાતી ફિલ્મોના માર્કેટિંગ માટે ખૂબ યુનિક ideas ધરાવે છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાયામાં રહેલા પ્રોબ્લેમ્સને તેઓ ખૂબ અદ્ભુત રીતે સમજે છે અને આ બધી વાતો સાંભળવાની ચોક્કસથી મજા આવશે.
ચેતન ધનાની
ચેતન ધનાની વર્ષોથી ગુજરાતી ફિલ્મોમાં આગવું નામ ધરાવે છે તે જ રીતે આ વર્ષે પણ તેમની આવેલી ફિલ્મોમાં તેમનું કામ અદ્ભુત રહ્યું. મજાકિયા સ્વભાવ સાથે જ તેમણે બધાને તેમના જવાબોથી ખૂબ હસાવ્યા અને ફિલ્મો વિષેની સુંદર સમજ પણ આપી. ચેતન ધનાનીએ એક સ્પષ્ટ મંતવ્ય આપતા જણાવ્યું કે ‘આપણે સૌએ આ ઇન્ડસ્ટ્રી માટે ઘણું કામ કરવાનું છે, ભલે કદાચ ફિલ્મો હજી પણ જોઈએ તેવી સફળ જતી નથી પરંતુ ફિલ્મોનું સ્તર તો ચોક્કસથી ખૂબ ઉપર આવ્યું છે તો તેને વધુ ને વધુ મહેનત સાથે, હાર્યા વગર લોકો સુધી પહોંચાડવાનું છે’
પરીક્ષિત તમાલીયા
પરીક્ષિત તમાલીયા કે જે વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મોના One of the most handsome Hero તરીકે પ્રચલિત છે તેમણે પણ તેમના એકદમ સચોટ જવાબોથી આ સંવાદને રસપ્રદ બનાવ્યો. તેમના મતે ફિલ્મોના પ્રમોશન માટે વર્ષોથી ચાલતી આવતી ટેકનિકસ કરતા દરેક ફિલ્મનું જુદી રીતે પ્રમોશન કરવું જોઈએ. તેમણે આ વાત સમજાવતા આગળ કહ્યું કે,’જરૂરી નથી કે કોઈ એક ફિલ્મ માટે જે રીત સફળ થઇ તેના માર્કેટિંગમાં તે બીજી ફિલ્મ માટે પણ થાય, ફિલ્મના પ્રકાર પ્રમાણે તેને જોવા માટનો વર્ગ જુદો જુદો હોય છે આપણે ટે રીતે જ જુદી જુદી મેથડથી પ્રમોશન કરવું જોઈએ.” સાથે સાથે ફિલ્મોમાં કામ કરવા અંગે તેમણે જણાવ્યું કે ગુજરાતી ફિલ્મો અન્ય રાજ્યોના લોકો માટે આમ એકદમ રસનો વિષય છે જ આપણે ક્યાંક વધુ ડીમોટીવેટ થઇ રહ્યા છે.
આવી તો અનેક મજેદાર વાતો આ સંવાદમાં થઇ છે તો જો તમે ગુજરાતી ફિલ્મોના ચાહક હોય તો ચોક્કસથી આ સંવાદ જુઓ જલસો પોડકાસ્ટ YT ચેનલ પર.