7 Years Of Jalso જલસો – ગુજરાતી સાહિત્ય અને સંગીતને સમર્પિત પ્રથમ એપ્લીકેશન.
જયારે એમ કહેવાતું કે ગુજરાતી કોઈ વાંચતું નથી, બધાને અંગ્રેજીનો મોહ લાગ્યો છે ત્યારે ભાષાને વ્હાલ કરતા, ભાષા સાથે જ વધારે અનુકુળ અને ભાષા સાથે કશુંક કરવા ઈચ્છતા અમારા જેવા બે ચાર લોકોને એક નવો વિચાર આવ્યો. માત્ર ગુજરાતી ભાષાને સમર્પિત હોય તેવું કંઈક હોવું જોઈએ. નૈષધ પુરાણી, અંકિત પટેલ, હાર્દિક શાસ્ત્રી અને ઉર્વશી શ્રીમાળી આ ચાર લોકો નાટક, વાર્તા, કવિતા અને સાહિત્યના રસિક હતા અને એને સંલગ્ન કામ કરતા હતા. તેમની આ ગમતી પ્રવૃત્તિને પ્રોફેશનલ રૂપ આપ્યું એક શ્રેષ્ઠી ઉદ્યોગપતિ અમમભાઈ શાહ અને તેમના ધર્મપત્ની બિનોતીબેન શાહે. આર્થિક કમાણી શૂન્ય હોવા છતાં માત્ર ભાષાપ્રેમને કારણે જલસોના વિચારને મૂર્તિમંત કર્યો. અને શરુ થઇ જલસોની આ સુમધુર સંગીતમય યાત્રા.
સૌપ્રથમ અમમભાઈ શાહના પરિવારજન અદિતિ શુક્લ ફોજદારને જલસોના પ્રોજેક્ટ હેડ તરીકે નિયુક્ત કર્યા. RJ તરીકે લોકપ્રિય એવા નૈષધ પુરાણીને જલસોના પ્રોગ્રામિંગ હેડ તરીકે નિયુક્ત કર્યા. જો કે જલસોના સ્થાપના કાળથી લઈને અત્યાર સુધીની જર્નીમાં સૌથી મોટો ફાળો નૈષધ પુરાણીનો છે, એટલે આ નામ આગળ પણ સતત તમને ક્યાંકને ક્યાંક દેખા દેશે.
જલસોની શરૂઆતથી આજ સુધી સાથે રહેલા ટીમ મેમ્બર અંકિત પટેલ, ઉર્વશી શ્રીમાળી અને હાર્દિક શાસ્ત્રી એ જલસોના બેકબોન બની રહ્યા છે. ધીમે ધીમે જલસોની પૂરી ટીમ ઉભી થઇ અને શરૂઆત થઇ એક સુંદર જર્નીની. જર્ની, ટીમ આ બધા શબ્દો પ્રોફેશનલ ટીમ માટે થોડા અજુગતા લાગે પણ જલસો એ હંમેશા એક પરિવાર તરીકે જ કામ કર્યું છે. જલસોનો દરેક ટીમ મેમ્બર અહી ઘર માને એવું વાતવરણ પહેલેથી જ રહ્યું છે.
જલસો જલસો થઇ રહ્યું છે ત્યારે મનમાં પ્રશ્ન જરૂર ઉદ્ભવે કે જલસો એટલે મૂળ છે શું ? જલસો મૂળ તો એપ્લીકેશન છે. અને માત્ર ગુજરાતી ભાષાને જ સમર્પિત હોય તેવી પ્રથમ અને એકમાત્ર એપ છે. જલસોમાં 20,000થી વધારે ગુજરાતી ગીતો, 80થી વધારે પોડકાસ્ટ, 500થી વધારે ગુજરાતી વાર્તાઓ જેનું અફલાતુન નાટ્યાત્મક વાંચન કરેલું છે. 100થી વધારે ગુજરાતી કવિઓની કવિતા કવિના પોતાના અવાજમાં છે જેમાંના ઘણા કવિઓની કવિતા માત્ર જલસો પર જ છે. આ થયો જલસોનો એકદમ ટૂંકો પરિચય. થોડક વધુ પરિચય હવે આપું.
સંગીત અને સાહિત્યને સમર્પિત એપ છે એટલે સ્વાભવિક છે કે સંગીતને લગતું કંઈક વિશેષ તો હોવાનું જ ને ? હા છે ને! જલસો Live Jamming. રમતરમતમાં શરુ થયેલું આ Live Jamming જલસોનું એક ઓળખ બની જશે એવું તો હકીકતમાં અમે પણ નહોતું વિચારેલું. કદાચ એમ કહું કે જલસોની સૌથી મોટી ઓળખ કઈ એવું કહેવું હોય તો 3 4 વસ્તુ છે એવી જે જલસોની ઓળખ બની ગઈ છે તેમાં Live Jamming અચૂક પણે આવે, બીજાની વાત આગળ કરીએ. અને આ Live Jamming ગુજરાતી સંગીતના દિગ્ગજ કલાકારો પરફોર્મ કરી ચુક્યા છે, જેમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ, પ્રફુલ દવે, અતુલ પુરોહિત, નયન પંચોલી, શ્યામલ સૌમિલ, દમયંતીબેન બરડોઈ અને ગુજરાતી સંગીતના લોકપ્રિય નામો જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે, ગીતા રબારી, આદિત્ય ગઢવી, પાર્થ ઓઝા, ભુમિક શાહ, એશ્વર્યા મજમુદાર અને સંગીત ક્ષેત્રના 175 થી વધારે કલાકારો Live Jamming માં પરફોર્મ કરી ચુક્યા છે, એ પરથી Live Jamming એ શું ચીજ છે, કેવી મજા હશે આ બધાને Live સાંભળવાની એનો અંદાજ લગાવી શકો છો !
જલસોની શરૂઆત થઇ એના પાયામાં રહેલી એક વસ્તુ એટલે વાચિકમ. જલસોને સામાન્ય લોકો સુધી પહોંચાડનાર વાચિકમ. વાર્તા તો કોને ન ગમે? નાનપણથી સાંભળતા આવતા હોય તે વાર્તા સુંદર રીતે સંગીત સાથે પ્રસ્તુત થાય એમાં તો કેવી મજા આવે ? અને આ મજા ગુજરાતી લોકોએ બહુ જ લીધી, વાચિકમને એટલું લોકપ્રિય બનાવ્યું કે એનો હરખ જ માતો નથી. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ વાર્તાઓ પ્રથમવાર આ રીતે રજુ થઇ, મેઘાણી, ધૂમકેતુ, બક્ષી, મડિયા, જયંત ખત્રી, હિમાંશી શેલત, માય ડીયર જયુ હોય કે પછી કિરીટ દુધાત, વિજય સોની, રામ મોરી એ સર્વે વાર્તાકારોની વાર્તા જલસો પર સાંભળવા મળે. ગમતા કલાકારો, ગમતી વાર્તાઓ સાથે જલસો જ જલસો.
સંગીત સાથે સંલગ્ન હોવાથી ફિલ્મો સાથેનું જોડાણ થઇ જ જવાનું. અને એ જોડાણ એટલું આત્મીય રીતે થયું કે એના પરિણામે ‘શુદ્ધ દેશી સંવાદ’ જેવો એક સરસ મજાનો ટોક શો શરુ થયો. ‘કેશ ઓન ડીલીવરી’, મલ્હાર ઠાકરની આ ફિલ્મથી શરુ થયેલો ‘શુદ્ધ દેશી સંવાદ’ ટોક શોનાં આજે 50થી વધારે એપિસોડ થઇ ચુક્યા છે. ગુજરાતી ફિલ્મજગતના દિગ્ગજ કલાકરો આ ટોક શોનો હિસ્સો રહી ચુક્યા છે એનો અનેરો આનંદ છે. જોની લીવર, ડેઈઝી શાહ, સુજાતા મહેતા, દીપિકા ચીખલીયા, કિરણ કુમાર જેવા હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા દિગ્ગજોની હાજરીથી જલસો શોભી ઉઠ્યું છે. આ ટોક શોથી જલસો એ ગુજરાતી ફિલ્મ જગતમાં અનેરું સ્થાન મેળવ્યું છે.
આ તો જલસોના અમુક પાસાઓ વિશે વાત થઇ, આવું તો ઘણું બધું છે જેના વિષે વાત કરવામાં પાનાઓના પાના ભરાય એટલું લખી શકાય તેમ છે. ગુજરાતના ઈતિહાસને પોડકાસ્ટ રૂપે રજુ કરવાનું બહુ મોટું સાહસ અમે કર્યું છે. તો સામે બાળકો માટે સ્પેશિયલ વિભાગ છે, જેમાં બાળવાર્તાઓ, બાળગીતો, પૌરાણિક કથાઓ અને એ સિવાય પણ ઘણું બધું. અને આની સૌથી મહત્વની વાત એ છે કે બાળકો માટેની આ બધી જ પ્રવૃત્તિ જલસોના સીનીયર Artist હાર્દિક શાસ્ત્રીએ એકલે હાથે પાર પાડ્યું છે.
જલસોમાં સાહિત્ય અંગે તમે ક્યાય પણ ન જોયેલું કોન્ટેન્ટ જલસો પર તમને મળી જ જશે એવો જો દાવો કરીએ તો લગભગ એ ખોટો નહિ પડે. એની પાછળ પણ એક કારણ છે. જલસો એ કોઈ મિશન, ટાર્ગેટ કે ગોલ લઈને નથી ચાલતું. અમારું મુખ્ય ધ્યેય છે ભાષા, સંગીત અને સાહિત્યની એક પરંપરા ઉભી કરવી. આજે અમે છીએ કાલે કદાચ કોઈ બીજું હશે, પણ જલસો એ ઉભી કરેલી પરંપરા હમેશા જીવિત રહે એવા એકમાત્ર આશયથી કામ કરતા હોવાથી અમારો એ પ્રયત્ન સતત રહે છે કે સાહિત્યમાં શક્ય હોય એ પીરસીએ. હાલમાં વાર્તા અને કવિતા એ જલસોમાં સતત ઉમેરાતું જાય છે, નવા નવા વિષયોના પોડકાસ્ટ, એ ધાર્મિક હોય, ટેકનોલોજી વિષયક હોય, કથા સાહિત્ય હોય કે કોઈપણ વિષયમાં બાંધી ન શકાય એવા પોડકાસ્ટ પણ અમે કરીએ છીએ.
જલસોના 7 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે જલસોનો બહુ ટૂંકો પરિચય આપવાનો આ પ્રયાસ માત્ર છે, જલસો એટલે માત્ર અહી લખ્યું એ જ નથી. અને જલસો એપમાં છે એટલું પણ નહિ. જલસો એ લાગણીઓ છે, જલસોએ પરિવારની ભાવના છે. જલસો એ ગુજરાતી ભાષાનું એક એવું ઠેકાણું છે ક્યાં 6 કરોડ ગુજરાતીઓ એક રાહતનો શ્વાસ લઇ શકે કે કોઈ છે જે મારી ભાષા માટે કૈક કરી રહ્યું છે. અમેરિકા કેનેડામાં વસતા ગુજરાતીઓ જયારે LJ સાંભળતા સાંભળતા કમેન્ટ કરે ત્યારે અમને અમારા પ્રયત્નોનું ફળ મળી રહ્યાની લાગણી થતી હોય છે. અને આશા છે કે અમારા આ પ્રયત્નોમાં આપ હમેશા અમારી સાથે રહીને આપણી ભાષા માટેની આ કામગીરીમાં સહયોગ કરશો, અને એ સહયોગ એટલે સાંભળતા રહો જલસો – માત્ર ગુજરાતી સાહિત્ય અને સંગીતને સમર્પિત એકમાત્ર એપ.
આ એપ ડાઉનલોડ કરવા માટે આ રહી લિંક – લિંક