ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી હરિશ મીનાશ્રુને ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત થવા બદલ હાર્દિક અભિનંદન.
ગુજરાતી કવિતામાં આધુનિક યુગ પછી કેટલાક મહત્ત્વના કવિઓમાં હરીશ મીનાશ્રુ મુખ્ય કવિઓમાં ગણી શકાય એવું નામ છે. તેમનું નોંધપાત્ર સર્જન એટલે ‘ધ્રિબાંગસુંદર એણીપેર ડોલ્યા’, ‘સુનો ભાઈ સાધો’, ‘તાંબૂલ’, ‘પર્જન્યસૂક્ત’, ‘પદપ્રાંજલિ’, ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’, ‘બનારસ ડાયરી’, ‘નચિકેત સૂત્ર’, અને ‘કુંભલગઢ’ વગેરે કાવ્યસંગ્રહો છે. તદુપરાંત તેમણે ‘દેશાટન’, ‘હમ્પીના ખડકો’ અને ‘સન્નિધાન’ જેવાં કાવ્ય અનુવાદના પુસ્તકો આપ્યા છે. એક રીતે તેમનું સાહિત્ય સર્જન સાતત્યપૂર્ણ રહ્યું છે. હરીશ મીનાશ્રુના સાહિત્ય સર્જનની શરૂઆતના સમયે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા અને આધુનિક કવિઓ વિશેષ નોંધપાત્ર હતા. એ સૌની વચ્ચે તેમણે પોતાનું નીજી વ્યક્તિત્વ તેમની કવિતાના માધ્યમથી ઘડ્યું. તેમની કવિતા વિષય-ભાષા અને અભિવ્યક્તિરીતિમાં પણ અવનવાં રૂપે વિકસતી રહી છે.
તેમનો જન્મ આણંદમાં થયો હતો. તેમનું વતન આણંદ જિલ્લાનું કણજરી (કંજરી) ગામ છે. એમના પિતાનું નામ ક્રિષ્ણરામ દવે અને માતાનું નામ લલિતાબહેન. મીનાશ્રુ તેમનું તખલ્લુસ નામ છે. એકવાર આ નામ વિશે પૂછતા તેમણે કહેલું કે ‘હરીશ દવે અને હરીન્દ્ર દવે બંને સરખા લાગતા તખલ્લુસ મીનાશ્રુ રાખી દીધું.’ તેઓ હાલ વલ્લભ વિદ્યાનગરમાંરહે છે. સાહિત્યની સરવાણી તેમને નાનપણથી જ ફૂટી હતી.
ગુજરાતીના શિક્ષક શ્રી જ્હોનભાઈ મેકવાને શાળાના નોટીસ બોર્ડ પર લખવા કવિતા લખવા કહ્યું ને કવિતા લખી. પછી તો લખવાનું થયા કર્યું. તેમની કાવ્ય પ્રતિભામાંથી પહેલું કાવ્ય ‘ચાડીયાનું દુષ્કાળ ગીત’ રચાયું. આ કવિતાને તેમણે ‘નૂતન શિક્ષણ’ સામયિકમાં મોકલી અને બીજા જ મહિને કવિતા છપાઈ અને તેઓ અત્યંત ખુશ થયા. પછી તો કવિએ અનેક રચનાઓ લખી, છપાઈ અને ક્યારેક ન પણ છપાઈ, પણ ન છપાઈ એનો તેમને જરાપણ ખેદ નહોતો. કેમકે જે કૃતિ નહોતી છપાતી તેમાં સાંત્વના પાઠવતા શબ્દો આવતા. જેણે સતત કવિને લખતા રહેવા પ્રેરિત કર્યા. બહેન પુસ્તકાલયમાંથી વિવિધ પુસ્તકો અને સામયિકો લાવતાં. તેમાં એકવાર માત્ર કવિતાનું સામયિક ‘કવિલોક’ લઈને આવ્યા, માત્ર કવિતાનું જ સામયિક હોય એવું પહેલીવાર તેમને જાણવા મળ્યું અને તે કવિતાઓમાંથી વાંચતા લાગ્યું કે આવી કવિતા તો હું પણ લખી શકું!
તેમના ઘરે થતા સત્સંગે પણ તેમના ઘડતરમાં વિશેષ ફાળો આપ્યો છે. તેમના ઘરે થતી રોજ સવારની પ્રાર્થના, ભજન, કીર્તન, ગુરુમહિમા વગેરેના પ્રભાવથી કવિની અધ્યાત્મખોજની ભાવના સતત બળવાન બનતી ગઈ. આ કારણે તેમની કવિતામાં અધ્યાત્મિકતાનો ભાવ વિશેષ જોવા મળે છે. આ સાથે કવિ તરીકેની પ્રતિભા ખીલવવામાં આણંદના સર્જક મિત્રોની સોબત પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ.
કેમેસ્ટ્રી વિષયમાં MSC કરનાર કવિ બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતા એ દરમિયાન પણ તેઓ કવિતાથી દૂર રહી શક્યા નહોતા. 2001ની સાલમાં સ્વેચ્છીક નિવૃત્તિ લઈ હાલમાં માત્ર સાહિત્ય અને કળા માટે સમર્પિત રહે છે. હાલના સમયના શ્રેષ્ઠ કવિઓમાં તેમની ગણના થાય છે.
તેમના પુસ્તકો અનેક પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે, જેમાં ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’, ‘કલાપી એવોર્ડ’ ‘આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ’, ‘નાચિકેત સૂત્ર’ને ‘કુસુમાંજલિ સાહિત્ય સન્માન’ અને ‘બનારસ ડાયરી’ માટે વર્ષ 2020નું ‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર’ અને હવે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ એનાયક થતા તેમની કીર્તિમાં વધુ એક પીંછું ઉમેરાયું.
પ્રો. ગુણવંત વ્યાસ હરીશ મીનાશ્રુની વાત કરતા કહે છે કે, ‘અનુઆધુનિક કાળમાં જે નવા પ્રવાહો વિકસ્યા એમાં ભારોભાર વિડંબનાના સૂરમાં વાત કરતા થોડા કવિઓમાં વિશેષ ધ્યાનપાત્ર કવિ એટલે હરિશ મીનાશ્રુ. વિડંબના દ્વારા બૃહદ માનવધર્મનું સંવેદન આલેખતા કવિ એનાં ભાવ, ભાષા, રીતિ અને અભિવ્યકિતથી સમકાલીન પ્રવાહોથી જુદા પડે છે.’
અને એનું પ્રમાણ જોઈએ તો વાંચો આ કવિતા.
મારું ચાલે તો ફરી ગિરવે મૂકું કેદારને,
બે ઘડી ભજવી લઉં નરસિંહના કિરદારને.
મારું ચાલે તો ફરી ઝંખું અમૂલખ હારને,
એ બહાને વ્હાલથી ભાંડી લઉં કિરતારને.
મારું ચાલે તો હું ઢંઢોળું ભુજગશયને સૂતા,
આ સકળ સૃષ્ટિ થકી નિર્લેપ શાંતાકારને.
મારું ચાલે તો વસું બે પુષ્પદલ મધ્યે જઈ,
ને કવિતાવત્ શ્વસું સુરભિને, અધ્યાહારને.
મારું ચાલે તો કરી દઉં હું રૂવાબી રૂપિયો,
આ વગોવાઈ ગયેલા શુંશાં પૈસા ચારને.
મારું ચાલે તો ન ડંખે જોડણી કો શબ્દને,
આગ ના ડંખે કદાપિ કોઈ ગ્રંથાગારને.
મારું ચાલે તો હું વ્યાકુળ અન્નપૂર્ણા બીજનાં,
શસ્યશ્યામલ સ્વપ્નથી અભરે ભરું કોઠારને.
મારું ચાલે તો કમલતંતુ કરી દઉં તીરને,
તૃણની પત્તી થવા વિનવું પછી તલવારને.
મારું ચાલે તો બને સૌનું વતન આ વિશ્વ જ્યાં,
સરહદો સિમ સિમ ખૂલે,રોકે ન પદસંચારને.
મારું ચાલે તો બધાંયે ઘર ઉમળકે ઊઘડે,
એ પહેલાં કે કોઈ મારે ટકોરા દ્વારને.
મારું ચાલે તો- ન ચાલે તોય- મક્તામાં અહીં,
હું ભણું ભડલી વચન: શાતા વળો સંસારને.
બ્રહ્માની સૃષ્ટિ ન ગમે તો કવિ તેની ત્રુટિઓ દૂર કરીને પોતાની આગવી સૃષ્ટિ રચી આપે. આ ગઝલમાં આદર્શ વિશ્વની કલ્પના કરાઈ છે. સગવડ ખાતર આપણે નરસિંહને આદિકવિ ગણીએ છીએ. અધ્યાત્મ, પદલાલિત્ય, રસોત્કટતા, ભક્તિ, ગેયતા જેવી લાક્ષણિકતાઓને લીધે નરસિંહ કવિઓનો આદર્શ રહ્યો છે. આ ગઝલના કવિ પણ ‘બે ઘડી’ પૂરતા નરસિંહ થવા ઇચ્છે છે- જાણે સ્વીકારતા ન હોય કે જીવનભર નરસિંહ બનવું તો અશક્ય છે. દ્રવ્યની જરૂર પડતાં નરસિંહે પોતાનો પ્રિય રાગ કેદાર શાહુકાર પાસે ગિરવે મૂક્યો હતો. તે જમાનાનું વાતાવરણ ખડું કરવા જ કવિએ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો હશે, બાકી પોતાની કવિતા ગિરવે મૂકવાની ઇચ્છા કોઈ શું કામ કરે? આમ, ગુજરાતી ભાષાના એક આલા દરજ્જાના કવિ ગૌરવ પુરસ્કારથી સન્માનિત થાય ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતી તરીકે આપણે પણ હરખાઈએ. તેમની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ તેમના અવાજમાં જલસો પર છે, તેનો આનંદ છે.