હસમુખ બારાડી, આ નાટ્યકાર એ સંઘર્ષનું પ્રતિક છે. આજીવન નાટક માટે સંઘર્ષ કરનાર આ વ્યક્તિએ ન માત્ર નાટક પરંતુ અંગત જીવનમાં પણ બહુ સંઘર્ષ કર્યો હતો. મોટા ભાગે એવું બનતું હોય છે કે સર્જક કોઈને કોઈ એવોર્ડથી પોંખાય કે પ્રજા તરફથી લોકપ્રિયતા પામે. અહીં હસમુખ બારાડીએ લોકભોગ્ય સર્જન ન કરતા હંમેશા પ્રયોગશીલ અને કશુંક હટકે પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે બની શકે કે અન્ય નાટ્યકારો જેટલા કમર્શિયલી સફળ નાટકો તેમના ન હોય. કેમ કે તેઓ તેમના નાટકોમાં પ્રયોગને વધારે પ્રાધાન્ય આપતા હતા. અને પ્રયોગશીલતા અને લોકભોગ્યતા એક સાથે તો ન હોય ને! વિશ્વમાં લખાયેલા શ્રેષ્ઠ નાટકોના અનુવાદો તેમણે બહુ ઉત્તમ રીતે કર્યા છે. રશિયામાં નાટકની તાલીમ લીધી હોવાથી સ્વાભાવિક છે કે તેમને નાટકની સમજ બહુ આલા દરજ્જાની હતી. પાછળથી તેમણે થીએટરની તાલીમ માટે થીએટર મીડિયા સેન્ટર નામની તાલીમી સંસ્થા પણ સ્થાપી.
કોઈપણ નાટ્યકાર પ્રયોગશીલતા અને નવીનતાને વરેલા હોય એટલે એમાં કશુંક અસામાન્ય હોય જ. નાટકમાં અસામાન્ય કરવા માટે જાણીતા હસમુખ બારાડીના અનુવાદો વિશે ઘણું બધું લખી શકાય એમ છે. રશિયન સાહિત્યના પરિચયમાં આવ્યા બાદ તેમણે અનેક રશિયન નાટકોને ગુજરાતી ભાષામાં અનુવાદિત અને રૂપાંતરિત કર્યા. નાટકના અનુવાદનું કામ રશિયન ભાષાની આંગળી જાલી ચાલુ કરેલું એ પછી તે કામ યુરોપિયન સાહિત્ય અને વિશ્વ સાહિત્ય સુધી વિસ્તર્યું. એમાં એક વખત વિશ્વ સાહિત્યના મહાન સર્જકોમાં સુમાર કાફકાની એક કૃતિ તેમને હાથવગી થઇ. ફ્રાન્ઝ કાફકાની અમર કૃતિ ‘ધ ટ્રાયલ’ પરથી તેમણે ‘જોસેક કે.નો મુકદ્દમો’ નામે એક નાટક તૈયાર કર્યું.
આ થઇ એક વાત, હવે બીજી વાત. વાત છે 1984 આસપાસની. એ સમયે ‘ગુજરાત રાજ્ય સાંસ્કુતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડ’ નામનું નિયમનકારી બોર્ડ વિવાદમાં આવ્યું. આ બોર્ડનું કામ હાલના ફિલ્મ સેન્સર બોર્ડ જેવું હતું. આ બોર્ડનું કામ એ હતું કે કોઈપણ નાટકને રજુ કરતા પહેલા એ નાટકની સ્ક્રીપ્ટ આ બોર્ડને બતાવવાની, એ સૂચવે એ ‘કટ’ કરવા અને રજુ કરતા પહેલા પોલીસની મંજુરી લેવી! નાટ્યકાર હિરેન ગાંધીએ ‘ઇતિહાસની બીજી બાજુને’ નામે નાટક તૈયાર કર્યું હતું. આ નાટક શહીદ ભગતસિંહના જીવન, કાર્ય અને વિચારધારાને રજુ કરતું હતું. સાડા ચાર કલાકનું આ ફૂલલેન્થ નાટક હિરેન ગાંધીનું નાટ્યલેખક, દિગ્દર્શક તરીકે આ પહેલું જ નાટક હતું. અને ઉપર જણાવેલ નિયમ મુજબ હિરેન ગાંધીએ પણ આ પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું. 51 માં દિવસે ‘નાટકનો આત્મા મારી જાય’ તેવા કટ સાથે સ્ક્રીપ્ટ પરત મળી. તેમણે લડત ચલાવીને કટ વગર જ નાટક રજુ કર્યું. આ નાટક તો રજુ થઇ ગયું. પછી લડત પણ મંદ પડી. થોડા સમયમાં બધું વિસરાય ગયું.
હસમુખ બારાડીની કલાકાર માટેની સ્વતંત્રતાની લડતથી આ પ્રકરણ ફરીવાર ખુલે છે. બારાડીએ ‘ગેરેજ સ્ટુડિયો થીએટર’ના નેજા હેઠળ કાફકાની મહાન કૃતિ ‘ધ ટ્રાયલ’ પરથી ‘જોસેફ કે.નો મુકદ્દમો’ નામે નાટક તૈયાર કર્યું હતું. રા.વી.પાઠકના પુત્રવધુ પ્રભાબેન પાઠકના બંગલાના ગેરેજમાં નાટ્યપ્રવૃત્તિ ચાલતી હોવાથી હસમુખ બારાડીએ તેને ‘ગેરેજ સ્ટુડિયો થીએટર’ નામ આપેલું.
એ આખી ઘટના હસમુખ બારાડીના શબ્દોમાં. ‘ત્રણ વરસ પહેલાં (આ 20 મી સદીના છેલ્લા દાયકાની શરૂઆતની વાત છે) જર્મન લેખક ફ્રાન્ઝ કાફકાની નવલકથા “ટ્રાયલ” પરથી અમે “જોસેફ કે.નો મુકદ્દમો” નામે એક નાટક તૈયાર કર્યું. અને પ્રથમ શૉ થઈ ગયા પછી, રાજ્યના ‘સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડે અમને અગાઉ મોકલેલી સ્ક્રીપ્ટમાં ‘કટ’ સૂચવ્યા ! અમે એ ‘કાપકૂપ’ ન સ્વીકારી, બોર્ડના સભ્યોને અને અન્ય મિત્રોને નિમંત્રી બીજો શો કર્યો. એમાં ‘એ કાપકૂપની જરૂર નથી’ એવું બોર્ડના હાજર સભ્યોએ સ્વીકાર્યું, મિત્રોએ બોર્ડની ટીકા કરી, અમે ફરી એનો શો કર્યો.
બોર્ડના મંત્રીશ્રીએ એ વિશે ખુલાસો કર્યો કે નાટકમાં (મૂળે તો જર્મન નવલકથામાં) ન્યાયાધીશ કંટાળાજનક કેસ હોય ત્યારે કાયદાનાં પુસ્તકોમાં પોતાને ગમતી (સ્ત્રીઓની નગ્ન) તસ્વીરો જુએ છે એવો ઉલ્લેખ હોવાથી બોર્ડના વિદ્વાન પરીક્ષકને લાગ્યું કે અમે એ તસ્વીરો કદાચને લોકોને બતાવીએ તો ? આપણાં પ્રેક્ષકોને એ કેવું લાગે ? અમારી નહીં, એમની ‘નીતિમત્તા’નું શું થાય ? અમારે હાથે રંગભૂમિ જેવી કલાનું કેટલું પતન થાય ! અને ‘સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ’ એમાં ભાગીદાર બને, તો ગુજરાતની સંસ્કૃતિ કેટલી રસાતાળ જાય ! બોર્ડના સન્માન્ય સભ્યો સંસ્કૃતિના પહેરેગીર’ તરીકે નિમાયા છે, એમના વિશેય લોકો આંગળી ના ચીંધી બેસે ? ફ્રાન્ઝ કાફકાની નવલકથા હોય, જર્મન જ વાતાવરણ હોય તોય, આ રાજ્યનાં લોકોનું એક એમેટર નાટ્યજૂથને હાથે નૈતિક અધઃપતન ન થઈ જાય ?
ટૂંકમાં એ પછી અમે નાટ્યક્ષેત્રના અગ્રેસરો-સર્વશ્રી ચંદ્રવદન મહેતા, જશવંત ઠાકર, લાભશંકર ઠાકર સમક્ષ ધા નાંખી; અખબારોમાં લખ્યું, સભાઓ ભરી, ગુજરાતભરમાંથી કલાકારોની સહીઓ એકઠી કરી, વર્તમાન સાંસ્કૃતિક અને મુખ્ય પ્રધાનને મળ્યા. એની સિલસિલાબંધ હકીકતો વગેરે આજે ય અમારી પાસે સલામત છે. અને બોર્ડ પણ સલામત છે, એટલે ગુજરાતી નીતિમત્તા ટકી રહી છે !’
હસમુખ બારાડીએ તો ઘણું લાંબુ લખ્યું છે, પણ આ વાત મહત્વની હતી. તેમણે કઈ આર્થિક લાભ માટે આ વાત લખી હતી? એવોર્ડ જોઈતા હતા? સરકારી સંસ્થાનમાં પદ જોઈતું તું? ના ના એમને તો જોઈતી હતી કલાકારની સ્વતંત્રતા. સ્વતંત્રતાથી વિશેષ કશું જ નહિ.
તેમણે જ કહ્યું હતું, મૂળ મુદ્દો ‘નાટ્યક્ષેત્રની સ્વાયત્તતાનો, નાટયકલાના ગૌરવનો છે. એનાં ત્રણ ચાર પાસાંઓ છે : (૧) ફિલ્મ અને મુદ્રણનાં માધ્યમમાં પ્રિ-સેન્સરશીપ નથી, (૨) નિર્માણ’ પછીના પોલીસ કાયદાઓ પૂરતા છે, (૩) નાટકની સ્ક્રીપ્ટ જોવાય છે, જ્યારે વાચન વખતે એ સંવાદો નિર્દોષ લાગી શકે, (૪) સ્ક્રીપ્ટ તપાસ પ્રિ-સેન્સરશીપ બની જાય છે, (૫) નાટક જાહેર પ્રયોગ ગણાય છે, તો જાહેર સભામાં શું બોલવું એની સ્ક્રિપ્ટ તપાસાતી નથી, તપાસવી ન જ જોઈએ. તો નાટકની કેમ તપાસાય છે ? (3) મૂળે તો એનો પોલીસ કાયદો જ બદલવાની જરૂર છે, જાહેરસભાની જેમ એની માહિતી પોલીસને મળે, તેઓને વાંધાજનક લાગે, તો પોલીસ કાનૂની રાહે પગલાં લે, અન્ય કિસ્સાઓની જેમ, (૭) એ વખતે રાજકીય દૃષ્ટિએ નાટકોની વસ્તુ તપાસવી હોય તો એ ભલે તપાસે કારણ કે ફિલ્મો કે અખબારોમાં વિરોધી સૂર આપણે સહન કરી શકીએ, સભાઓમાં કરી શકીએ પણ નાટકમાં કેમ સહન ન થાય ?