સુમન કલ્યાણપુર : મધુર સ્વરની અનોખી સફર
ભારતીય સંગીત જગતમાં કેટલીક એવી ગાયિકાઓ છે જેમણે પોતાની અનોખી ગાયકી અને મધુર અવાજથી સંગીતપ્રેમીઓના હૃદયમાં કાયમી સ્થાન મેળવ્યું છે. એવી જ એક પ્રતિભાશાળી ગાયિકા છે સુમન કલ્યાણપુર. હિન્દી અને મરાઠી ફિલ્મોના પાર્શ્વગાયન ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન અવિસ્મરણીય છે.
સુમન કલ્યાણપુરનો જન્મ 28 જાન્યુઆરી, 1937ના રોજ ઢાકા (તત્કાલીન બ્રિટીશ ઇન્ડિયા, હાલ બાંગ્લાદેશ) ખાતે થયો હતો. તેમનું મૂળ નામ સુમન હેમાડી હતું. તેમના પિતા શંકર રાવ હેમાડી કર્ણાટકના મેંગલોર સાથે જોડાયેલા એક પ્રતિષ્ઠિત સારસ્વત બ્રાહ્મણ પરિવારના સભ્ય હતા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઉચ્ચ પદ પર કાર્યરત હતા. તેમના પરિવારને લાંબા સમય સુધી ઢાકામાં રહેવાનું થયું, જ્યાં પાંચ બહેનો અને એક ભાઈ સાથે સુમનનો ઉછેર થયો. તેઓ પરિવારના સૌથી મોટા સંતાન હતાં.
વર્ષ 1943માં તેમનું કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું. બાળપણથી જ તેમને સંગીત અને ચિત્રકળામાં વિશેષ રસ હતો. મુંબઈની પ્રખ્યાત કોલમ્બિયા હાઇસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકળાનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લેવાનું શરૂ કર્યું. પ્રખ્યાત સંગીતકાર પંડિત કેશવરાવ ભોલે પાસેથી તેમણે સંગીતના પ્રાથમિક પાઠ શીખ્યા. શરૂઆતમાં માત્ર શોખ માટે ગાવાનું શરૂ કરનાર સુમનજી ધીમે ધીમે સંગીત તરફ વધુ આકર્ષાયા અને પછી ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન તથા ગુરુજી માસ્ટર નવરંગ જેવા પ્રતિષ્ઠિત ગુરુઓ પાસેથી વ્યાવસાયિક તાલીમ મેળવી.
તેમની પાર્શ્વગાયનની સફર મરાઠી ફિલ્મોથી શરૂ થઈ હતી. જોકે તેમની પ્રથમ ફિલ્મ પૂર્ણ થઈ શકી નહોતી. ત્યારબાદ સંગીતકાર નૌશાદે તેમને તલત મહેમૂદ સાથે ફિલ્મ ‘દરવાજા’ (1954) માટે યુગલગીત ગાવાની તક આપી. “એક દિલ દો હૈ તલબગાર…” જેવા ગીતથી તેમણે ફિલ્મી સંગીત ક્ષેત્રે પ્રવેશ કર્યો. ત્યારબાદ ફિલ્મ ‘મંગૂ’માં ગાયેલું “કોઈ પુકારે ધીરે સે…” પણ લોકપ્રિય બન્યું.
લગ્ન બાદ સુમન હેમાડી, સુમન કલ્યાણપુર તરીકે જાણીતા બન્યાં. 1960ના દાયકામાં તેમણે અનેક યાદગાર ગીતો ગાયાં, જેમાં ‘ન તુમ હમેં જાનો’, ‘જૂહી કી કલી’, ‘અજહું ન આયે બાલમા’, ‘બુઝા દિયે હૈ ખુદ અપને હાથોં’, ‘મેરે મહેબૂબ ના જા’ અને ‘શરાબી શરાબી યે સાવન કા મૌસમ’ જેવા ગીતો ખાસ ઉલ્લેખનીય છે. તેમના અવાજમાં લતા મંગેશકરની છાંયાનો અહેસાસ થતો હોવા છતાં તેમણે પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી હતી.
હિન્દી ફિલ્મો ઉપરાંત સુમન કલ્યાણપુરે મરાઠી ભાવગીતો અને ભક્તિગીતોમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતી, બંગાળી, આસામી, કન્નડ, ભોજપુરી, મૈથિલી, રાજસ્થાની, ઉડિયા અને પંજાબી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ગીતો ગાઈ પોતાની પ્રતિભાનો વ્યાપ વિસ્તૃત કર્યો.
વર્ષ 1969માં તેમણે ન્યૂયોર્કમાં પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્ટેજ શો કર્યો હતો. જોકે 1976માં માતાના અવસાન બાદ અને પતિના વ્યવસાયિક કારણોસર તેમણે ફિલ્મોમાં ગાવાનું પ્રમાણ ધીમે ધીમે ઘટાડ્યું. તેમ છતાં સંગીત પ્રત્યેનો તેમનો લગાવ ક્યારેય ઓછો થયો નહીં. તેઓ નિયમિત રિયાઝના આગ્રહી રહ્યા અને ભજન ગાવામાં વિશેષ રસ ધરાવતા હતા.
સુમન કલ્યાણપુરનો સ્વભાવ અત્યંત સાદો અને ધાર્મિક રહ્યો છે. તેમને ચિત્રકળાનો પણ વિશેષ શોખ છે અને તેઓ ઇન્ટરવ્યૂ તથા જાહેર પ્રચારથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમની સાદગી અને સંગીત પ્રત્યેની નિષ્ઠા તેમને અન્ય કલાકારોથી અલગ બનાવે છે.
તેમના સંગીતક્ષેત્રના અમૂલ્ય યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. હિન્દી ફિલ્મોમાં શાસ્ત્રીય ગીતો માટે તેમને ત્રણ વખત સૂરસિંગાર સંસદ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2009માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લતા મંગેશકર એવોર્ડ, 2022માં મિર્ચી મ્યૂઝિક લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, 2023માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ અને 2024માં મહારાષ્ટ્ર ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
સુમન કલ્યાણપુર માત્ર એક ગાયિકા નથી, પરંતુ ભારતીય સંગીતની એક અમૂલ્ય ધરોહર છે. તેમનો મધુર અવાજ આજે પણ સંગીતરસિકોના હૃદયમાં ગુંજતો રહે છે અને આવનારી પેઢીઓને સંગીત માટે પ્રેરણા આપતો રહેશે.









