સમંદર કે દરિયો જે કહો એ. હંમેશા માણસના આકર્ષણનો વિષય રહ્યો છે. પ્રકૃતિના સૌથી સુંદર તત્વમાંનો એક એવો દરિયો આ પૃથ્વીનો પોણો ભાગ રોકે છે. અંતરીક્ષમાં ક્યાંય સુધી પહોંચેલો માણસ હજુ દરિયાની ગહેરાય સુધી નથી પહોંચી શક્યો. સાહસની વાત આવે એટલે આપણે ગુજરાતી થોડા પાછા પડીએ ખરાં. ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો, આશરે 1600 કિમી ગુજરાત પાસે હોવા છતાં આપણી પાસે દરિયાઈ રમતો નથી. ગુજરાતી સાહિત્યમાં પણ દરિયાઈ સાહસ કથા આંગળીને વેઢે ગણી શકાય એમ છે. ગુણવંતરાય આચાર્ય જેવા સર્જક દરિયાઈ નવલકથાના કારણે જાણીતા બન્યા હોય. અન્ય સર્જકો છે પરંતુ દરિયાઈ સાહસ કથા એટલે ગુણવંતરાય આચાર્ય. જયારે સાહિત્ય જેવા વિષયમાં દરિયાઈ ખેડાણ આટલું ઓછુ થયું હોય ત્યારે ફિલ્મ જેવા અતિશય મહેનત માંગી લેતા અને ખર્ચાળ માધ્યમમાં દરિયાઈ કથાઓ નિરૂપતી ફિલ્મો ઓછી બને એમાં તે શી નવાઈ !
કોઈ સામાન્ય ગુજરાતીને પુછો કે જેમાં દરિયો હોય એવી કેટલી ગુજરાતી ફિલ્મો યાદ છે ? આજે પૂછો જવાબમાં વિશાલ વડાવાલાની ‘સમંદર’ ફિલ્મનું નામ મળે. અને જો એ ફિલ્મના અઠંગ ચાહક હશે તો બીજા બે ચાર નામો આપશે. પણ એ બે ચાર નામોથી વધારે ગુજરાતી ફિલ્મોમાં દરિયો છે જ નહીં. તો એ બે ચાર નામો ક્યાં?
સૌથી પહેલા વાત કરીએ ‘સમંદર’ની. આજની ગુજરાતી ફિલ્મ ઇન્સ્ટ્રીના સૌથી હોનહાર ફિલ્મમેકર પૈકીના એક એવા વિશાલ વડાવાલા દ્વારા લિખિત – દિગ્દર્શિત ‘સમંદર’ હજુ હમણાં જ રીલીઝ થઇ. મયુર ચૌહાણ અકા માઈકલ જેવા શાનદાર અભિનેતાની સાથે જગજીતસિંહ વાઢેર, ધર્મન્દ્ર ગોહિલ, ચેતન ધાનાણી, રિવા રાચ્છ, દીક્ષા જોશી જેવા કલાકારોએ આ ફિલ્મના નોંધપાત્ર કામ કર્યું છે. આ ફિલ્મનું મહત્વનું પાસું તેનું સંગીત છે. બી. પ્રાકનું ‘તું મારો દરિયો..’ તો રીલીઝ થતા જ સુપરહીટ થયું. એ સિવાય આદિત્ય ગઢવીનું ‘માર હલેસા’ જેવા ગીતોએ પ્રમાણમાં સારું ધ્યાન ખેંચ્યું છે. અને આ ગીતોના સંગીતકાર એટલે સુપરહિટ ગીતોની જુગલ જોડી કેદાર – ભાર્ગવ.
ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી સુપરહિટ ફિલ્મોના નામ લેવા હોય તો તેમાં ‘જેસલ-તોરલ’ નામ અચૂક લેવાય. 1968 માં પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ બની ‘લીલુડી ધરતી’ એ પછીની બીજી રંગીન ગુજરાતી ફિલ્મ ગુજરાતની ખુબ જાણીતી લોકકથા પરથી બનેલી તે ‘જેસલ તોરલ’. 1971 ના વર્ષમાં રીલીઝ થયેલી જેસલ તોરલ ફિલ્મ રવીન્દ્ર દવે દ્વારા નિર્દેશિત થયેલી. ઉપેન્દ્ર ત્રિવેદીના લીડ રોલ સાથે નાયિકા બન્યા અનુપમા. એ સિવાય અરવિંદ ત્રિવેદી, મુલરાજ રાજડા – ઈન્દુમતી રાજડા,જયંત ભટ્ટ અને રમેશ મહેતા જેવા કલાકારો હતા. જેસલ તોરલના ગીતો ગુજરાતના ખૂણે ખૂણે લોકપ્રિય થયા. અવિનાશ વ્યાસના સંગીતે રીતસરનો જાદુ ચલાવ્યો હતો. ‘પાપ તારું પ્રકાશ જાડેજા’ અને ‘ધૂણી રે ધખાવી બેલી અમે તારાં નામની’ આજે પણ દરેકને કંઠસ્થ હશે. ‘કચ્છની ધરતીનો કાળો નાગ… જેસલ જાડેજો‘ આ ડાયલોગ All Time Hit છે. ઉપેન્દ્ર ત્રિવેદી આ ફિલ્મ પછી જ સુપરસ્ટાર બન્યા. આ ફિલ્મને અનેક અવોર્ડ મળ્યા.
પત્રકાર દેવાંગ ભટ્ટ સાથે વાત કરતા એ ફિલ્મના નાયક ઉપેન્દ્ર ત્રિવેદીએ એ ફિલ્મના શુટિંગની અમુક વાતો કહી હતી.
‘દરિયાનું દૃશ્ય ઊભું કરવા માટે અમે મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં વીસ બાય પચ્ચીસ ફૂટનો એક હોજ તૈયાર કર્યો હતો. એની અંદર એક નાનકડી હોડી મૂકી હતી. હેલિકૉપ્ટરનો પંખો મગાવીને પાણીમાં તરંગો – મોજાં ઊભાં કર્યાં હતાં. બાલદી લઈને સહાયકો કૅમેરા પાસે પાણી છાંટતા હતા. હોડીમાં હું અને તોરલની ભૂમિકા ભજવતી અભિનેત્રી અનુપમા હતાં. નાવડી હાલકડોલક થાય એ માટે કેટલાંક સહાયકોને નાવડી હલાવવા માટે હોજમાં નાવડી નીચે બેસાડ્યા હતા.’
દરિયા પર બનેલી અન્ય એક નોંધપાત્ર ફિલ્મ ‘દરિયા છોરું’. 1999માં વિપુલ અમૃતાલ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં આજના બહુ મોટા સ્ટાર જે.ડી.મજેઠીયા, શેફાલી શાહ અને રૂપા દિવેટિયા મુખ્ય કિરદાર હતા. દરિયા કિનારે રહેતા ગરીબ જે.ડી. મજેઠીયા અને શ્રી મંત પરિવારના શેફાલી શાહની પ્રેમકથા આ ફિલ્મમાં નિરુપાય છે.
૧૩મી સદીમાં થઇ ગયેલા શેઠ જગડુશા પર 1981માં ફિલ્મ બની. ઉપેન્દ્ર ત્રિવેદી, કામિની ભાટિયા અને વિદ્યા સિન્હા દ્વારા અભિનીત આ ફિલ્મમાં શેઠ જગદુશાની કથા આલેખી છે. તેઓ એક મહાન દાનવીર અને વ્યાપારી હતા. તેઓ સમુદ્રના રાજા ગણાતા, તેથી તેમના પર બનેલી ફિલ્મમાં દરિયાનું નિરૂપણ થાય જ ને !
અષાઢી બીજ – આ નામથી ફિલ્મ બને એટલે એ કચ્છનું કથાનક હશે એમ આપણે ધારી શકીએ, પરંતુ ના. અષાઢી બીજ નામની ગુજરાતી ફિલ્મ બની હતી 1979માં. જેમાં કિરણ કુમાર અને મલ્લિકા સારાભાઈ મુખ્ય કિરદાર હતા.
થોડા સમયમાં એક ફિલ્મ આવી હતી ‘ખારાં પાણીની પ્રીત’ મમતા સોની સાથે ફિરોઝ ઈરાની જેવા સીનીયર કલાકાર સાથેની આ ફિલ્મ જ દરિયા ખેડુ પણ આધારિત હતી. મોનશીન બામણીયા ફિલ્મના દિગ્દર્શક છે.
આ એ અમુક ફિલ્મો વિશે જાણ્યું કે જે દરિયાને કેન્દ્રમાં રાખીને બની હોય. પણ આપણને સૌથી પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે ગુજરાતમાં આટલો લાંબો દરિયા કિનારો છે, દેશના સૌથી ધનિક રાજ્યમાં સુમાર ગુજરાતમાં કેમ દરિયા પર ઓછી ફિલ્મ બને છે? તો આ વિષયના જાણકારો કહે છે કે સૌથી મોટો પ્રશ્ન બજેટનો છે. જે ફિલ્મ નિર્માતાઓ ફિલ્મમાં પૈસા રોકે છે એ ફિલ્મકળાથી અજાણ છે. જે ફિલ્મ નિર્માતાઓ ફિલ્મકળાને બારીકાઇથી જાણે છે એ પ્રમાણમાં એટલા ખમતીધર નથી હોતા કે મોટા બજેટની ફિલ્મો બનાવી શકે. અન્ય કારણોમાં એ પણ ખરું કે ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ કથા લખાઈ એનાથી એ અજાણ હોય છે. આ તો અમુક ધ્યાનમાં આવેલી બાબતો છે. ટેકનોલોજીના પ્રશ્નો પણ ખરા જ!
છતાં દરિયાને નિરૂપતી જે ફિલ્મો બની છે એ પણ ઉત્તમ બની છે. જેસલ તોરલ જેવી ફિલ્મએ ગુજરાતી ફિલ્મમાં એક આંધી લાવી હતી એમ કહી શકાય.