સદુમાતાની પોળ
નવરાત્રિ – એક એવો તહેવાર કે જેમાં આરાધના, ભક્તિ, કલા, શક્તિ અને શૃંગાર જેવા તત્વોના અદ્ભુત સમન્વયને અનુભવી શકાય છે. એક એવો તહેવાર કે જેમાં ‘ગરબા’ જેવા લોકનૃત્યના મારફતે મા આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. જાત-ભાતના શૃંગાર કરીને, ભક્તિના રંગમાં રંગાઈને ગરબે ઘૂમવાની એક અલગ જ મજા હોય છે. સામાન્ય રીતે નવરાત્રિમાં પુરુષોને કુર્તામાં કે પછી કેડિયું પહેરેલા હોય તેમ જયારે સ્ત્રીઓને ચણીયાચોળી કે સાડી પહેરીને ગરબા રમતા આપણે જોતા હોઈએ છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે પુરુષો સાડી પહેરીને ગરબા રમે અને માતાજીની આરાધના કરતા હોય? તે જગ્યા છે ઐતિહાસિક અમદાવાદમાં આવેલ ‘સદુમાતાની પોળ’. નવરાત્રિમાં દર આઠમની રાત્રે ‘સદુમાતાની પોળ’માં સદુમાતાના મંદિર પાસે બધા જ પુરુષો સાડી પહેરીને ગરબાના મારફતે માતાજીની આરાધના કરે છે.
સદુમાતાની શું છે કથા?
અમદાવાદને ‘હેરિટેજ સિટી’નો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. આ શહેર જેટલું આધુનિક છે તેટલું જ તે પૌરાણિક ઈતિહાસ ધરાવે છે. અમદાવાદની પોળ એ તેના વારસાને, ઈતિહાસને સાચવીને બેઠું છે. તેનું બાંધકામ તો વિશિષ્ટ છે જ સાથે સાથે તે અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જે તેની દિવાલોમાંથી સાંભળી શકાય છે, ત્યાંના વાતાવરણમાં અનુભવી શકાય છે. તેવી જ એક પૌરાણિક કથાની સાક્ષી પૂરતી પોળ છે ‘સદુમાતાની પોળ’. શાહપુરમાં આવેલી આ ‘સદુમાતાની પોળ’ ત્યાં આવેલ સદુમાતાના મંદિરથી ખૂબ પ્રચલિત છે. બારોટ અને ચારણ સમાજ માટે આ મંદિર અને સદુમાતા વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
અમદાવાદમાં જયારે સૂબાકાળ ચાલતો હતો ત્યારે અમદાવાદના તે સમયના સૂબાને અહીં રહેતી એક સ્ત્રી પર કુદ્રષ્ટિ પડી જેનું નામ હતું સદુબા અને તેના સૈનિકોને મોકલીને મહેલે આવવાનો હુકુમ કર્યો પરંતુ સદુબા પતિવ્રતા સ્ત્રી હતા અને સૂબાના આવા આદેશના વિરુદ્ધમાં હતા. બારોટ સમાજના લોકોએ સૂબા વિરુદ્ધ ધીંગાણું પણ કર્યું પરંતુ સદુબાની દીકરી બચી ન શકી અને એ દુઃખમાં તેઓ સતી થયા. આજે પણ આ પોળમાં સદુમાતાનું મંદિર છે. આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે, કહેવામાં આવે છે કે જે લોકો અહીં માનતા માને છે તેમને એ પૂરી થાય જ છે. નારી શક્તિનું પ્રતિક સમાન સદુમાતાનું મંદિર આ ઐતિહાસિક ઘટનાને દર્શાવે છે. આશરે ૨૦૦ વર્ષ પહેલાથી આ ઘટનાના કારણે જ એક પ્રથા શરુ થઇ જે આજે પણ લોકોને ઘણી આશ્ચર્યમાં મૂકે છે. નવરાત્રિમાં આઠમાં નોરતે પુરુષો સ્ત્રીઓની જેમ સાડી પહેરી, શૃંગાર સજીને સદુમાતાના મંદિર સામે ચોકમાં ગરબા રમે છે. આમ કરવાથી તેમની માનતા પૂરી થાય તેવું માનવામાં આવે છે. આ દ્રશ્ય કાંઇક અદ્ભુત હોય છે. જાણે કે પુરુષો આ રીતે સ્ત્રી-સમાન શૃંગાર સજી, જાણે કે તેઓ એક નારીની રક્ષા ન કરી શક્યા તે માટે સદુમાતાની સમક્ષ માફી માંગતા હોય. બારોટ સમાજમાં વારસાગત રીતે ચાલતી આ પ્રથાનું પાલન આજે પણ એટલા જ ઉત્સાહથી થાય છે.
સમાજિક મહત્વ
સદુમાતાની પોળ હકીકતમાં તો સ્ત્રીના અસ્તિત્ત્વના અજવાળાનું સરનામું છે. સદીઓથી ચાલતી આ પ્રથા વારસાગત તો છે જ પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ શીખ આપતી એક ઘટના છે. સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવું, સમાજમાં સમાનતાના સ્તરની સ્થાપના કરવી જેવા મૂલ્યોને શીખવી જાય છે. આપણે ત્યાં પ્રાચીનકાળથી ચાલી આવતી ભવાઈમાં પણ પુરુષો જ સ્ત્રીઓનું પાત્ર ભજવતા પરંતુ સ્ત્રીનો પહેરવેશ ધારણ કરીને ગરબા રમવાની આ એકમાત્ર ઘટના છે જે દર વર્ષે નવરાત્રિમાં થાય છે. ઘણા લોકો દૂર દૂરથી માત્ર આ દ્રશ્યનું સાક્ષી બનવા માટે પણ આવે છે. ઝવેરચંદ મેઘાણીએ આના ઉપર લખી છે ખૂબ જ અદ્ભુત વાર્તા. સાંભળો આ સંપૂર્ણ વાર્તાને Jalso Culture ઉપર અને જાણો શું છે આ પ્રથા પાછળની કથા.