ગુજરાતી ભાષા અને સંગીતને સમર્પિત જલસો એપ 28 મી એપ્રિલનાં દિવસે સાતમાં વર્ષે પ્રવેશી રહ્યું છે. તેની ઉજવણીનાં ભાગ રુપે આ વર્ષે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ મુશાયરામાં ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ખ્યાતનામ એવા ગાયક અને કવિ શ્યામલ મુનશી એ તેમની કવિતાઓનું પઠન કર્યું હતું.
કવિતા ભાવોની અભિવ્યક્તિ માટેનું એક અનોખું માધ્યમ છે. કવિની કલમ આપણને જીવનનાં નવાં નવાં દ્રષ્ટિકોણ તો આપે જ છે પણ જીવનની સુંદરતાને શબ્દોમાં કંડારી આપે છે. જલસો પર ગુજરાતી ભાષાનાં જાણીતા અને ઉભરતાં કવિઓની કવિતાઓનું પઠન સંભળાવતો ‘મખમલ’ નામનો ખાસ સેગમેન્ટ છે. જેમાં સ્વયં કવિ દ્વારા તેમની કવિતાઓનું પઠન કરવામાં આવ્યું છે.
શ્યામલ મુનશી સાહેબના સ્વરથી સૌ પરિચિત છીએ પણ કવિ તરીકે તેમનો પરિચય ખૂબ ઓછાને છે. કવિ અને તેની કવિતામાં કવિ શ્યામલ મુનશી એ તેમની હાસ્યસભર રચનાઓ સાથે અધ્યાત્મ વિષય પર લખેલી સુંદર કવિતાઓ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમમાં શ્રોતાજનોની ઉપસ્થિતિ અને તેમનાં ઉમળકાભર્યા પ્રતિભાવોનો જલસો આભાર વ્યક્ત કરે છે.
દરેક ઉમરની એક ખૂબી અને ખામી છે. જીવનનો અંતિમ તબક્કો એટલે વૃધત્વ. શ્યામલ મુનશી એ વૃદ્ધ દાદાના મનની વાતને આ કવિતામાં સુંદર રીતે પ્રગટ કરી છે.
વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,.
એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.
ભાગદોડનાં દિવસો તો ભાગીને દોડી ગયા
જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા.
અવગણાએ સીમા બાંધી દાદાજીની ફરતે,.
દાદા સાથે સમય અજણ્યા માણસ માફક વર્તે.
જીવન નિર્ભર, નિરુપયોગી થયું – એટલે સસ્તું,
દાદા વ્યક્તિમાંથી જાણે બની ગયા એક વસ્તુ
તન અને મન એકમેકને છોડાવે પક્કડ-
દાદાએ પોતાનાં સૌને એક તાંતણે બાંધ્યા,
અલગ અલગ ટુકડાને કૂણી લાગણીઓથી સાંધ્યા.
અંગત અંગત ઈચ્છાઓ સૌ સૌને રસ્તે ચાલી,
દાદાજીની આંખોમાંથી થયો બગીચો ખાલી.
લાંબુ જીવતર એ જ રોગ, જે શાપ બનીને ડંખે,
દાદા સઘળાં દુઃખ સહીને સૌના સુખને ઝંખે
સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ-
કટકે કટકે દીધું પાછું, લીધું જે ઉછીનું,
એક સામટું એક દિવસ દઈ દેવાનું બાકીનું.
ટેકો દેતા પગને રાખી દીવાલને આધારે,
આંખ, કાન ને દાંતને અસલી ચહેરેથી ઉતારે .
થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી,
ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી,
નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ-
વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,
એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.