એક તત્વ ચિંતકે બહુ સુંદર વાત કરી છે. તેઓ કહે છે કે, કવિતાની કલમ પીડા ભરેલી શાહીમાંથી જન્મે છે. કેટલી સાચી વાત કવિતાનો જન્મ વેદના, પીડા, દુઃખમાંથી થાય છે. કવિતા કેવી રીતે જન્મે છે એ વિષય જુદો છે પરંતુ કવિતા લખાય તેના એક કારણમાં વેદના પણ પરિબળ તરીકે મહત્વનું અંગ છે.
હાલમાં ગુજરાતી સાહિત્યમાં નાની ઉંમરે પોંખાઈ ચૂકેલ નામ એવા વિકી ત્રિવેદીની કલમને વાંચીએ તો આ વાત અનુભવાય. ગઝલકાર, નવલકથાકાર, અને અનુવાદક તરીકે વિકી ત્રિવેદી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં માત્ર બે વર્ષનાં ઓછા સમયગાળામાં પોતાનું સ્થાન સ્થાપી ચૂક્યા છે. મૂળ ડીસાના વતની વિકી ત્રિવેદી સાહિત્યમાં ઝંપલાવ્યાનું કારણ પોતે વ્યસ્ત રહેવા માટેનું બતાવે છે પરંતુ તેમની રચનાઓ આપણા વ્યસ્ત જીવનમાં થોડી થોડી વિશ્રામની પળો નોંધાવી જાય છે. ગઝલકાર વિકી ત્રિવેદીનાં બે ગઝલસંગ્રહ હાલ સુધીમાં પ્રગટ થઇ ચૂક્યાં છે.
‘હાજર હૃદયથી હોઈએ ’ તેમનો પ્રથમ ગઝલ સંગહ છે. અને આ વર્ષે જ તેમનો બીજો ગઝલ સંગ્રહ ‘ જાતે પ્રગટ થશે ’ આવ્યો.
જલસો આ વર્ષે તેની સાતમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે આ વર્ષે સાત વર્ષની ઉજવણીનાં ભાગ રુપે એક મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરુઆત કવયિત્રી પારુલ ખખ્ખરનાં કવિતા પઠનથી કરવામાં આવી. આ ઉપક્રમનો બીજો છેડો કવિ વિકી ત્રિવેદી સાથે જોડાયો અને ગઈ કાલ સાંજે સુંદર કવિતાભરી સાંજનું આયોજન થયું. તેમની એક એક ગઝલનાં પઠનમાં પ્રેક્ષકોની અદ્ભુત દાદ મળી.એક યાદગાર કવિતા ભરી સાંજ વીતી. કવિ વિકી ત્રિવેદી દ્વારા થયેલ કવિતા પઠનનો કાર્યક્રમ અમારી you tube channel Jalso Podcast માં ટૂંક સમયમાં નિહાળશો.
અહીં વિકી ત્રિવેદીની કેટલીક ગઝલો અહીં વાંચીને માણીએ.
તકલીફથી એક આદમી થોડો ઘડાય છે,
એમાંય બીજા કૈકને તકલીફ થાય છે.
છો ચાલવાથી બીજું કશું થાય કે ન થાય
નાં ગમતી હોયએ જગાથી તો ખસાય છે.
જંગલનાં વૃક્ષ એટલે મજબૂત છે વધુ,
કારણ કે બાગમાં તો બીજા પાણી પાય છે.
એક બાજુ એને થાવું છે સારાકવિ અને,
બીજી તરફ એ રાજાનાંગુણગાન ગાય છે.
ઈશ્વરને મારા પર વધારે પ્યાર તો નથી,
પણ મારી મા ત્યાં છે, ને એ માથી બીવાય છે.
રાતોની રાતો જાગવાનો ફાયદો ‘વિકી ’.
અંધારમાંય આંખને સઘળું કળાય છે.
એક ઓર ગઝલનો આસ્વાદ માણીએ.
આસક્તિ ઓછી કરવી એ છે કામ આપણું,
એના પછી વિરક્તિ તો જાતે પ્રગટ થશે.